મધ્ય-પૂર્વમાં આવેલા સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે મોરચો મંડાયો ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે આતંકવાદ સામેનો આ જંગ એક દિવસ આ હદે વરવું સ્વરૂપ ધારણ કરશે અને આ પ્રદેશ વિશ્વની બે મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની જશે. અમેરિકા - રશિયાની હુંસાતુંસીએ આ પશ્ચિમ એશિયન દેશમાં એવો લોહિયાળ માહોલ રચ્યો છે કે તેમાંથી વધુ એક વૈશ્વિક યુદ્ધનો ખતરો સર્જાયો છે. આઇએસ સામેનો આ જંગ હવે અલગ અલગ દેશોના અલગ અલગ સત્તાના સમીકરણોના લીધે આંતરિક સંઘર્ષમાં પરિણમી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સીરિયા પર મિસાઇલ હુમલો દુનિયા માટે ખતરાની ઘંટડી સમાન છે. આ હુમલાના વિરોધમાં રશિયા ખુલ્લેઆમ સીરિયાના સમર્થનમાં આગળ આવ્યું છે તે વળી આનાથી પણ વધુ ગંભીર ખતરાનો સંકેત છે. સીરિયા-રશિયા બળવાખોરોને નાથવાના નામે કેમિકલ વેપન વાપરે છે તો અમેરિકા તથા તેના મિત્રો સીરિયા-રશિયાને પાઠ ભણાવવા મિસાઇલમારો ચલાવે છે. અશાંત માહોલ છતાં આ વિસ્તારમાં હજુ એવા અનેક લોકો વસી રહ્યા છે જેઓ ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવન વીતાવી રહ્યા છે. યુદ્ધ જેવા માહોલથી તેમની હાલત કફોડી થઇ છે. ગયા વર્ષે પણ સીરિયામાં આવા જ રાસાયણિક હુમલા સમયે અમેરિકાએ વળતો મિસાઇલ હુમલો કર્યો હતો, પરંતુ આ વખતે માહોલ વધુ તનાવપૂર્ણ જણાય છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
બર્મિંગહામમાં ૨૦૨૨માં ફરી મળવાના વચન સાથે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ૨૧મા કોમનવેલ્થ રમતોત્સવનું શાનદાર સમાપન થયું. કરૈરા સ્ટેડિયમમાં હજારો દર્શકોની ઉપસ્થિતિ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના ચેરમેન લુઇ માર્ટિને રમતોત્સવના સમાપનની જાહેરાત કરી. આ વખતે સર્વશ્રેષ્ઠ એથ્લીટનો મેડલ ન્યૂઝીલેન્ડના વેઇટલિફ્ટર ડેવિડ લિટિને ફાળે ગયો. ભારત માટે આ રમતોત્સવ સ્વર્ણિમ સફળતા અપાવનારો રહ્યો એમ કહી શકાય.
જાણીતા અભિનેતા સલમાન ખાનને સંડોવતા બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં ચુકાદો આવી જ ગયો. કોર્ટે સલમાનને પાંચ વર્ષ કેદની સજા ફરમાવી છે. વીસ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને સજા થઇ ગઇ છે. અન્ય આરોપી કલાકારો સૈફ અલી, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમ નિર્દોષ છૂટ્યા છે. તમામ પર રાજસ્થાનમાં જોધપુર નજીક કાકાણી ગામમાં બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. ચુકાદો આવતાં ૨૦ વર્ષે લાગી ગયા હોય, પણ સલમાન બે જ દિવસમાં જામીનમુક્ત થઇ ગયો તે મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. જોકે આમ છતાં ચુકાદાનું મહત્ત્વ લેશમાત્ર ઘટતું નથી.
વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશનું બહુમાન ધરાવતા ભારતના સંસદીય ઇતિહાસમાં વિતેલા ૨૧ દિવસનો સમયગાળો કાળા અક્ષરે લખાશે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ કોઇ પણ કામગીરી વગર જ પસાર થઇ ગયો. આ સમયગાળામાં જો કંઇ થયું હોય તે હતા ધાંધલધમાલ - ગોકીરો અને વોકઆઉટ. આ ૨૧ દિવસમાં સંસદની કાર્યવાહી ચલાવવામાં જાણે કોઇને રસ જ નહોતો. વિરોધ પક્ષ સરકારને ચોમેરથી ભીંસમાં લેવા દેકારો મચાવતો રહ્યો તો કેટલાક પ્રસંગે સરકાર સમર્થક પક્ષો વિપક્ષને ભીડવવા પ્રયાસ કરતા જોવા મળ્યા. પરિણામ નજર સામે છે. ઓબીસી અને તીન તલાક જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા જ થઇ શકી નહીં.
આમ આદમી પાર્ટી (‘આપ’)ના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ‘માફીયાત્રા’ આગળ વધી રહી છે. પંજાબથી શરૂ થયેલી યાત્રા હવે દિલ્હી પહોંચી છે. વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાય, બદનક્ષી થાય તેવા આક્ષેપો કરવા બદલ પંજાબમાં અકાલી નેતા બિક્રમ સિંહ મજિઠિયા, મહારાષ્ટ્રમાં ભાજપના પીઢ નેતા તથા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની માફી માગ્યા બાદ હવે તેમણે નાણાંપ્રધાન અરુણ જેટલી સામે નાકલીટી તાણી છે. આ દરેક કેસમાં જે તે નેતાએ કેજરીવાલ સામે જંગી વળતરનો કાનૂની દાવો માંડ્યો હતો.
અનુસૂચિત જાતિ અને જનજાતિ (એસસી-એસટી) એક્ટ અંગે સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાના વિરોધમાં ભારત ભડકે બળ્યું તે લોકતંત્ર માટે ખતરાની ઘંટડી જ ગણવી રહી. દલિત સંગઠનોએ સોમવારે આપેલા બંધના એલાને કેટલાય રાજ્યોની શાંતિમાં પલિતો ચાંપ્યો. હિંસાની હોળી નવ માનવ-જિંદગી ભરખી ગઇ અને માલમિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. કોર્ટે ૨૦ માર્ચે એક ચુકાદામાં એસસી-એસટી એક્ટ તળે થતી ફરિયાદમાં તત્કાળ ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત કોર્ટે આવા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં ધરપકડ પૂર્વે જિલ્લા પોલીસ વડા કક્ષાના અધિકારીએ તપાસ કરવાની રહેશે. સરકારી કર્મચારીની ધરપકડ પૂર્વે સંબંધિત અધિકારીની અને આમ નાગરિકની ધરપકડ પૂર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી)ની મંજૂરી લેવી પડશે. કેટલાક દલિત સંગઠનો આ ચુકાદાને એસસી-એસટી એક્ટ સાથે ચેડાં ગણાવે છે.
આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૦ ધારાસભ્યોની અયોગ્યતા રદ કરીને તેમને ધારાસભ્ય પદે પુનઃ સ્થાપિત કરતો ચુકાદો પક્ષ અને તેના વડા અરવિંદ કેજરીવાલ માટે જેટલો રાહતજનક છે એટલો જ ચૂંટણી પંચ માટે આંચકાજનક છે. બદનક્ષી કેસોમાં એક પછી એક માફીનામા પછી પોતાના જ પક્ષના નેતાઓ-કાર્યકરોના રોષનો ભોગ બનેલા કેજરીવાલે આ ચુકાદાને સચ્ચાઇની જીત ગણાવી છે, પરંતુ ખરેખર એવું નથી.
કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ વીરશૈવ-લિંગાયત પંથને હિન્દુઓથી અલગ ધર્મનો દરજ્જો આપીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. વિધાનસભા ચૂંટણી માથે મંડરાઇ રહી છે ત્યારે કોંગ્રેસ સરકારે લિંગાયતોની મતબેન્ક મજબૂત બનાવવા આ દાવ ખેલ્યો છે. લિંગાયત પંથના કેટલાક ફિરકાઓ લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાની વર્ષોથી માગણી કરી રહ્યા હતા.
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતી કોંગ્રેસનું બે દિવસનું ૮૪મું મહાઅધિવેશન દેશના પાટનગરમાં સમાપ્ત થયું. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બુઝુર્ગથી માંડીને યુવા નેતાઓએ વિચારો રજૂ કર્યા. રાહુલ ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચિદંમ્બરમ્ સહિતના નેતાઓના સંબોધનોમાં નિશાન એક જ હતુંઃ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી. અધ્યક્ષીય પ્રવચનમાં રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરતાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ (સંઘ પરિવાર)ની તુલના કૌરવો સાથે જ્યારે કોંગ્રેસની તુલના પાંડવો સાથે કરી. ભાજપના નેતાઓને ભ્રષ્ટ અને ઘમંડી ગણાવ્યા તો કોંગ્રેસીઓને સત્ય માટે લડનારા દર્શાવ્યા.
લોકસભાની પેટા-ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભાજપ-નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને બીજો મોટો આંચકો આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુએ આપ્યો છે. ગયા સપ્તાહે મોદી સરકારમાંથી રાજીનામું આપનાર તેલુગુ દેશમ્ પાર્ટીએ હવે એનડીએ સાથે નાતો તોડ્યો છે. એક વર્ગ ઉતર પ્રદેશ અને બિહારની લોકસભા બેઠકોની પેટા-ચૂંટણીમાં પરાજય અને ટીડીપીના છૂટાછેડાને ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયાનો સંકેત ગણાવે છે. સત્તામાં ચાર વર્ષની ભાગીદારી બાદ આજે બન્ને પક્ષો આમનેસામને છે. ટીડીપીએ તો એનડીએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂક્યો છે. ભલે આનાથી સરકાર પર સંકટ સર્જાય તેમ નથી, પરંતુ આ અવસરે ભાજપને આત્મ-નીરિક્ષણની તક આપી છે એમ તો કહી જ શકાય.
