નવી દિલ્હી, લંડનઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તથા અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના પત્ની એડવિના એકમેકને પ્રેમ કરતા હતા, પણ તેમના સંબંધો શારીરિક ક્યારેય નહોતા. માઉન્ટબેટનની પુત્રી પામેલાએ આ દાવો કર્યો હતો. પામેલાએ જણાવ્યું હતું કે બન્ને ક્યારેય એકાંતમાં મળ્યા નહોતા તેથી શારીરિક સંબંધોનો સવાલ જ પેદા થતો નથી. માઉન્ટબેટન વાઇસરોય તરીકે ભારત આવ્યા ત્યારે પામેલાની વય ૧૭ વર્ષની હતી. પામેલાએ કહ્યું કે તેમનાં માતા એડવિના નેહરુની બુદ્ધિમત્તા, અધ્યાત્મિક વિચારોથી પ્રભાવિત થયાં હતાં.
પામેલાએ એમ પણ કહ્યું કે ભારતથી વિદાય લેતા પહેલા એડવિના નેહરુને વીંટી ભેટમાં આપવા માગતા હતા. નેહરુ આ ભેટનો અસ્વીકાર કરશે તેવી ખાતરી હોવાથી એડવિનાએ બાદમાં ઇન્દિરાને વીંટી ભેટમાં આપી હતી. પામેલાએ સ્વીકાર્યું હતું કે તેઓ હંમેશા માતા અને નેહરુ વચ્ચેના સંબંધો વિશે જાણવા માગતા હતા. પણ જ્યારે તેમણે નેહરુએ એડવિનાને લખેલા પત્રો વાંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ એકમેકનું કેટલું સન્માન કરતા હતા. પામેલાએ પોતાના પુસ્તક ‘ડોટર ઓફ એમ્પાયરઃ લાઇફ એઝ અ માઉન્ટબેટન’માં એડવિના અને નેહરુ વચ્ચેના સંબંધો વિશે વિસ્તારથી લખ્યું છે.