સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન એકેડમીનાં ઉપક્રમે જૈન ધર્મની સોળ સતીઓ વિશે સ્વાધ્યાય-વ્યાખ્યાનોનો તા. ૫.૮.૨૦૨૦ને બુધવારથી આરંભ થયો છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને પરમ શ્રાવક શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્દઘાટન વકતવ્ય આપ્યું હતું.
જૈન સાહિત્યનાં વિદ્વાન ડો. બળવંતભાઈ જાની બ્રાહ્મી, સુંદરી, દમયંતી, કૌશલ્યા, સીતા, કુંતી, દ્રૌપદી, રાજીમતી, પૂષ્પચૂલા, ચંદનબાળા, મૃગાવતી, પ્રભાવતી, પદ્માવતી, શિવાદેવી, સુલસા અને સુભદ્રા એમ સોળ સતીઓ વિશે ત્રિષષ્ટિશલાકાપુરુષ પઉમચરિત્ર, આગમગ્રંથો અને વિવિધ ગ્રંથોને આધારે અધિકૃત અને સર્વમાન્ય વિગતોને આવરીને વ્યાખ્યાન આપી રહ્યા છે.
બીજા દિવસે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ સ્વાગત વકતવ્ય આપ્યું હતું. ત્યારપછીના દિવસોએ ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, કુલ સચિવ, સિન્ડિકેટ સભ્યો મેહુલ રૂપાણી, ડો.ભાવિન કોઠારી વગેરે સ્વાગત વકતવ્ય આપશે.
દરરોજ જૈનધર્મનાં શ્રાવક-શ્રાવિકાઓ અને અભ્યાસી ધર્મપ્રેમીઓને અનુકુળ પડે એવો રાત્રીનો સમય નિયત કર્યો છે. સમગ્ર ભારત અને વિદેશમાં શ્રોતાજનો આ વ્યાખ્યાનો સાંભળી શકે એ માટે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનનાં કોઓર્ડિનેટર મેહુલભાઈ રૂપાણીએ https://www.facebook.com.saurashtrauniversity.edu/live તથા https://www.youtube.com/c/saurashtrauniversity.official/ એમ ફેસબુક અને યુટ્યુબ પરથી જોઈ શકો એવું આયોજન ગોઠવેલ છે.
આ વ્યાખ્યાન શ્રેણીનું સમાપન સવંત્સરીની પૂર્વર્સંધ્યાએ થશે.
ડો. બળવંતભાઈ જાની છેલ્લા અઢી દાયકાથીએ રાજકોટ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, મદ્રાસ જેવા શહેરો અને વિદેશમાં બ્રિટન, અમેરિકા જેવા વિવિધ દેશોમાં શતાધિક વ્યાખ્યાનો આપેલા છે. ઘણા મહાસતીઓને પીએચડી ડીગ્રી માટે માર્ગદર્શન આપેલ છે. જૈન ધર્મની સોળ સતીઓ વિશે તેમણે કરેલ કાર્ય જૈન એકેડમીનું મહત્વનું એક કાર્ય ગણાશે.