હંમેશા કંઇક નોખું-અનોખું કરતા રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોના જતન-સંવર્ધન માટે ‘ઔપચારિક ચર્ચા’નો અભિગમ અપનાવ્યો છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની જેમ વિપક્ષ સરકારની નિષ્ફળતાની યાદી ગણાવી રહ્યો છે. સાચુંખોટું સામાન્ય જનતા જાણે, પરંતુ હકીકત એ છે કે અત્યારથી જ ચૂંટણીનો તખતો ગરમ થઇ ગયો છે. કર્ણાટક સરકારની શપથવિધિમાં વિપક્ષી નેતાઓની હાજરી અને ત્યારબાદ સાથે ઉભા રહીને પડાવેલો ફોટોગ્રાફ ઘણું કહી જાય છે.
કર્ણાટકમાં એ બધેબધું જ થયું, જે કોઇ ઇચ્છતું નહોતું. કર્ણાટકના મતદાતાઓ સત્તા માટેની આવી વરવી સોદાબાજી જોવાનું નહોતા ઇચ્છતા, અને ના તો ભાજપ અને કોંગ્રેસ સત્તા માટેની આવી ખેંચતાણ ઇચ્છતા હતા. ભાજપની દિલ્હીમાં બેઠેલી ટોચની નેતાગીરી જે ઇચ્છતી હતી તેવું પણ ન થયું. ભાજપ સરકારને વિશ્વાસનો મત જીતવા માટે પૂરા ૧૫ દિવસ આપવાની ગવર્નર વજુભાઇ વાળાની ઇચ્છા પણ અધૂરી રહી ગઇ. અને એક દિવસ માટે વિધાનસભાના (પ્રોટેમ) અધ્યક્ષ બનેલા કે. જી. બોપય્યાની - યેદિયુરપ્પા સરકારને ગૃહમાં વિશ્વાસનો મત જીતતી જોવાની - મુરાદ પણ મનમાં જ રહી ગઇ. જો કોઇએ કંઇ ઇચ્છયું હોય, અને તેની ઇચ્છા પ્રમાણે જ બધું સમુસૂતરું પાર પડ્યું હોય તો તે છે સુપ્રીમ કોર્ટ.
પાકિસ્તાનના પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનું સ્વીકારી શરાફત દેખાડી ને કલાકોમાં જ પાક. સરકારે આ વાત નકારી પણ દીધી. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે મીડિયા અને ભારત સરકારે શરીફની વાતને સમજવામાં ભૂલ કરી છે. આમ તો શરીફની કબૂલાતમાં કંઇ નવું નહોતું, તેમણે એ જ સત્ય કહ્યું હતું જે ભારત સહિત આખી દુનિયા જાણે છે. પાકિસ્તાની નેતાઓ એક યા બીજા પ્રસંગે મુંબઇના આતંકી હુમલા, સીમાપાર આતંકવાદ, ત્રાસવાદી પ્રવૃત્તિમાં પાકિસ્તાનની જમીન અને નાગરિકોના ઉપયોગની વાત સ્વીકારી ચૂક્યા છે. આ વખતે ફરક એટલો હતો કે એક સમયના વડા પ્રધાને પોતાના જ દેશના અખબારને આપેલી મુલાકાતમાં આ કબૂલી હતી. શરીફે દોષનો ટોપલો ‘નોન સ્ટેટ એક્ટર્સ' એટલે કે સરકાર સિવાયના વ્યક્તિઓ તથા સંગઠનો પર ઢોળ્યો છે.
કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક મહિનામાં સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને આતંકવાદીઓ પર ચોમેરથી ભીંસ વધારી છે. આથી અલગતાવાદી પરિબળોએ હવે બાળકો અને પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં શ્રીનગર-ગુલમર્ગના નરબલમાં પથ્થરબાજોએ કરેલા હુમલામાં તામિલનાડુથી સપરિવાર કાશ્મીર ફરવા આવેલા યુવકનું મૃત્યુ નીપજ્યું. એક સ્થાનિક યુવતીને ગંભીર ઇજા થઇ. ગયા વર્ષે ગુજરાતના અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલાની ઘટના બાદ પર્યટક પર હુમલાની આ પહેલી ઘટના છે. કાશ્મીરમાં પથ્થરબાજો સુરક્ષા દળો માટે તો માથાનો દુઃખાવો બન્યા જ હતા, પરંતુ હવે તેમણે પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમની આ માનસિક્તા હતાશા દર્શાવે છે, નહીં તો જે પર્યટકોના જોરે કાશ્મીરી પરિવારોનો જીવનનિર્વાહ ચાલે છે તેમને કોણ નિશાન બનાવે.
