નવી દિલ્હીઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી 8 આતંકવાદીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓમાંથી ત્રણ તો ડોક્ટર હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી 2,900 કિગ્રા વિસ્ફોટકો સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે. માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડો. ઉમરના મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરાઇ છે. તેની ધરપકડ પુલવામાથી કરાઇ હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તેનું મૃત્યુ થયું હોઇ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે.
જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસે 15 દિવસના સંયુક્ત ઓપરેશનમાં કાશ્મીરના ડો. મુઝમ્મિલ ગનીને ફરિદાબાદમાંથી અને ડો. શાહિનને લખનૌમાંથી ઝડપી લીધા હતા. તેમને કસ્ટોડિયલ પૂછપરછ માટે શ્રીનગર લવાયા હતા, જ્યાં શાહિનના લોકરમાંથી એકે-47 રાઈફલ મળી આવી હતી. ધરપકડ ક્યારે કરાઈ તે અંગે સત્તાવાર સૂત્રોએ કોઈ ખુલાસો કર્યો નથી.
આઈએસઆઈએસની ભારતીય પાંખ તરીકે જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિન્દ કામ કરી રહ્યા હતા. 2900 કિગ્રા વિસ્ફોટક સામગ્રીમાં 360 કિગ્રા અત્યંત જ્વલનશીલ પદાર્થ છે, જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું મનાય છે. ગનીએ ફરિદાબાદમાં ભાડે રાખેલા ઘરમાંથી કેટલાક હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. જેમાં ચાઈનિઝ સ્ટાર પિસ્ટલ અને કારતૂસ, બેરેટ્ટા પિસ્ટલ અને કારતૂસ, એકે-56 રાઈફલ અને કારતૂસ ઉપરાંત ઈલેક્ટ્રોનિક સર્કિટ, બેટરી, વાયર, રિમોટ કંટ્રોલ ટાઈમર્સ અને મેટલ શીટનો સમાવેશ થાય છે.
હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે ગની કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગર ખાતે જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવવાના મામલામાં ગની વોન્ટેડ હોવાનું જણાવતા તેની ધરપકડ કરાઈ હતી.
પકડાયેલા અન્ય સાત પણ કાશ્મીરના છે. ડો. શાહિન લખનૌની છે. આરોપીઓના ફોનમાંથી સંખ્યાબંધ પાકિસ્તાની નંબરો મળી આવ્યા છે, જેના કારણે તેઓ પાકિસ્તાની હેન્ડલર હોવાની પણ આશંકા છે.


