તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોના અપમૃત્યુની ઘટનાથી સમગ્ર ભારત સ્તબ્ધ છે. બાળકોના પરિવારજનોનું આક્રંદ દેશભરમાં પડઘાઇ રહ્યું છે. જોકે આટલી કરુણ ઘટના છતાં રાજ્ય સરકાર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ગોરખપુરથી લઇને લખનઉ અને દિલ્હી સુધી હાહાકાર મચ્યો છે, પણ સરકાર જાત બચાવવાના કામે લાગી છે. મુખ્ય પ્રધાન ઘટનાના ચાર દિવસ બાદ હોસ્પિટલે પહોંચ્યા અને આકરી ટીકાનો સામનો કરી રહેલી સરકારને ક્લિન ચીટ આપી દીધી. 

    ભારત સહિત વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો સ્વાતંત્ર્ય દિન અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવ્યો. પાટનગર નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરો-કસ્બાઓમાં ધામધૂમથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં નૂતન ભારતના નિર્માણની વાત કરવાની સાથોસાથ નોટબંધીની ફળશ્રુતિ, કાળા નાણાંની જપ્તીના આંકડાઓ આપ્યા તો કાશ્મીરની સળગતી સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ આવશે જ તેવો આશાવાદ પણ દર્શાવ્યો. 

    વિશ્વની બે મહાશક્તિઓ - અમેરિકા અને રશિયાએ ફરી શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. આમ તો તેમની વચ્ચે શીત યુદ્ધના સમયથી જ એકબીજા સામે તણખાં ઝરતાં રહ્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે જે પ્રકારે તણાવ વધ્યો છે તે ચિંતાજનક છે. આ વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે અમેરિકી સેનેટના એક નિર્ણયે. યુએસ સેનેટે રશિયા પર જુદા જુદા વ્યાપાર પ્રતિબંધો લાદતું વિધેયક સર્વસંમતિથી પસાર કરતાં રશિયા રોષે ભરાયું છે. જવાબમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં કામ કરતા ૭૫૫ અમેરિકી રાજદ્વારીને સ્વદેશ પાછા ફરવાનું ફરમાન કર્યું છે. 

    કાશ્મીર ખીણમાં છાશવારે નાના-મોટા હુમલા કરીને નિર્દોષ નાગરિકોથી માંડીને સુરક્ષા દળના જવાનોનું લોહી વહાવતા રહેલા આતંકવાદીઓને હવે ભાગવું ભારે પડી રહ્યું છે. આતંકનો સફાયો કરવાના મનસૂબા સાથે ભારતીય સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં જુદા જુદા આતંકી સંગઠનોના પાંચ ટોચના ત્રાસવાદી સહિત ૧૨૦થી વધુ આતંકવાદીનો વીણી-વીણીને સફાયો કરી નંખાયો છે. ઈંડિયન આર્મી, પેરામિલિટરી ફોર્સ અને સ્ટેટ પોલીસે ખીણ પ્રદેશમાં સક્રિય ૨૫૮ આતંકવાદીઓની યાદી તૈયાર કરીને ‘ઓપરેશન ઓલઆઉટ’ શરૂ કર્યું છે તેના પરિણામ જોવા મળી રહ્યા છે. 

    ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આખરે પદ સત્તા છોડવી જ પડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પનામાગેટ કેસમાં તેમને કસૂરવાર ઠેરવીને વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરાવતા શરીફ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. આમ તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેમને દોષિત ઠરાવ્યા તે સમયે જ તેમનું ભાવિ નક્કી થઇ ગયું હતું. 

    બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાતોરાત રાજીનામું ધરી દઇને કલાકોમાં તો ફરી રાજગાદીએ બેસી ગયેલા નીતીશ કુમારે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અપેક્ષા અનુસાર, તેમણે મહાગઠબંધનના બાળમરણનો ઓળિયોઘોળિયો લાલુ પ્રસાદ અને તેમના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પર ઢોળ્યો છે. તો સાથોસાથ ‘મોદીજીનો મુકાબલો કરવાની કોઇનામાં તાકાત નથી’ એવું નિવેદન કરીને એક પ્રકારે જાહેરાત પણ કરી દીધી છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી તેઓ મોદી સાથે મળીને લડવાના છે. આનું નામ રાજકારણ. એક સમયે જે નીતીશ કુમારે નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં પોતાની તસવીર મૂકવા સામે સરાજાહેર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી તે જ નીતીશ કુમાર આજે રાજીખુશીથી, સદેહે મોદીની બાજુમાં જઇ બેઠા છે. 

    ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અપેક્ષા અનુસાર જ ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. આંકડાઓનું ગણિત કોવિંદની તરફેણમાં હોવાથી તેમણે જંગી સરસાઇ સાથે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારને હરાવ્યા છે. આઝાદીના સાત દાયકામાં આ પહેલો અવસર છે, જ્યારે ભાજપ વિચારધારાના કોઇ મહાનુભાવે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હોય. દેશના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલે પોતાની જીતને ભાવુક ક્ષણ જણાવતા આને દેશના લોકતંત્રનો વિજય ગણાવ્યો હતો. 

    ભારતીય તિરંગો સાત દસકાથી દેશની આન-બાન-શાન બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એક માત્ર (બંધારણીય) અપવાદને બાદ કરતાં તમામ રાજ્યોમાં તિરંગો ભારતીયતાનું ગૌરવ લહેરાવતો રહ્યો છે. રાષ્ટ્રીય ધ્વજની સમાંતરે બીજું કંઇ હોઇ શકે જ નહીં, પરંતુ કોણ જાણે કેમ કોંગ્રેસ શાસિત કર્ણાટક સરકારે રાષ્ટ્રીય ધ્વજની સાથે અલગથી રાજય ધ્વજ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. કોઇ રાજ્યના શાસકો આવું વિચારી શકે છે તે જ આંચકાજનક છે. મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાનો દાવો છે કે ભારતીય બંધારણમાં રાજ્યને પોતાનો ધ્વજ રાખવા મનાઇ ફરમાવતી કોઈ જોગવાઈ નથી. ટૂંકમાં રાજ્ય તરીકે કર્ણાટક પોતાનો અલગ ધ્વજ રાખી શકે છે, ફરકાવી શકે છે અને તેને સલામી પણ આપી શકે છે. આ દાવા સાથે કર્ણાટક સરકારે રાજ્યનો સ્વતંત્ર ધ્વજ બનાવવા માટે પેનલ પણ રચી નાખી છે. કર્ણાટકે આ પગલું ભરીને ભારતમાં અત્યાર સુધી ક્યારેય જોવા-જાણવા મળ્યું ન હોય તેવું ગતકડું કાઢ્યું છે.

    ઈરાકી નેતૃત્વ હેઠળની સંયુક્ત સેનાને નવ મહિનાના ભીષણ અને લોહિયાળ સંઘર્ષ બાદ છેવટે ઇરાકની ઉત્તરે આવેલા મોસુલ શહેરને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ના કબ્જામાંથી છોડાવવામાં સફળતા સાંપડી છે. ઇરાકી સેનાને હરાવીને આઇએસે ૨૦૧૪થી મોસુલમાં અડીંગો જમાવ્યો હતો. કુદરતી સંપત્તિથી ભરપૂર મોસુલના પેટાળમાં તેલ અને ગેસનો વિપુલ ભંડાર ધરબાયેલો હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. મોસુલ એ જ શહેર છે જ્યાં એક સમયે ઇરાકના પૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનના વફાદાર લશ્કરી અધિકારીઓએ યુએસ આર્મીના ડરથી આશરો મેળવ્યો હતો. 

    રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપે ઉત્તર પ્રદેશના દલિત રામનાથ કોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે દક્ષિણ ભણી મીટ માંડી માંડી છે. ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશમાં જન્મેલા કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન વેન્કૈયા નાયડુનું નામ જાહેર કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે સોમવારે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઇ હતી, જેમાં નાયડુના નામ પર સંમતિની મહોર મારવામાં આવી હતી.