લંડનઃ યુકેસ્થિત ભારતીય નાગરિકો, ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) અને ભારતના મિત્રોએ નવનાત કોમ્યુનિટી સેન્ટર, હેઈઝ ખાતે 30 ઓગસ્ટ, 2025ના શનિવારે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.
ભારતીય હાઈ કમિશનરે યુકેસ્થિત ભારતીયો પ્રતિ તેમની રાષ્ટ્રભક્તિ તેમજ તેમના કઠોર પરિશ્રમ, એન્ટ્રેપ્રીન્યોરશિપ અને શિસ્ત મારફત યુકે અને ભારતને સેવા આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ પોતાની પ્રામાણિકતા અને સમર્પણ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ અને તેમના વસવાટના દેશ, બંનેને સતત વિશિષ્ટ યોગદાન આપવાનું મહત્ત્વ પણ તેમણે દર્શાવ્યું હતું. યુકેસ્થિત ભારતીયો શ્રેષ્ઠ રાજદૂત હોવાની સાથે જ મહેનતની ભાવના સાથે બંને દેશોના વિકાસમાં ફાળો આપી રહ્યા છે.
આ ઈવેન્ટમાં તેમજ વિવિધ ભારતીય કોમ્યુનિટીઓના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોર્ડ રેમી રેન્જરે સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ડાયસ્પોરા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુલક્ષી વ્યાપક સ્વનિર્ભરતાને આગળ વધારવામાં મદદ કરી શકે છે. હિલિંગ્ડનના ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેઈઝ ચામદાલ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્માએ પણ પ્રસંગોચિત સંબોધનો કર્યા હતા.
વિવિધ ભારતીય કોમ્યુનિટી સંગઠનો દ્વારા પરંપરાગત હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ તેમજ ભારતના વિવિધ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓ પણ પ્રદર્શિત કરી હતી. આ ઈવેન્ટમાં ભારતીય પરંપરાઓનું સમૃદ્ધ વૈવિધ્ય અને કળાપ્રકારોને દર્શાવતા સાંસ્કૃતિક પરફોર્મન્સીસનો સમાવેશ પણ કરાયો હતો.
જલારામ જ્યોત મંદિર દ્વારા ગણેશવંદના
વેમ્બલીના સડબરીસ્થિત જલારામ જ્યોત મંદિર દ્વારા નવનાત સેન્ટરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશવંદના કાર્યક્રમ યોજાયો હતો. અહીં લગભગ 1500 લોકોને ગણપતિ બાપ્પાનો પ્રસાદ પણ વહેંચાયો હતો. આ પ્રસંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી-પ્રકાશક સીબી પટેલ, હેરોના મેયર અંજનાબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.