યુકે, યુએસ સહિતના દેશોની ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવાની મથામણ

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઈમિગ્રેશન, પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સ અને વિઝા પોલીસીઓમાં સુધારાઃ સ્કોલરશિપ્સ અને વર્ક પરમિટ્સમાં પણ વધારો

Tuesday 31st January 2023 08:29 EST
 
 

લંડનઃ યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશો વિવિધ ઓફર્સ અને તક આપવાની જાહેરાતો સાથે ભારતીય વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટીઓના કેમ્પસમાં આકર્ષવાની મથામણ કરી રહ્યા છે. તેઓ ઈમિગ્રેશન અને વિઝા પોલીસીઓ હળવી બનાવે છે, નવી સ્કોલરશિપ્સ, વર્ક પરમિટ્સ અને કાયમી રેસિડેન્સીઝ (PR)ની લોલીપોપ્સ આપી ભારતીય વિદ્યાર્થીઓના વિશાળ સમુદાયને વિદેશમાં અભ્યાસ કરવા લલચાવી રહ્યા છે.

વિદેશમાં અભ્યાસનો અનુભવ એવી બાબત છે જે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક દૃષ્ટિએ વિકસાવે છે એટલું જ નહિ, તેમના આંતરરાષ્ટ્રીય નજરિયાને પણ વિકસાવવામાં મદદરૂપ બને છે. સફળ કારકિર્દી અને સુખી-સમૃદ્ધ જીવનનું નિર્માણ કરવામાં મદદ મળતી હોવાથી ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા ઉત્તરોત્તર વધતી ગઈ છે. દરિયાપારની શિક્ષણ ઈન્ડસ્ટ્રી મોટાભાગે ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ પર નભી રહી છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ભારતના વિદેશ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ 2022ના જૂન સુધીમાં લગભગ 2.5 લાખ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા વિદેશ ગયા છે.

USA દ્વારા STEM પ્રતિભાઓને ખેંચવા બદલાતી નીતિઓઃ

આ ઉનાળામાં USA દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વિક્રમી વિઝા જારી કરાયા હતા. જેઓ અમેરિકામાં અભ્યાસ અને વિશેષતઃ સાયન્સ, એન્જિનીઅરીંગ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ (STEM) વિષયોનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમના માટે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી કામ કરવાની વિપૂલ તક રહેલી છે. STEM ક્ષેત્રમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની નવી નીતિ હેઠળ F-1 STEM ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) એક્સ્ટેન્શ પ્રોગ્રામ ચાલુ કરાયો છે જેના હેઠળ F-1 વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવ્યા પછી 36 મહિના સુધી OPT કામકાજમાં જોડાઈ શકે છે. આ પ્રોગ્રામને નવા 22 ક્ષેત્રોમાં વિસ્તારવામાં આવશે જેના પરિણામે વિશાળ સંખ્યામાં ઉમેદવારોને એમ્પ્લોયમેન્ટ મેળવવાની તક પ્રાપ્ત થશે.

UK દ્વારા નવી સ્કોલરશિપ્સ જાહેરઃ

યુકેમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિત વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઓ આવેલી છે ત્યારે વિદેશમાં અભ્યાસ કરવા આતુર ભારતીય વિદ્યાર્થીઓ માટે યુકે પસંદગીના દેશોમાં એક બની રહ્યું છે. યુકેએ ભારતની અગ્રણી કં‘પનીઓ સાથે ભાગીદારીમાં સંપૂર્ણ ફંડ સાથે 75 સ્કોલરશિપ્સ જાહેર કરી છે. આ ઉપરાંત, ગયા વર્ષે ગ્રેજ્યુએટ રુટ વિઝા પણ લોન્ચ કરાયા હતા જેના હેઠળ યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સને બે વર્ષના પોસ્ટ-સ્ટડી વિઝા મળી શકે છે. આના પરિણામે પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં સફળ કારકિર્દી જમાવવાની તકમાં વધારો થયો છે. ગ્રેજ્યુએટ રુટ વિઝાની અરજી કરવા યુકેમાં નોકરીની ઓફર જરૂરી ગણાઈ નથી અને વેતનની જરૂરિયાત કે સંખ્યા પર પણ કોઈ મર્યાદા નથી. આના પરિણામે, યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોકરીઓ મેળવવા સાથે પોતાની કેરિઅરને વિકસાવી શકે છે.

