નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે ભારત બચાવો રેલીને સંબોધતાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની રેપ ઇન ઇન્ડિયા ટિપ્પણી માટે માફી માગવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, હું રાહુલ સાવરકર નહીં, પરંતુ રાહુલ ગાંધી છું. સત્ય બોલવા માટે હું માફી માગવાનો નથી.
રાહુલના આ નિવેદને ફરી હોબાળો મચાવ્યો છે. ભાજપે તો આ શબ્દો અંગે તેના પર પસ્તાળ પાડી જ છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેના સાથી પક્ષ શિવસેનાએ પણ આ ઉચ્ચારણો બદલ નારાજગી વ્યક્ત કરી છે. વીર સાવરકરના પૌત્રે રાહુલ ગાંધીના આ શબ્દો બદલ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે.
ઉલ્લેખનીય છે કે રાહુલે તાજેતરમાં ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દેશભરમાં બની રહેલી બળાત્કારની શ્રેણીબદ્ધ ઘટનાઓનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે મેક ઇન ઇંડિયાના બદલે દેશ રેપ ઇન ઇંડિયા બની રહ્યો છે. સ્ત્રીઓનું અપમાન કરતા રાહુલના શબ્દોથી સંસદ ગૃહમાં હોબાળો મચ્યો હતો. શાસક પક્ષના સભ્યોએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરતાં તેમને આવા નાલેશીજનક નિવેદન બદલ માફી માંગવા જણાવ્યું હતું.
જોકે રાહુલે આનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. બાદમાં તેણે ભારત બચાવો રેલીમાં આ સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે હું મારા નિવેદન (રેપ ઇન ઇંડિયા) અંગે માફી માંગવાનો નથી. હું રાહુલ ગાંધી છું, રાહુલ સાવરકર નહીં.
શિવસેનાની ચેતવણી
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કોંગ્રેસને ચેતવણી આપી હતી કે, વીર સાવરકરના સન્માન મુદ્દે કોઇ સમાધાન કરાશે નહીં. અમે પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીનું સન્માન કરીએ છીએ. સાવરકરનું અપમાન કરશો નહીં. વીર સાવરકર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભગવાનની જેમ પૂજાય છે. સાવરકર નામ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. નેહરુ અને મહાત્મા ગાંધીની જેમ સાવરકરે પણ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે.
ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું નામ રાહુલ ઝીણા હોવું જોઈએ. રાહુલ ગાંધીની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે, મુસ્લિમ તૃષ્ટિકરણની તમારી રાજનીતિ અને માનસિકતા તમને સાવરકર નહીં પરંતુ મોહંમદ અલી ઝીણાના યોગ્ય વારસદાર બનાવે છે.
જવાબ દુર્ભાગ્યપૂર્ણઃ રણજીત સાવરકર
સાવરકરના પૌત્રે રાહુલ વિરુદ્ધ માનહાનીનો કેસ કરવાની ચીમકી આપી છે. સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું હતું કે હું આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરીશ અને માગણી કરીશ કે રાહુલ ગાંધી વિરુદ્ધ પગલા લેવામાં આવે. સાવરકર વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો કોઇને અધિકાર નથી. રણજીત સાવરકરે કહ્યું કે રાહુલ ગાંધીનો જવાબ દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓને આ પ્રકારના નિવેદનો કરવાની ટેવ છે. આપણે દેશના સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ન કરવું જોઇએ.


