નવી દિલ્હી: દેશમાં તાજેતરમાં એક પછી એક એમ ઘણા સાંપ્રદાયિક વિવાદ ઊભા થયા છે. છેલ્લા 6 મહિનાની અંદર સાતથી આઠ મુદ્દા પર મોટો વિવાદ થયો છે. એકદમ તાજું ઉદાહરણ છે પટિયાલામાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થક જૂથો વચ્ચેની હિંસક અથડામણ. એક મહિના અગાઉ આ વિવાદોને ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણી સાથે જોડવામાં આવતાં હતાં. હવે કહેવામાં આવે છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશમાં હિજાબ, કિતાબ, હલાલથી શરૂ થયેલો સાંપ્રદાયિક વિવાદ ધીરે-ધીરે કેવી રીતે બુલડોઝર, લાઉડ સ્પીકર, હનુમાન ચાલીસા, મોગલ અને બાઇબલ સુધી પહોંચી ગયો? તેના પર એક નજર નાંખીએ.
• પુસ્તક વિવાદઃ કર્ણાટકમાં નવેમ્બર 2021થી પુસ્તક વિવાદ ચાલી રહ્યો છે. ધોરણ 1થી 10 સુધીના પાઠયપુસ્તકોમાં સરકારે બદલાવ કર્યો અને સાથે શાળામાં ભગવદ્ ગીતા ભણાવવાનો આદેશ કર્યો. જેનો ઘણા લોકોએ વિરોધ કર્યો. તાજેતરમાં સરકારે પુસ્તકોમાં સુધારો કરી ટીપૂ સુલતાનનું પ્રકરણ હટાવવામાં આવશે. આ ઉપરાંત કાશ્મીરનો ઇતિહાસ, બાબા બુદનગિરિ અને દત્તપીઠ અંગે ભણાવવામાં આવશે. આ મુદ્દાઓ હિન્દુ-મુસલમાન વચ્ચે વિવાદનું કારણ બનેલા છે.
• હિજાબ વિવાદઃ આ વિવાદની શરૂઆત 27 ડિસેમ્બર 2021ના રોજ કર્ણાટકની ઉડુપી સરકારી કોલેજમાં થઈ હતી. કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં આવતા રોકવામાં આવી હતી. તે પછી આ વિવાદ પહેલાં હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાઇ કોર્ટે સરકારની તરફેણ કરી છે અને હવે આ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
• હલાલ-મીટ વિવાદઃ એપ્રિલની શરૂઆતમાં ગુડી પડવો પર્વ દરમિયાન હલાલ મીટનો વિવાદ ઊભો થયો હતો. હિન્દુના નવા વર્ષ દરમિયાન કેટલાક સંગઠનોએ કર્ણાટકમાં હલાલ મીટ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. આ સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો તેને બંધ કરવામાં નહીં આવે તો બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવશે. દલીલ છે કે, તેમાં જાનવરોને રિબાવીને મારવામાં આવે છે, આ પ્રકારે મારવામાં આવેલા જાનવરોનું માંસ અશુદ્ધ હોય છે.
• લાઉડસ્પીકર વિવાદઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેએ નવો વિવાદ ઊભો કરતાં જણાવ્યું હતું કે, અમે મહારાષ્ટ્રમાં હિંસા કે તોફાનો નથી ઇચ્છતા. નમાજ પઢવાનો કોઈએ વિરોધ કર્યો નથી, પરંતુ જો તમે અઝાન માટે લાઉડ સ્પીકર્સનો ઉપયોગ કરશો તો અમે પણ હનુમાન ચાલીસા માટે લાઉડ સ્પીકર્સનો ઉપયોગ કરીશું. મુસલમાનોએ સમજવું જોઈએ કે, ધર્મ કાયદાથી મોટો હોઈ શકે નહીં. તેમણે ચેતવણી આપી છે કે, ત્રીજી મે પછી હું જોઈશ કે શું કરવું જોઈએ. આ નિવેદન બાદ દેશભરમાંથી લાઉડ સ્પીકર્સ હટાવવાની માંગ ઊઠી રહી છે.
• હનુમાન ચાલીસાનો વિવાદઃ લાઉડ સ્પીકરનો વિવાદ હજુ શમ્યો પણ ન હતો ને હનુમાન ચાલીસાને લઈને ફરીથી વિવાદ ઊભો થયો છે. 24 એપ્રિલે મહારાષ્ટ્રના અમરાવતીમાંથી ચૂંટાયેલા સ્વતંત્ર સાંસદ નવનીત કોર રાણાએ જાહેરાત કરી કે, તે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ વિવાદ વકર્યો છે, રાણા દંપતીની ધરપકડ કરવામાં આવી છે અને મામલો કોર્ટમાં છે.
• બુલડોઝર વિવાદઃ દિલ્હીના જહાંગીરપુરા વિસ્તારમાં 16 એપ્રિલે હનુમાન જન્મોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રા પર પત્થરમારો કરવામાં આવ્યો હતો તેને પગલે તંત્ર સક્રિય બન્યું હતું અને વર્ષોજૂના ગેરકાયદેસરના દબાણો હટાવ્યા હતા. ધાર્મિક અગ્રણીઓ તંત્ર દ્વારા દ્વેષપૂર્ણ કાર્યવાહી થઇ રહ્યાનો આક્ષેપ કરીને લોકોને ઉશ્કેરી રહ્યા છે. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ વિવાદના ગણતરીના કલાકોમાં રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ચાલતાં બુલડોઝર વિવાદને વેગ મળ્યો છે.
• બાઇબલ વિવાદઃ કર્ણાટકમાં જ હવે બાઇબલ વિવાદ શરૂ થયો છે. બેંગ્લુરુની ક્લેરેન્સ હાઇસ્કૂલના તંત્રે આદેશ કર્યો છે કે શાળામાં બાળકોએ બાઇબલ લાવવું જરૂરી છે. શાળાના આ નિર્ણય સામે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે. શાળાએ આ અંગે બાળકોના વાલીઓ પાસે ફોર્મ ભરાવ્યા છે જેને સંગઠનો એજ્યુકેશન એક્ટનો ભંગ ગણાવે છે.
આ તમામ વિવાદાસ્પદ મુદ્દે નિષ્ણાતોનો મત છે કે કોરોના અને યુદ્ધ જેવી વૈશ્વિક મુશ્કેલીઓ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો ગ્રોથ રેટ નોંધપાત્ર છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નું પણ અનુમાન છે કે આ વર્ષે ભારતનો વૃદ્ધિદર સૌથી આગળ રહેવાનો છે. એવામાં કેટલાક અસામાજિક તત્ત્વો દેશની પ્રગતિ પચાવી શકતા નથી તેથી દેશને અસ્થિર કરવાના ષડ્યંત્રમાં જોડાયેલા છે.


