ધારાસભ્ય મંત્રી ન બનવાથી દુઃખી, મંત્રી મુખ્યમંત્રી ન બની શકવાથી દુઃખી, મુખ્યમંત્રી એટલે દુઃખી કે ખબર નથી ખુરશી ક્યાં સુધી રહેશે?

Sunday 19th September 2021 06:50 EDT
 
 

જયપુર: રાજસ્થાન વિધાનસભામાં એક સેમિનારને સંબોધન કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ પોતાની પાર્ટી સહિત દરેક નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક સમસ્યાથી પીડિત છે. દરેક જણ દુ:ખી છે. એમએલએમ એટલા માટે દુ:ખી છે કે તે મંત્રી બની નથી શક્યા. મંત્રી બન્યા તો એટલે દુઃખી છે કે સારું મંત્રાલય નથી મળ્યું. અને જેમને સારું મંત્રાલય મળ્યું છે તેઓ એટલે દુ:ખી છે કે મુખ્યમંત્રી બની શક્યા નથી. મુખ્યમંત્રી એટલા માટે દુ:ખી છે કે તેમને ખબર નથી કે આ પદ પર ક્યાં સુધી રહેશે.
સોમવારે ગડકરીએ વિધાનસભામાં સંસદીય લોકશાહી અને જનતાની અપેક્ષાઓના વિષય પર સેમિનારને સંબોધતા આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાણીતા વ્યંગ્યકાર શરદ જોશીએ લખ્યું હતું કે જે લોકો રાજ્યોમાં કામના નહોતા તેમને દિલ્હી મોકલી દેવાયા, જે દિલ્હીમાં કામના નહોતા તેમને ગવર્નર બનાવી દેવાયા અને જે લોકો ત્યાં પણ કામના નહોતા તેમને એમ્બેસેડર બનાવી દેવાયા. ભાજપ અધ્યક્ષ તરીકે મને એવું કોઈ મળ્યું નહોતું જે દુ:ખી ન હોય.

ગડકરીએ કહ્યું કે, મને એક પત્રકારે સવાલ કર્યો હતો કે તમે કેવી રીતે મઝામાં રહો છો? મેં તેને કહ્યું કે હું ભવિષ્યની ચિંતા નથી કરતો. જે ભવિષ્યની ચિંતા નથી કરતા તેઓ સદા ખુશ રહે છે. વન-ડે ક્રિકેટની જેમ રમતા રહો... મેં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરને છગ્ગા-ચોક્કા મારવાનું રહસ્ય પૂછ્યું તો તેમણે આ જ સ્કીલ જણાવી હતી.
એ જ રીતે રાજકારણ પણ એક સ્કીલ છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સનને વોટરગેટ કૌભાંડ બાદ પદ છોડવું પડ્યું હતું. નિક્સને લખ્યું હતું કે હારી જવાથી માણસ ખતમ થઈ જતો નથી, પણ નહીં લડવાથી સમાપ્ત થાય છે. આપણે તો જીવનમાં લડવાનું છે. ક્યારેક સત્તામાં હોઈએ છીએ તો ક્યારેક વિપક્ષમાં. જે લોકો વધુ સમય વિપક્ષમાં રહે છે તેઓ સત્તામાં આવ્યા પછી પણ વિપક્ષની જેમ જ વર્તાવ કરે છે. વધુ સમય સત્તામાં રહેનારા વિપક્ષમાં હોય ત્યારે પણ સત્તામાં હોય એવું વર્તન કરે છે.

ઉલ્લેખનીય છે કે ગડકરીએ મંત્રી અને મુખ્યમંત્રી દુ:ખી હોવાની વાત કરીને આડકતરી રીતે પોતાની પાર્ટી પર જ કટાક્ષ કર્યો હતો. ગુજરાતમાં અચાનક વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી ખસેડીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદ સોંપાયાની ઘટનાના સંદર્ભમાં ગડકરીનો કટાક્ષ સૂચક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter