બાલમ શ્રીનાથજી હવેલીમાં શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ વૈષ્ણવો સાથે હોળી રસિયા-ફૂલફાગ મહોત્સવ ઉજવ્યો

કોકિલા પટેલ Thursday 10th March 2022 06:02 EST
 
 

સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર, ૬ માર્ચના રોજ સાંજે અતિભવ્ય "હોલી રસિયા અને વચનામૃત"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કડકડતી ઠંડી અને સૂસવાટાબંધ પવન હોવા છતાં બાલમ શ્રીનાથજી હવેલીનો હોલ વૈષ્ણવ ભક્તોથી ઠસોઠસ ભરાઇ ગયો હતો. સમય મુજબ વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી હવેલીમાં પધાર્યા હતા. બાલમ હવેલીના મુખ્ય કર્તાહર્તા અને VYOના ટ્રસ્ટી દેવ્યાનીબેન જયેશભાઇ પટેલ તથા કાર્યકરો કનુભાઇ, પૂર્વીબેન પટેલ તથા ભાસ્કરભાઇ પટેલ સહિત સૌ કાર્યકરોએ જેજેશ્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં જેજેશ્રીના વરદ હસ્તે પુષ્ટાવેલા શ્રીનાથજી બિરાજે છે. પુષ્ટી પરંપરા મુજબ શ્રી વલ્લભાચાર્યના હસ્તે ઠાકોરજીની સેવા-પૂજા થયા બાદ વૈષ્ણવોને ઠાકોરજીની ઝાંખી માટે હવેલીના પટ ખોલાયા હતા. હોળી રસિયા-ફૂલફાગનો કાર્યક્રમ હોવાથી દેવ્યાનીબેન જયેશભાઇ, નલિનીબેન તથા સૌ કાર્યકરોએ રાતના ઉજાગરા કરીને હોલને સુંદર રીતે શણગાર્યો હતો અને ગુલાબના પુષ્પોની પાંખડીઓના ટોપલા ભરીને તૈયાર કર્યા હતા. શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ શ્રીનાથજી (ઠાકોરજી)ની ઉપર સતત ગુલાબ પાંખડીઓની વર્ષા કરી ત્યારે વૈષ્ણવ યુથ ભજનિક વૃંદે સુંદર કંઠે રસિયા ગાન કર્યું હતું. ત્યારબાદ જેજેશ્રીએ ગુલાબ પાંખડીઓ વૈષ્ણવો ઉપર વરસાવીને હોલી રસિયાની રંગત જમાવી હતી. એ વખતે હવેલીમા ઉપસ્થિત સૌ વૈષ્ણવો હરખઘેલા બની નાચી ઊઠ્યા હતા.
દેવ્યાનીબેન અને જયેશભાઇ પટેલ અને બાલમ હવેલીના સૌ કાર્યકરોએ જેજેશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીને માલા અર્પણ કરી અભિવાદન કર્યું હતું. એ વખતે ઉપસ્થિત યુ.કે.ના એકમાત્ર ગુજરાતી સમાચારપત્ર "ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલનું પણ જેજેશ્રીએ ઓપરણું ઓઢાડીને આશીર્વાદ પાઠવ્યા હતા અને જેજેશ્રીએ એમના પત્રકારત્વની પ્રસંશા કરી હતી.
જેજેશ્રીએ એમના આશીર્વચન પાઠવતાં કહ્યું કે, “જયેશભાઇ બોલે છે એ સહજતાથી બોલે છે, એ એક સારા હ્યુમન બીઇંગ છે. શ્યામા માતાજીએ એમના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનું ખૂબ સારું ચયન થયું છે. દેવ્યાનીબેન પણ એટલાં જ નિર્મળ, ઉદાર. VYOએ બાલમ મંદિરમાં બાળકોની એજ્યુકેશન પ્રવૃત્તિથી જ્ઞાન પ્રકાશિત કર્યું એ ખૂબ સારી વાત છે. સનાતન વૈદિક ધર્મનો ધ્વજ લહેરાવવા માટે બાલમ મંદિર સરસ રીતે પ્રવૃત્ત છે અને VYOના માધ્યમથી ખૂબ સરસ કાર્યરત રહ્યા છે.VYOયુ.કે.ની એકમાત્ર હવેલી છે જેનું અમે ગૌરવ લઇએ છીએ.”
જેજેશ્રીએ કહ્યું, "બાલમ મંદિરના શ્રીનાથજી બહુ નટખટ છે. આપણા બધાની વખત વખત પર પરીક્ષા લે છે. આપણી પરીક્ષા લે, કસોટી થાય તો જ ભગવાનનું મૂલ્ય પણ આપણા જીવનમાં વધતું હોય છે. સીધું સાદુ જીવન નકામું છે. હાઇવે પર રસ્તો ખાલી હોય, રાત્રે પૂરપાટ કાર દોડતી હોય, વચ્ચે સ્પીડ બ્રકેર ના હોય તો ગાડીમાં ઉંઘ ચડે અને એકસીડેન્ટ થવાની ભીતિ રહે છે. વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકર આવે એ સારૂ. એમ જિંદગીમાં કોઇ ચેલેન્જીસ, સ્ટ્રગલ આવે તો જ આપણે ઘડાઇએ છીએ. કષ્ટ આવે, વિપદા આવે તો ઇશ્વરની યાદ આવે છે. જીવનના અંદર આવતી કસોટીઓ આપણામાં પરિપકવતા લાવે છે. આ જિંદગીમાં આપણે સતત શીખતા રહેવાનું છે. તમારી લાઇફમાં ફેસ ધ ચેલેન્જીસ, લાઇફ ઇઝ ધ હૌલ લર્નિંગ પ્રોસેસ. શીખવાની વૃતિ રાખવી. આ કડવી દવા છે પણ આપણા માટે બહુ સારી છે, રોજે રોજ આપણે શીખતા રહેવાનું જ છે. જીવનમાં શીખવાની વૃત્તિ રાખવી.
