નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં વિવિધતામાં એકતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો અરબ, ઉત્તરમાં ગોરા જ્યારે દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે.
જોકે પિત્રાડાના આ નિવેદન બાદ વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. ભાજપે તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી તો ખુદ તેમના જ પક્ષ કોંગ્રેસે નિવેદનને સમર્થન નહોતુ આપ્યું. સમગ્ર મામલે ભારે વિવાદ વચ્ચે સામ પિત્રોડાએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું, જેને કોંગ્રેસે સ્વીકારી લીધુ છે.
એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં સામ પિત્રોડાએ કહ્યું હતું કે એક ગુજરાતી તરીકે હું ઇડલી-ઢોસા બહુ પસંદ કરું છું, ઇડલી-ઢોસા માત્ર દક્ષિણ ભારત પુરતુ ભોજન નથી રહ્યું. આ જ છે આપણુ ભારત, આપણા દેશમાં અનેક વિવિધતા છે છતા એક ભાઇચારો અને એકતા છે. પાકિસ્તાને ધર્મના આધારે દેશ બનાવ્યો ત્યાં હવે શું પરિસ્થિતિ છે તે જુવો, સમગ્ર વિશ્વમાં આપણું ભારત લોકશાહીનું સૌથી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. પૂર્વના લોકો ચીનીઓ જેવા, દક્ષિણના લોકો આફ્રિકન જેવા, જ્યારે અન્ય પ્રાંતના લોકો અરબના લોકો જેવા કે ગોરા લાગે છે. આપણા દેશમાં અનેક ભાષાઓ, જુદા જુદા વ્યંજન, સંસ્કૃતિ છે વિવિધતા વચ્ચે એકતા છે, લોકો હળીમળીને ભાઈચારાથી રહે છે.
ભારતના અસ્તિત્વ સામે સવાલઃ ભાજપ
ભાજપે પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પિત્રોડાનું નિવેદન ધર્મ, જાતિ અને વંશીય છે, પિત્રોડાએ દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે સામ પિત્રોડાએ ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતની ઓળખ અને દેશના નાગરિકો પર વાંધાજનક નિવેદન આપ્યું છે. પિત્રોડાએ ભારતના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા છે. પિત્રોડા રાહુલ ગાંધીના સલાહકાર છે, જેમણે પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય લોકશાહી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું. એક તરફ વિદેશી માનસિકતા ધરાવતા લોકો છે જ્યારે બીજી તરફ આત્મનિર્ભર ભારતની માનસિકતા વાળા છે આ ચૂંટણી હવે આ બન્ને વિચારધારા વચ્ચેની બની ગઈ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે પિત્રોડાનું નિવેદન દુઃખદ છે, કોંગ્રેસ તેને સમર્થન નથી આપતી.
સામ પિત્રોડાની પાંચ વિવાદાસ્પદ ટિપ્પણી
1) સામ પિત્રોડાએ તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકામાં વારસાવેરો લાગે છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય અને તેનું મૃત્યુ થાય ત્યારે તેની 45 ટકા સંપત્તિ જ તેના સંતાનોને મળે છે. 55 ટકા સંપત્તિ સરકાર લઈ લે છે. આ એક રસપ્રદ કાયદો છે. તમે તમારી જનરેશનમાં સંપત્તિ વસાવી અને તમે હયાત ન હો ત્યારે તમારી અડધી સંપત્તિ દેશની જનતા માટે છોડી જવી જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે. જોકે ભારતમાં આવું નથી. ભારતમાં કોઈની પાસે 10 બિલિયનની સંપત્તિ હોય અને તેનું મૃત્યુ થાય તો તેના સંતાનોને પૂરેપૂરી 10 બિલિયનની સંપત્તિ મળે છે. જનતાને કશું જ નથી મળતું.
2) પિત્રોડાએ જૂન 2023માં કહ્યું હતું કે મંદિરોથી બેરોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા દેશના પ્રશ્નો નહીં ઉકેલાય. આ મુદ્દાઓ પર કોઈ વાત નથી કરતું. બધા રામમંદિરની વાતો કરે છે. મંદિરનિર્માણથી તમને રોજગારી નહીં મળે.
3) તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ભાજપે 1984ના શીખવિરોધી રમખાણો મુદ્દે આક્ષેપ કર્યો હતો કે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના ઇશારે તે રમખાણો થયા હતા. તેના જવાબમાં પિત્રોડાએ કહ્યું હતું કે, ‘હુઆ તો હુઆ’. જોકે બાદમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમની હિન્દી સારી નથી. તેઓ એમ કહેવા માગતા હતા કે 1984માં જે થયું તે ખોટું થયું.
4) 2019માં અન્ય એક વિવાદિત ટિપ્પણીમાં પિત્રોડાએ એમ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગે સ્વાર્થી ના બનવું જોઈએ. તેણે કોંગ્રેસની પ્રસ્તાવિત ન્યાય યોજનાને ફંડિંગ માટે વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. તેમની આ ટિપ્પણીને લઈને પણ ભારે હોબાળો થયો હતો.
5) પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક મુદ્દે પિત્રોડાએ ભારત સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. આ અંગે મને ઝાઝી ખબર નથી. મુંબઇમાં પણ હુમલો થયો હતો.