કર્ણાટકમાં ચૂંટણી જંગ જામ્યો હતો તે માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ આવ્યા, અને તે પણ કોઇ ઔપચારિક બેઠકના આયોજન વગર જ. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૪ કલાકમાં ૬ વખત મળ્યા, ૯ કલાક સાથે રહ્યા. નૌકાવિહાર કર્યો, સાથે ભોજન કર્યું ને ચા-પાણી પણ કર્યા. બન્ને નેતાઓ વચ્ચેની આ અનૌપચારિક શિખર બેઠકનો ચોક્કસ એજન્ડા નહોતો, પરંતુ બન્ને નેતાઓમાં સરહદે શાંતિ, આતંકવાદનો સફાયો, સૈન્ય સહયોગ, ગંગાસફાઇ અને વ્યાપાર સંતુલન જેવા મુદ્દા પર ચર્ચા થઇ, અને સંમતિ સધાઇ. બન્ને નેતાઓ એક મુદ્દે સ્પષ્ટ હતાઃ ભારત-ચીન સાથે મળી કામ કરે તો વિશ્વ માટે ઉપકારક સાબિત થાય તેમ છે.
કર્ણાટકમાં ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ તેના પર નજર દેશઆખાની છે. કારણ સ્પષ્ટ છે આ રાજ્યની ચૂંટણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સાથે સાંકળીને મૂલવવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કર્ણાટકના પરિણામો પરથી આગામી લોકસભા ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે તેનો તાગ મળી જશે. આથી જ સહુ કોઇ ચૂંટણી પરિણામના દિવસ - ૧૫ મેની રાહ જોઇ રહ્યા છે.
હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના અંધકારમાં અટવાઇ જઇએ છીએ ત્યારે આ સંતોની વાણી જ ઉજાસ તરફનો મારગ ચીંધે છેને? આવો મહાન વારસો ધરાવતા ભારતમાં જ્યારે આસારામ જેવો કોઇ ઢોંગી સંતનો અંચળો ઓઢી લે છે ત્યારે તે સમગ્ર ઇતિહાસને કલંકિત કરી નાખે છે. દુષ્કર્મના કેસમાં આસારામને કેદની સજા ફરમાવતા જોધપુરની વિશેષ અદાલતના જજ મધુસૂદન શર્માએ યોગ્ય જ ટાંક્યું છે કે ‘આસારામે માત્ર પીડિતાનો ભરોસો જ નથી તોડ્યો, પરંતુ દેશ-દુનિયામાં સંતોની છબિને પણ નુકસાન પહોંચાડ્યું છે’.
વાળ્યા ન વળે તે હાર્યા વળે. ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે રજૂ કરેલી મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવનો કંઇક આવો જ તાલ થયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે એકસંપ થઇ રાજ્યસભા અધ્યક્ષ વેન્કૈયા નાયડુ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે મેરિટના ધોરણે દરખાસ્ત ફગાવી દીધી છે. કાનૂની અને બંધારણવિદો સાથે સલાહમસલત કર્યા બાદ અધ્યક્ષે નિર્ણય જાહેર કર્યો છે કે ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા નક્કર કારણ - મજબૂત આધાર જોઇએ. પ્રસ્તાવમાં આવું કંઇ નથી. મહાભિયોગ પ્રસ્તાવનું સૂરસૂરિયું નક્કી હોવા છતાં વિપક્ષ આ મામલો રાજ્યસભા અધ્યક્ષ સમક્ષ લઇ ગયા. અને પીછેહઠ છતાં હજુ નમતું જોખવાના મૂડમાં નથી. કોંગ્રેસ હાઇકમાન્ડે જાહેરાત કરી છે કે તે અધ્યક્ષના ચુકાદાને કોર્ટમાં પડકારશે. જોકે બંધારણવિદોના મતે ત્યાં પણ કોંગ્રેસની અપીલ ટકવાની શક્યતા નહીંવત્ છે.
ભારતમાં હવે ૧૨ વર્ષથી નાના બાળકો સાથે દુષ્કર્મ આચરનાર હેવાનોને મૃત્યુદંડ જેવી કઠોર સજાની જોગવાઇ અમલી બની છે. બળાત્કારીઓને આકરી સજાની જોગવાઇ ધરાવતા આ વટહુકમને શનિવારે મોદી સરકારે બહાલી આપી ને બીજા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. અગાઉ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (‘પોક્સો’) એક્ટ અંતર્ગત આવા કેસમાં દોષિતોને ઓછામાં ઓછી ૧૦ વર્ષ કેદની સજા હતી. હવે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ૨૦૧૮ અંતર્ગત માસુમો પર જાતીય જુલ્મ ગુજારવાના કેસમાં દોષિતોને ઓછામાં ઓછી ૨૦ વર્ષની કેદથી માંડીને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઇ થઇ છે. આરોપી આગોતરા જામીન પણ નહીં મેળવી શકે.