* આપણાથી જો ભૂલ થાય તો ગભરાવાની જરૂર નથી પણ વારંવાર ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું જોઇએ. મનુષ્ય માત્ર ભૂલના પાત્ર. આ દુનિયામાં કોઇ પણવ્યક્તિએ ભૂલ કરી હોય એવું કયારે બનતું હોય છે?! આપણે કોઇ સત્સંગ કે સજ્જનના માધ્યમથી માર્ગદર્શન મળતું હોય છે અને ભૂલ કરતા અટકી જઇએ છીએ. ભૂલ કરીએ તો ગીલ્ટ થાય, પણ ભુલ કરીને તમે સ્વીકારતા નથી, અજ્ઞાનતામાં રહો છો, અટલ રહો છો તો સમજી લેજો તમે માયાના અતિક્રમણમાં છો, માયાના પ્રભાવમા છો. ભગવાનના કૃપા પાત્ર જીવો હોય એને ભગવાન અનુભૂતિ કરાવે છે. *ભગવાનનું લક્ષ જીવનું હિત કરવાનું છે. ભગવાન બે રીતે કૃપા કરે. જીવ સુખાર્થ અને જીવ હિતાર્થ. તમારું બાળક સરસ ભણે, સારા માર્ક્સ લઇ આવે, ટેલેન્ટ દેખાડે ત્યારે આપણને જે થાય એ જીવ હિતાર્થ કહેવાય પણ બાળકને તમે મનગમતાં રમકડાં કે ચોકલેટ લાવી આપો એ જીવ સુખાય કહેવાય .
* દુનિયામાં આપણે જેને ગુમાવી દઇએ છીએ પછી એનું મૂલ્ય સમજાય છે. મા-બાપ હોય ત્યારે એમની કિંમત સમજાતી નથી પણ મરી ગયા પછી એમનું મૂલ્ય સમજાય છે.
*કોઇનું નાની વયે મૃત્યુ થા, કોઇનું રિબાઇને મૃત્યુ થાય એને જીવ હિતાર્થ કહેવાય. આત્માનું પ્રમોશન થાય છે.
*માતાના પેટમાં હોઇએ છીએ ત્યારે આપણને બધા જન્મોના દર્શન થાય છે.
* રાજા દશરથના હસ્તે શ્રવણકુમારના વધ ઉપર જ રામાયણનું સર્જન થયું.
*જન્મોનું પુનરાવર્તન થાય છે. ઘણા જીવનથી કંટાળી, પૈસો અથવા પ્રેમમાં નિરાશા મેળવનારા સુસાઇડ, આત્મઘાત કરતા હોય છે એ તદન ખોટું છે. સુસાઇડ એ મોટી અશાંતિ છે, એ આત્મા સુખી નથી થતા. આૈજના જુવાનિયાઓમાં સુસાઇડના કેસ વધી રહ્યા છે. જેને આત્મહત્યા તરીકે ઘટાવે છે એ ખોટું છે, એ આત્મઘાત કહેવાય.
*એક જણે પૂછ્યું આત્મા કેવો હોય? કઠોપનિષદમાં યમરાજને પ્રશ્ન કર્યો છે કે આત્મા કેવો હોય? અંગૂઠા સાઇઝની એક એવી જયોત જેમાં ધૂમાડો નથી એ આત્માનું સ્વરૂપ છે. લોસએન્જલસના વૈજ્ઞાનિકોએ આના વિષે એકસપરીમેન્ટ (પરીક્ષણ) કર્યું. ૭૦ વર્ષના એક વૃધ્ધને એરટાઇટ ગ્લાસવાળા બોકસમાં મૂકીને રૂમમાં કેમેરા મૂક્યા. એ એરટાઇટ બોકસનો ગ્લાસ તોડીને ધૂમાડા વગરની અંગૂઠા જેટલી જયોત બહાર નીકળી એ કેમેરામાં દેખાઇ આવી.
*આત્મઘાત કરે એને ખબર નથી કે મર્યા પછીનું જીવન કેવું હશર? મર્યા પછી આપણે સુક્ષ્મ શરીરમાં હોઇએ છીએ. આત્મઘાત કરીએ ત્યારે એ સુક્ષ્મ શરીરને મહિનાઓ સુધી કષ્ટ વેઠવું પડે છે.
*ભગવાનનું સ્વરૂપ જોઇ આંખમાં અશ્રુ આવે, હદ્યમાં ભાવ પ્રગટે તો એ આશક્તિ કહેવાય, પ્રભુની હવેલી કે વ્રજભૂમિના દર્શને જવાનું મન થાય એ ધામા શક્તિ. ભગવાનના નામ સ્વરૂપમાં આશક્તિ થાય, તલ્લીન થઇ જવાય એ નામાશક્તિ. ઇશ્વર સાથે ચિત્તનું જોડાણ થાય, ઠાકોરજી ગુરૂમાં દર્શન કરાવે ત્યારે સમજી લેવું કે તમે ભગવાનની કૃતાર્થતા મેળવવા જન્મ્યા છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter