બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓને વિક્રમી સંખ્યામાં પ્રવેશ

Wednesday 18th August 2021 07:02 EDT
 
 

લંડનઃ ભારતને બ્રિટનના એમ્બર લિસ્ટમાં મૂકાવા સાથે ટ્રાવેલ નિયંત્રણો હળવા કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકતા હોવાથી અભ્યાસ માટે બ્રિટન જવામાં સરળતા થઈ છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજ એડમિશન સર્વિસ (UCAS) દ્વારા જાહેર ડેટા અનુસાર બ્રિટનની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ મારફત ૨૦૨૧માં ભારતના વિક્રમજનક ૩,૨૦૦ વિદ્યાર્થીઓને યુકેમાં યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના કોર્સીસમાં પ્રવેશ મળ્યો છે. અગાઉના વર્ષની સરખામણીએ આ સંખ્યા ૧૯ ટકા વધુ છે.

ભારતને ૪ ઓગસ્ટ રવિવારથી પ્રવાસ નિયંત્રણોના યલો અથવા એમ્બર લિસ્ટમાં મૂકાયાના પગલે બ્રિટનમાં અભ્યાસનું આયોજન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ હોટેલ્સ સહિત સરકાર સંચાલિત ફેસિલિટીમાં ભારે ખર્ચા કરીને ક્વોરેન્ટાઇન થવાની ફરજ પડશે નહિ. આના બદલે તેઓ યુનિવર્સિટી એકોમોડેશન, મિત્રો અથવા સગાંસંબંધીના ઘેર ૧૦ દિવસ એકાંતવાસમાં રહી શકે છે.ઈંગ્લેન્ડમાં પાંચમા દિવસે નાણા ચૂકવી કોવિડ ટેસ્ટ કરાવવાનો વિકલ્પ છે. જો ટેસ્ટ નેગેટિવ રહે તો વિદ્યાર્થીઓ ક્વોરેન્ટાઈનનો વહેલો અંત લાવી શકે છે.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકે દ્વારા રેડ લિસ્ટના નિયંત્રણોથી ભારતીય વિદ્યાર્થીઓને હોટેલમાં ફરજિયાત ક્વોરેન્ટાઇન પાછળ થતાં ૧,૭૫૦ પાઉન્ડના વધારાના ખર્ચના મુદ્દાને ઉઠાવાયો હતો. ઓક્સફર્ડ/એસ્ટ્રેઝેનેકાની ભારતમાં ઉત્પાદિત વેક્સિન કોવિશિલ્ડ યુકેમાં ક્વોરેન્ટાઈનમુક્ત પ્રવાસ માટે માન્ય નહિ હોવાથી તેના ભારતીય ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ વધારાના ખર્ચનો ભોગ બનનારા ભારતીય વિદ્યાર્થીઓને સહાય કરવા રૂપિયા ૧૦ કરોડની ફાળવણી કરી હતી.

યુકેની ૧૪૦થી વધુ યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલના ડાયરેક્ટર વિવિયન સ્ટર્ને જણાવ્યું હતું કે યુકેની યુનિવર્સિટીઓ ઓટમમાં ભારતીય વિદ્યાર્થીઓને ભાવસભર આવકાર આપવાની તૈયારી કરી રહેલ છે. તેમણે દરિયાપાર અભ્યાસ કરવાને વળગી રહેવામાં અખૂટ ધીરજ દર્શાવી છે. અમે તેમને અમારા કેમ્પસીસ અને યુનિવર્સિટી કોમ્યુનિટીઝમાં ફરી આવકારવા આતુર છીએ.

યુકેના નવા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા અથવા ગ્રેજ્યુએટ રુટ વિઝા જુલાઈ મહિનાથી અમલમાં આવ્યા છે. આ વિઝા હેઠળ વિદ્યાર્થી પોતાનો ડીગ્રી કોર્સ પૂર્ણ કર્યા પછી કામકાજનો અનુભવ મેળવવા બે વર્ષ બ્રિટનમાં રહી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter