શાહી દંપતી ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજની ભારત મુલાકાત

ચારુસ્મિતા Wednesday 30th March 2016 06:31 EDT
 
 

લંડનઃ ક્વિનના ૯૦મા જન્મદિનના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ૧૦ એપ્રિલથી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભૂટાનની સત્તાવાર મુલાકાતે જશે. મહારાણીના વતી અને સરકારની વિનંતી અનુસાર તેઓ પ્રથમ વખત આ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ભારતમાં આ દેશના પડકારો અને વિશાળ તકોની સમજ કેળવવા પ્રયાસ કરશે. તેમજ બ્રિટન અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધોને સન્માન આપશે.
ભૂટાનના ચોથા રાજવી દ્વારા દેશમાં લોકશાહી અને બંધારણીય રાજાશાહી સ્થાપવાના ઐતિહાસિક નિર્ણયના એક દાયકાથી ઓછા સમયમાં શાહી દંપતીની આ ભૂટાન મુલાકાત છે. યુકે અને ભૂટાન વચ્ચે મૈત્રિપૂર્ણ સંબંધોના નિર્માણમાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પ્રવાસનો આરંભ ભારતની વાણિજ્ય અને મનોરંજન રાજધાના મુંબઈથી થશે. તેઓ ૧૦ એપ્રિલે તાજ પેલેસ હોટલમાં આવી પહોંચશે. ડ્યૂક અને ડચેસ મુંબઈના બિઝનેસ વિશ્વ અને બોલિવૂડની નામાંકિત હસ્તીઓ સાથે પરિચય કેળવશે અને ધ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને બ્રિટિશ હાઈકમિશન દ્વારા આયોજિત રિસેપ્શન અને ડિનરમાં પણ ઉપસ્થિત રહેશે.
અહીંથી તેઓ નવીદિલ્હી પહોંચશે અને સરકાર અને રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા મહાનુભાવો સાથે મુલાકાત કરશે. શાહી દંપતી ગાંધીસ્મૃતિની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ આસામની મુલાકાતે પણ જશે.
૧૪ એપ્રિલે ભૂટાન પહોંચશે અને ત્યાંના રાજવી અને રાણી સાથે મુલાકાત કરશે. તેઓ મુલાકાતના આખરી તબક્કામાં ૧૫ એપ્રિલે ભારતમાં આગ્રા આવી તાજમહેલને નિહાળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter