ભારતપેએ સહસંસ્થાપક અશનીરને કંપનીમાંથી કાઢ્યા ગ્રોવર પરિવારે વૈભવી જીવન માટે નાણાંની ઉચાપત કર્યાનો આરોપ

Wednesday 09th March 2022 06:04 EST
 
 

નવી દિલ્હી: ભારતના હાઇ-પ્રોફાઇલ ઇન્વેસ્ટર અને ટોચની પેમેન્ટ સ્ટાર્ટઅપ ભારતપેના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવરને તેમણે આચરેલી ગેરરીરિત બદલ કંપનીના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે. હવે કંપની મેનેજમેન્ટ ગ્રોવરના કેટલાક શેરોની હિસ્સેદારી પરત લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે.
ઓડિટ રિપોર્ટનો હવાલો
દુકાનદારોને ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા આપનારી ભારતપે કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી બોર્ડ મિટિંગનો એજન્ડા મળ્યા પછી ગ્રોવરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીની બોર્ડ મિટિંગ બીજી માર્ચે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં ગ્રોવરે આચરેલી આર્થિક અનિયમિતતા અંગે કરાયેલા સ્વતંત્ર ઓડિટના રિપોર્ટના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. ભારતપેએ જણાવ્યું છે કે ઓડિટ રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોને આધારે તેની પાસે ગ્રોવર સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે.
નાણાકીય ગેરરીતિ આચરી
સ્ટાર્ટઅપ યુનિકોર્ન ભારતપેના બોર્ડ અને અશનીર ગ્રોવરની વચ્ચે લડાઈ શરૂ થયાના બે મહિના બાદ કંપનીએ પ્રથમવાર સત્તાવાર રીતે કંપની ફાઉન્ડરના પરિવાર અને સંબંધીઓ પર ફંડના દુરુપયોગનો આક્ષેપ મૂક્યો છે. ભારતપેએ જણાવ્યું હતું કે ગ્રોવર પરિવાર અને તેમના સંબંધીઓ કંપનીના ભંડોળનો વ્યાપક દુરુપયોગ કરવામાં પ્રવૃત્ત હતાં. જેમાં ખોટા વેન્ડર્સ ઊભા કરીને તેમની મારફતે પણ કંપનીના એકાઉન્ટમાંથી નાણાં ઉચાપત કરી હતી. તેમણે કંપનીના એકાઉન્ટ્સમાંથી નાણાં ઉચાપત કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં સાથે વૈભવી જીવન જીવવા માટેના નાણાં તેમાંથી મેળવ્યાં હતાં. કંપનીએ ગ્રોવર અને તેના પરિવાર સામે કાનૂની પગલા ભરવા માટે તમામ અધિકારો પોતાની પાસે અનામત રાખ્યા છે.
નોંધનીય છે કે અશનીર ગ્રોવરે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી વગર રાજીનામું આપ્યું હોવાથી કંપનીને અધિકાર છે કે એ તેમના હિસ્સાના ૧.૪ ટકા સુધીના શેરો પરત લઇ શકે છે. ભારતપેમાં અશનીર ગ્રોવરની હજુ ૯.૫ ટકા હિસ્સેદારી છે.

નિર્ણયથી આશ્ચર્ય નહીં: અશનીર
ભારતપે તરફથી થયેલા આક્ષેપોના જવાબમાં અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે કંપનીના નિવેદનથી મને આઘાત જરૂર લાગ્યો છે, પણ આશ્ચર્ય નથી થયું. અંગત નફરત અને હલકી માનસિકતાને કારણે આમ બન્યું છે. મને લાગે છે કે રોકાણકારોએ મારી પાસેથી કરેલી સેકન્ડરી શેર્સની ખરીદી બોર્ડને યાદ કરાવવાની જરૂર છે. રોકાણકારોએ ગ્રોવર પાસેથી શેર્સ ખરીદ્યાં હતાં. ગ્રોવરે તેમની ‘વૈભવી જીવનશૈલી’ અંગે અમરચંદ, પીડબ્લ્યૂસી અને એએન્ડએમ એકાઉન્ટીંગ ફર્મમાંથી કોણે ઓડિટ શરૂ કર્યું તે અંગે જાણવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે મારા માટે તો મારા સ્વપ્નો અને તેને હાંસલ કરવા માટેની સખત મહેનત અને સાહસિકતા જ ખરો વૈભવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter