મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પૂર્વે અજિત પવારના એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ જણાવ્યું છે કે અમે એનડીએ સાથે રહીશું અને સાથે મળીને આગળ વધીશું. અજિત પવારના મૃત્યુ પછી, ઘણું બધું થયું, જેમાં એનસીપી અને કોંગ્રેસ બંને પક્ષો સાથે આવશે તેવી વાતોનો સમાવેશ થાય છે. તટકરેએ કહ્યું, ‘અમારું વલણ સ્પષ્ટ છે. અમે એવો નિર્ણય લઈ રહ્યા છીએ જે દાદાના પરિવાર અને દાદાએ બનાવેલા પરિવાર, એનસીપી સાથે સુસંગત હોય. વિધાનસભાના નેતા કોણ હશે તે પસંદ કરવાનો એનસીપીનો અધિકાર છે. ઉપરાંત વિલીનીકરણ અંગે, મેં ઘણી વાર સ્પષ્ટ કર્યું છે કે અમે એનડીએ સાથે છીએ, અમે હંમેશાં એનડીએ સાથે રહીશું. દાદા જ્યારે હતા ત્યારે પણ મેં આ નિવેદન આપ્યું હતું અને તે જાણીતું છે’ એમ તટકરેએ કહ્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિલીનીકરણ વિશે બોલતાં, મંત્રી માણિકરાવ કોકાટેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મીડિયા વિલીનીકરણની ચર્ચા કેમ કરી રહ્યું છે? આ એક પારિવારિક બાબત છે. ઉપરાંત, અમે મારી ભાભી કે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરી નથી. અમે વિલીનીકરણની શરતો અને નિયમો અંગે ચર્ચા કરી નથી. કોકાટેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી અમે પવાર પરિવાર સાથે બેઠક અને ચર્ચા ન કરીએ ત્યાં સુધી આ વિશે વાત કરવી યોગ્ય નથી.
દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથના પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદેએ જણાવ્યું હતું કે, સત્ય કહેવું જરૂરી છે. આમાં અમારો કોઈ રાજકીય હેતુ નહોતો. ઉપરાંત, જ્યારે કોઈ વ્યક્તિ ગઈ હોય ત્યારે કોઈ ખોટા શપથ લઈ શકે નહીં, એમ શિંદેએ પણ કહ્યું.
બીજી તરફ શરદ પવારે કહ્યું કે અજિતના નિધન પછી એનસીપીના બંને જૂથનું વિલય અટકી શકે છે. તેમણે કહ્યું કે ચાર મહિનાથી વિલય પર વાતચીત ચાલી રહી હતી અને તેની જાહેરાત 12 ફેબ્રુઆરીએ થવાની હતી. અજિત આવું ઇચ્છતા હતા. જો કે આવી પરિસ્થિતિમાં શું થાય છે તે જોવું પડશે. બીજી તરફ બારામતીમાં અજિતના માતાને મળવા પહોંચેલા સુપ્રિયા સુલે પણ 'નો કમેન્ટ' કહીંને દિલ્હી ચાલી ગયા હતા.
અમે રાજકારણ કરવા માગતા નથી: ફડણવીસ
બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, અજિતદાદા આવી ચર્ચા કરી રહ્યા હતા. શું તેઓ એનડીએ છોડવા માટે તે ચર્ચા કરી રહ્યા હતા? શું તેઓ સરકાર છોડવા જઈ રહ્યા હતા? અજિતદાદા સરકારમાં સ્થિર હતા. તેથી, દરરોજ કંઈક મૂંઝવણ ઊભી કરવી અને તે મૂંઝવણનો પડઘો પાડવા માટે આપણી ઈકોસિસ્ટમનો ઉપયોગ કરવો, આ પદ્ધતિ અયોગ્ય છે. વર્તમાન પરિસ્થિતિમાં, અમે પણ રાજકારણ કરવા માગતા નથી. નહિતર, હું ઘણી બધી વાતો કહી શકું છું. શું થયું છે, શું થઈ રહ્યું છે. હું બધું જોઉં છું. હું દરેક વસ્તુનો સાક્ષી છું.
અજિત પવારઃ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવારનું ગયા બુધવારે સવારે પુણે જિલ્લાના બારામતીમાં એક ભીષણ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. તેમના પરિવારમાં રાજ્યસભાના સાંસદ પત્ની સુનેત્રા પવાર તથા બે પુત્રોનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ પાંચ લોકોના મોત થયાં હતાં. મહારાષ્ટ્રના રાજકારણમાં દાદા કહેવાતા અજિત પવારની અણદારી વિદાય રાજ્ય માટે એક ક્યારેય ના પુરાય તેવી ખોટ છે. બારામતીમાં થયેલી આ વિમાન દુર્ઘટનાએ મહારાષ્ટ્રના એક એવા રાજકારણીની સફરનો અંત કરી દીધો કે જેઓ પોતાની આક્રમકતા, પ્રશાસનિક પકડ અને સત્તાના સમીકરણોને સાધવા માટે જાણીતા હતાં. અજિત પવારના વિક્રમી છ વાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં પરંતુ તેઓ ક્યારેય પણ મુખ્યમંત્રીની ખુરસી સુધી પહોંચી શક્યા નહોતા, જેની ચાહત અને ક્ષમતા તેમનામાં કુટી કુટીને ભરી હતી. ઘટનાની જાણ થતાં જ અજિત પવારના કાકા અને અગણી રાજકારણી શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રીયા સુલે બારામતી પહોંચી ગયાં હતાં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ પહોંચ્યા હતા.
વિપક્ષ દ્વારા દુર્ઘટનાની તપાસની માગ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મોતથી દેશમાં રાજકીય હલચલ તેજ થઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અસ્માતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન તપાસ એજન્સીઓ સમાધાનકારી બની ગઈ છે અને સત્ય બહાર આવશે નહીં. આનાથી દેશમાં નેતાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પવારના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું અને અસ્માતની તપાસની માગ કરી છે. તેમણે કહ્યું, ‘આ એક અકસ્માત છે પરંતુ નાનું વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તે સમજવું જરૂરી છે.’ શિવસેના (યુબીટી)ના સાંસદ અનિલ દેસાઈએ પણ સંપૂર્ણ તપાસની માગ કરી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ વિપક્ષની માગ પર સવાલ ઉઠાવ્યા છે. દુ:ખના આ સમયે રાજનીતિ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.
વિમાન દુર્ઘટનામાં નેતાઓના નિધન
• વિજય રૂપાણી: 2025, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમદાવાદમાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશમાં મોત.
• જનરલ બિપીન રાવત: 2021, દેશના પ્રથમ સીડીએસ. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સહિતના મોત.
• દોરજી ખાંડુઃ 2011, અરુણાચલ પ્રદેશના તત્કાલીન સીએમ, તવાંગથી ઈટાનગર જતી વખતે હેલિકોપ્ટર ક્રેશ.
• વાયએસઆર રેડ્ડી: 2009, તત્કાલીન આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, નલ્લામાલા જંગલમાં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર કેશ.
• ઓપી જિંદાલ અને સુરેન્દ્રસિંહ: 2005, ઉદ્યોગપતિ અને હરિયાણા સરકારના તત્કાલીન મંત્રી, દિલ્હીથી ચંદીગઢ જતી વખતે સહારનપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું.
• સાયપ્રિયન સંગમા: 2004, મેઘાલયના તત્કાલીન ગ્રામીણ વિકાસ મંત્રીનું હેલિકોપ્ટર તળાવમાં ક્રેશ થયું.
• જીએમસી બાલયોગી: 2002, તત્કાલીન લોકસભા સ્પીકર, આંધ્રમાં ખાનગી હેલિકોપ્ટર તળાવમાં ક્રેશ થયું.