ઉચ્ચ કૌશલ્ય ધરાવતા આંતરરાષ્ટ્રીય વર્કર્સ માટે નવા લોન્ચ કરાયેલા સ્કેલ-અપ વર્કર વિઝાની મહત્ત્વપૂર્ણ પહેલ પણ આકર્ષક છે. આ વિઝા રુટ હેઠળ કંપનીઓ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને કામે રાખી શકશે જેમને યુકેમાં બે વર્ષ રહેવાની પરવાનગી મળશે અને છ મહિનાથી વધુ સમયના રોકાણ માટે સ્પોન્સરશિપ મેળવવાની જરૂરિયાત પણ નહિ રહે.

ઓસ્ટ્રેલિયાએ પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સ લંબાવ્યાઃ

ઓસ્ટ્રેલિયાને કુશળતાની જરૂર હોય તેવા અનેક ક્ષેત્રમાં અછતની સમસ્યાનું નિરાકરણ લાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સને બે વર્ષ માટે લંબાવ્યા છે. પસંદગીની બેચલર્સ ડીગ્રી ધરાવતા ગ્રેજ્યુએટ્સ ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે. માસ્ટર્સ ડીગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પાંચ વર્ષ અને PhD વિદ્યાર્થીઓ છ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે.

આ વર્ષે શરૂ કરાયેલા મૈત્રી ઈનિશિયેટિવ્ઝથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસમાં મદદ મળશે. 11.2 મિલિયન ડોલર ‘મૈત્રી સ્કોલરશિપ્સ પ્રોગ્રામ’ થકી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સપોર્ટ મળશે જ્યારે 3.5 મિલિયન ડોલર ‘મૈત્રી ગ્રાન્ટ્સ એન્ડ ફેલોશિપ્સ પ્રોગ્રામ’થી મધ્યમ કક્ષાની કારકિર્દી ધરાવતા ઓસ્ટ્રેલિયન અને ભારતીય પ્રોફેશનલ્સને મદદ મળશે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થીઓ તેમની નોકરીઓ સંબંધિત કુશળતા વધારી શકે તે માટે ‘સ્ટડી ઓસ્ટ્રેલિયા ઈન્ડસ્ટ્રી એક્સ્પિરીઅન્સ પ્રોગ્રામ’ જાહેર કર્યો છે.

કેનેડાએ ઈમિગ્રેશન લક્ષ્યાંકો વધાર્યાઃ

ડેટા મુજબ કેનેડામાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વસ્તીમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સૌથી સરળ અને સાદી ઈમિગ્રેશન નીતિઓ અને પ્રક્રિયાઓ ધરાવતા કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી (PR) સ્ટેટસ મેળવવાની જાણે હોડ મચી છે. વર્ષ 2022માં 430,000થી વધુ લોકોને PR સ્ટેટસ આપીને કેનેડા તેના ઈમિગ્રેશન લક્ષ્યાંકને વટાવી જાય તેમ છે. કોરોના મહામારી પછી આર્થિક વિકાસમાં તેજી લાવવા કેનેડા આગામી ત્રણ વર્ષમાં 1.3 મિલિયન ઈમિગ્રન્ટ્સને લેવા માગે છે જેનાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે તક વધી જવાની છે.

આ મુખ્ય દેશો ઉપરાંત, આયર્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ જેવા દેશો પણ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. આયર્લેન્ડે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ અને PhD વિદ્યાર્થીઓ (નોન-EU/EEA) નોકરીઓ મેળવવા માટે 24 મહિના રોકાઈ શકે તેવો સ્ટે-બેક વિકલ્પ લંબાવ્યો છે. અગાઉ, આ ગાળો 12 મહિનાનો હતો. ન્યૂ ઝીલેન્ડમાં સુધારાયેલા નિયમો હેઠળ નોન-ડીગ્રી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની ગુણવત્તા ઈન-ડીમાન્ડ લેબર સ્કિલ્સના ગ્રીન લિસ્ટ પરના ઓક્યુપેશન્સ સાથે મેળ ખાતો હોય તે સ્થિતિમાં પોસ્ટ-સ્ટડી વર્ક રાઈટ્સ માટે લાયક ગણાશે.

આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટે ઉત્સુક ભારતીય વિદ્યાર્થીઓ માટે આ વર્ષ નોંધપાત્ર બની રહેશે કારણકે વૈશ્વિક શિક્ષણ અને કારકિર્દીઓની સુવિધા અને પહોંચ વધવા સાથે અનેકવિધ તક અને લાભની સ્થિતિ પણ ખુલ્લી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter