તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    અત્યાર સુધી જે વાત ‘જો’ અને ‘તો’ વચ્ચે અટવાતી હતી તે હવે હકીકત બની છે. શિવસેનાએ જૂના સાથી ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ ૨૦૧૯માં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ પક્ષે મહારાષ્ટ્રનું સુકાન સંભાળતી ભાજપ સાથેની યુતિ સરકારમાંથી પણ છૂટા થવા નિર્ણય કર્યો છે. હા, શિવસેનાએ કેન્દ્રની એનડીએ સરકારમાંથી છૂટા થવાના મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. 

    નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરેલા વર્ષ ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણના તારણોએ ભારતવાસીઓમાં ફરી એક વખત અચ્છે દિનના આગમનની આશા નવપલ્લવિત કરી છે. આર્થિક સર્વેમાં આશા વ્યક્ત કરાઇ છે કે ભારત સરકાર તરફથી ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) સહિતના જે આર્થિક સુધારાલક્ષી પગલાં ઉઠાવાયા છે તેના સકારાત્મક પરિણામ આગામી વર્ષમાં જોવા મળશે. પાછલા વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં નોંધાયેલા ઘટાડા માટે વધી રહેલા તાપમાન અને અપૂરતા વરસાદને મુખ્ય કારણ ગણાવાયા  છે. આ ઉપરાંત સર્વેક્ષણમાં નવા બેન્કરપ્સી કાયદા અને દેશમાં મૂડીરોકાણ આકર્ષવા માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોમાં અપાયેલી છૂટછાટ જેવાં પગલાંની સરાહના કરાઇ છે. 

    દાવોસમાં ભારત માટે આશાનું ઉજળ

    સ્વિત્ઝર્લેન્ડમાં દાવોસના આંગણે શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બે દસકા બાદ આ પહેલો પ્રસંગ છે કે ભારતીય વડા પ્રધાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપશે અને તેમના પ્રવચન સાથે બેઠક શરૂ થશે. પૂર્વે ૧૯૯૭માં તત્કાલીન વડા પ્રધાન દેવેગોવડાએ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેવેગોવડા દાવોસમાં શું સિદ્ધ કરી આવ્યા હતા તેની આર્થિક ઇતિહાસમાં ક્યાંય નોંધ દેખાતી નથી, પણ મોદી પાસે ભારતીય ઉદ્યોગપતિઓને ઘણી આશા-અપેક્ષા છે. કારણ સ્પષ્ટ છે - ત્યારના અને આજના ભારતમાં, અને તેના નેતૃત્વમાં આભ-જમીનનો ફરક છે. સમયના વહેવા સાથે આંતરરાષ્ટ્રીય તખતે ભારત વધુ મજબૂત બન્યું છે, વિદેશી મૂડીરોકાણના નિયંત્રણો હળવા બન્યા છે અને ભારતીય પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મનમોહન સિંહે શરૂ કરેલો આર્થિક ઉદારીકરણનો દોર મોદીના શાસનકાળમાં વધુ ઝડપથી આગળ વધ્યો છે. 

    દિલ્હીની શાસનધૂરા સંભાળતી આમ આદમી પાર્ટી (‘આપ’)ની કેજરીવાલ સરકારની રહીસહી આબરૂને વધુ એક ફટકો પડ્યો છે. સુશાસન કે કામગીરીના બદલે જુદા જુદા તિકડમ ને નિવેદનોના કારણે વધુ સમાચારોમાં રહેતી ‘આપ’ આ વખતે ચૂંટણી પંચની ઝપટે ચઢી છે. ભારતીય બંધારણમાં લાભના પદ (ઓફિસ ઓફ પ્રોફિટ) માટે સ્પષ્ટ વ્યાખ્યા છે. તેના પરિશિષ્ટ ૧૦૨ (એક) હેઠળ સાંસદ કે ધારાસભ્ય એવા કોઇ અન્ય હોદા પર ન રહી શકે જ્યાં વેતન, ભથ્થાં કે અન્ય પ્રકારના લાભ મળતા હોય. છતાં કેજરીવાલ સરકારે તેના ૨૧ ધારાસભ્યને સંસદીય સચિવ પદની લ્હાણી કરી હતી. 

    ભારતમાં વીતેલા સપ્તાહે એક તરફ ‘ઇસરો’ (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના વિજ્ઞાનીઓના યશગાન સમાન ૧૦૦મા સ્પેસ મિશનનું કાઉન્ટ ડાઉન ચાલતું હતું ત્યારે બીજી તરફ ધર્મ-અધ્યાત્મના નામે વિવાદ ચાલતો હતો. આને વક્રતા જ ગણવી રહી. આજે દેશ આકાશને આંબતી સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે ત્યારે એક વર્ગ દેશમાં ધર્મના નામે વિખવાદ વધારવા પ્રયત્નશીલ છે. આ વિવાદના મૂળમાં છે ભારત સરકાર દ્વારા સંચાલિત દેશના ૧૧૦૦ કેન્દ્રીય વિદ્યાલયોમાં સવારે થતી પ્રાર્થના. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે. 

    મોદી સરકારે ભારતના રિટેલ, કન્સ્ટ્રક્શન અને એરલાઇન ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમો ઉદાર બનાવ્યા છે. રિટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૧૦૦ એફડીઆઇની છૂટ અપાઇ છે તો એર ઇંડિયામાં ૪૯ ટકાની મર્યાદા બંધાઇ છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક મોરચે નિષ્ફળતાના આક્ષેપોનો સામનો કરી રહી હતી. આ માહોલમાં સરકારે એફડીઆઇમાં નિયમો હળવા બનાવીને ફરી આર્થિક મોરચે સુધારાના સંકેત આપ્યા છે. 

    આમ તો પાકિસ્તાન આતંકવાદ મામલે આખી દુનિયા સામે બેપરદા થઇ જ ચૂક્યું હતું, બસ અમેરિકાની આંખેથી હવે પરદો દૂર થયો હોય તેવું લાગે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ નૂતન વર્ષના પ્રારંભે જ લીધેલા આકરા પગલાંથી ના-પાક પડોશી દેશની રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઇ ગઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ખખડાવી નાખતાં કહ્યું કે અમેરિકાએ ૧૫ વર્ષમાં ૩૩ બિલિયન ડોલરની સહાય કરી છે, બદલામાં પાકિસ્તાને અમેરિકાને મૂરખ બનાવવા સિવાય કંઇ કર્યું નથી. અમેરિકા જે ત્રાસવાદીઓને અફઘાનિસ્તાનમાં શોધે છે એ બધા પાકિસ્તાનમાં જલ્સા કરે છે. પણ, હવે આવી દગાબાજી નહીં ચાલે. અમેરિકા હવે પાકિસ્તાનને એક પેની પણ નહીં પરખાવે... પહેલાં અમેરિકી પ્રમુખ દ્વારા આકરા શબ્દોમાં ઠપકો અને પછી ગણતરીના કલાકોમાં જ વર્ષોથી અપાતી તોતિંગ આર્થિક સહાયમાં કાપ.

    તામિલનાડુના રાજકારણને નવો ‘મેગાસ્ટાર’ મળી ગયો છે. ફિલ્મ અભિનેતા રજનીકાંતની રાજકારણમાં એન્ટ્રીથી પ્રાદેશિક રાજકારણમાં એક નવા અધ્યાયનો આરંભ થયો છે એમ કહી શકાય. રાજ્યના રાજકીય તખતે છેલ્લા કેટલાય મહિનાઓથી ભારે નાટ્યાત્મક ઘટનાઓ આકાર લઇ રહી છે. આ માહોલ વચ્ચે તમિળ ફિલ્મોના સુપરસ્ટારની રાજકીય પ્રવેશની જાહેરાતથી હલચલ થવી સ્વાભાવિક છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિધન બાદ પ્રાદેશિક રાજકારણમાં જાણે શૂન્યાવકાશ સર્જાયો છે. રાજ્યના નેતાઓથી માંડીને અભિનેતાઓ સહુ કોઇ આ સ્થાન મેળવવા તલપાપડ છે. પહેલાં કમલ હસન અને હવે રજનીકાંતે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. રજનીકાંતે કોઇ પક્ષમાં જોડાવાને બદલે પોતાનો જ નવો પક્ષ રચવાની અને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી વેળા તમામ ૨૩૪ બેઠકો પર પોતાના પક્ષના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે.  

    યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ જંગી બહુમતીથી પ્રસ્તાવ મંજૂર કરીને અમેરિકાને જણાવ્યું છે કે તેણે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપતો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. પ્રસ્તાવ પર મતદાન વેળા નવ દેશોએ અમેરિકી નિર્ણયની તરફેણ કરી છે જ્યારે ૩૫ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. ભારત સહિત ૧૨૮ દેશોએ અમેરિકી નિર્ણયનો વિરોધ કરતા પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. ભારતનો આ અભિગમ દર્શાવે છે કે તે આજે પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં છે. 

    ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર રૂ. ૧.૭૬ લાખ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં એક પણ વ્યક્તિ કે કંપની કસૂરવાર ન હોવાનું જાહેર થયું છે. રૂપિયા ૧૭,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦... જે રકમમાં શૂન્ય ગણતાં પણ ફાંફા પડી જાય તેમ છે એટલી તોતિંગ રકમના આ ટેલિકોમ કૌભાંડમાં સીબીઆઇની વિશેષ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતીયો આશ્ચર્યચકિત છે. યુપીએ સરકારના આ બહુચર્ચિત ગોટાળામાં સામેલ તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદામાં જણાવાયું છે તે પ્રમાણે ફરિયાદ પક્ષ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આઠ વર્ષ પૂર્વે સીબીઆઇએ ટુજી સ્પેક્ટ્રમ ફાળવણીમાં આચરાયેલી ગેરરીતિ સંદર્ભે કેસ નોંધ્યો હતો. કૌભાંડ પહેલી વખત ૨૦૧૦માં જાહેરમાં આવ્યું. ક