હેરો સ્કૂલના વિદ્યાર્થીઓએ ચેરિટી માટે નાણા એકત્ર કર્યા

Wednesday 29th July 2026 07:03 EDT
 
 

લંડનઃ હેરોની માઉન્ટ સ્ટેવર્ટ જુનિયર સ્કૂલના ધોરણ 6ના વિદ્યાર્થીઓએ શાળાના વાર્ષિક એન્ટરપ્રાઈઝ પ્રોજેક્ટ મારફત બાળકોની ચેરિટી ‘રિયાઝ રેઈનબો’ માટે 2000 પાઉન્ડ એકત્ર કર્યા છે. શાળાના જ એક વિદ્યાર્થીની કઝિન રિયા હિરાણીના સ્મરણાર્થે સ્થપાયેલી આ ચેરિટી ગંભીર બીમારીઓ ધરાવતા બાળકો અને શોકગ્રસ્ત પરિવારોને સપોર્ટ કરે છે.

માઉન્ટ સ્ટેવર્ટ ફેડરેશનના આસિસ્ટન્ટ હેડ અને પ્રોજેક્ટના નેતા આર. પટેલે જણાવ્યું હતું કે, ‘અમારા ધોરણ6ના વિદ્યાર્થીઓ માઉન્ટ સ્ટેવર્ટ જુનિયર સ્કૂલને છોડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમણે આ કાર્યથી તફાવત સર્જ્યો છે. આ પ્રોજેક્ટે દર્શાવ્યું છે કે ક્લાસરૂમમાં તેમણે શીખેલી કુશળતાઓ શાળાની બહાર કામે લગાવાય ત્યારે સાચી અસર ઉભી કરી શકે છે. અન્યોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા અને મક્કમતાથી તેઓ ભારે ગર્વ અનુભવે છે.’

માઉન્ટ સ્ટેવર્ટના વાર્ષિક એન્ટરપ્રાઈજ ઈનિશિયેટિવ હેઠળ વિદ્યાર્થીઓએ બિઝનેસ આઈડિયાઝ વિકસાવ્યા, બજેટ તૈયાર કર્યા અને કોમા્યુનિટી ઈવેન્ટમાં વેચામ માટે પ્રોડક્ટ્સ બનાવી હતી. તેમણે સારા ઉદ્દેશ માટે ભંડોળ એકત્ર કરવા હસ્તકળા, ગેમ્સ અને નાસ્તા બનાવવા સાથે મળીને કામ કર્યું હતું. પ્રોડક્ટની બનાવટમાં મદદ અને ઈવેન્ટને સપોર્ટ કરીને પેરન્ટ્સે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

‘રિયાઝ રેઈનબો’ની સ્થાપક અને રિયાની માતા ગીતાબહેન હીરાણીએ જણાવ્યું હતું કે,‘અમારી ચેરિટીને સપોર્ટ કરવા માઉન્ટ સ્ટેવર્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ તેના અમે આભારી છીએ. આ દાનથી બાળકો અને શોકગ્રસ્ત અથવા ક્રિટિકલ સંભાળના અકલ્પ્ય પડકારોનો સામનો કરી રહેલા પરિવારો માટે મોટો તફાવત સર્જાશે.’ હેરોસ્થિત ‘રિયાઝ રેઈનબો’ચેરિટી સ્થાનિક બાળકો અને પરિવારોને સપોર્ટ કરે છે. એકત્ર કરાયેલું ભંડોળ બાળકો અને પરિવારોને મદદના કાર્યમાં સહાયરૂપ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter