તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    જમ્મુ અને કાશ્મીરના પંપોરમાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલામાં વધુ ત્રણ જવાનો શહીદ થયા છે. રાજ્યમાં આ વર્ષે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ૮૭ જવાનો શહીદ થઇ ચૂક્યા છે. આમાંથી ૭૧ તો માત્ર કાશ્મીર ખીણમાં શહીદ થયા છે. શહીદોમાં છ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ૨૦૦૮ પછી એક જ વર્ષમાં સુરક્ષા દળોની શહીદીનો આ સૌથી મોટો આંકડો છે. ગયા સપ્ટેમ્બરમાં ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં જ ૧૯ જવાનો શહીદ થયા હતા. 

    કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો અને વ્યક્તિગત આક્ષેપ કર્યો છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન સહારા અને બિરલા ઔદ્યોગિક જૂથે તેમને ૫૫ કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસના યુવરાજે આ આક્ષેપો વડા પ્રધાનની હોમ પીચ એવા ગુજરાતના મહેસાણામાં જાહેર સભાને સંબોધતા કર્યા હોવાથી ખરેખર તો દેશભરમાં સનસનાટી મચી જવી જોઇએ, પણ થયું છે આથી સાવ જ ઉલ્ટું. આક્ષેપોનું સૂરસૂરિયું થઇ ગયું છે. 

    વિદાય લઇ રહેલા વર્ષના છેલ્લા સપ્તાહમાં અને નૂતન વર્ષના પહેલા સપ્તાહમાં ભારતે મિસાઇલ ટેક્નોલોજી ક્ષેત્રે બે સિમાચિહન સર કર્યા. વર્ષના આરંભે સોમવારે ૪૦૦૦ કિલોમીટરના અંતરે જઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું તો આગલા સપ્તાહે ૫૦૦૦ કિલોમીટરના અંતરે જઇને ત્રાટકતા ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું છે. 

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતા અમારે પાસપોર્ટ નહીં, લોહીનો સંબંધ જોઇએ છીએ તેમ કહીને વિદેશવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો.

    ભારતે ૫૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતા ‘અગ્નિ-૫’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરતાં ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાયું છે. અને તેમાં કંઇ આશ્ચર્યજનક પણ નથી, આથી ઉલ્ટું આમ ન થયું હોત તો અવશ્ય ભારતને નવાઇ લાગી હોત. સમગ્ર એશિયા તેમજ અડધોઅડધ યુરોપને આવરી લેતાં આ મિસાઇલનું પરીક્ષણ થયાના ગણતરીના કલાકોમાં જ ચીને ચીમકી ઉચ્ચારી છે કે ભારત આ પ્રમાણે મિસાઇલ ટેક્નોલોજી વિકસાવીને શસ્ત્રદોડને ઉત્તેજન આપતું રહેશે તો તે પાકિસ્તાનને મિસાઇલ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરશે. ચીનનો આ અભિગમ દર્શાવે છે કે તે ભારત સામે શિંગડા ભરાવવા દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવી રહ્યું છે. ચીન ભલે મદમાં રાચતું હોય કે તેને ભારતને ભીડવવામાં ભારતના જ દસકાઓ જૂના દુશ્મન પાકિસ્તાનનો સાથ મળી રહ્યો છે. પરંતુ તે કદાચ ભૂલી જાય છે કે આમાં તેને કોઇ પણ પ્રકારે લાભ નથી જ નથી.

    ગુજરાત ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે વાઇબ્રન્ટ બનીને ઉભર્યું છે. આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૦૦થી વધુ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) થયા છે. વિવિધ પક્ષકારો વચ્ચે આ સમજૂતી કરારો અમલી બન્યે રાજ્યમાં લાખો રોજગારી સર્જાવાની ઉજળી શક્યતા સર્જાઇ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટના પ્રારંભ પૂર્વે ગળુ ખોંખારીને દાવો કર્યો હતો કે દેશ-વિદેશથી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતને સફળતા મળી રહી છે. આનું શ્રેય તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિ તેમજ રાજ્ય સરકારના ઘનિષ્ઠ માર્કેટિંગને આપ્યું હતું. સાથોસાથ રાજ્યમાં ઉદ્યોગોને અનુકૂળ માહોલની પણ તેમણે વાત કરી હતી. રાજ્યમાં જંગી મૂડીરોકાણ માટે થયેલા એમઓયુના આંકડા તેમના દાવાને સમર્થન આપે છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. 

    જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ ગૃહમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને કાશ્મીરી પંડિતોને ઘરવાપસી માટે અપીલ કરી છે. કાશ્મીરી પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા શાસક અને વિપક્ષના સભ્યોએ વિધાનસભા ગૃહમાં એક અવાજે (એક અપક્ષને બાદ કરતાં) કાશ્મીરી હિન્દુઓના હિતની વાત કરી છે તેની સહુ કોઇએ નોંધ લેવી જ રહી. 

    ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ફરી સમાચારમાં છે. માત્ર એક ટ્વીટ વાંચીને લોકોની નાની-મોટી સમસ્યા દૂર કરી દેતાં સુષમા સ્વરાજે આ વખતે સંકુચિત વિચારસરણી ધરાવતા લોકોને ઝાટક્યા છે. હિન્દુ જાગરણ સંઘે ટ્વીટ કર્યું હતું કે મોદીજી, આપના સુષમા સ્વરાજ મુસ્લિમ વિઝા પર જ ધ્યાન આપે છે. હિન્દુઓને ભારતના વિઝા મેળવવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. ઘણી મુશ્કેલી છે... હિન્દુ સ્વરાજ મંચના આ આક્ષેપનો સુષમા સ્વરાજે બહુ સ્વસ્થ, પણ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. મુસલમાનોને વધુ વિઝા આપવાના આરોપ સંદર્ભે સુષમાએ કહ્યું છે કે ભારત મારો દેશ છે, ભારતીયો મારા છે. મારા માટે જાતિ, પ્રદેશ, ભાષા કે ધર્મનું કોઇ મહત્ત્વ નથી. 

    વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ કામે વળગ્યા છે. ચૂંટણી પ્રચાર વેળા તેઓ જાતભાતના નિવેદનો દ્વારા અખબારોમાં છવાયેલા રહેતા હતા, હવે તેઓ ચૂંટણી વચનોનું પાલન કરીને સમાચારોમાં ચમકી રહ્યા છે. પ્રમુખપદે બેસતાં જ સૌથી પહેલાં તેમણે તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ લાગુ કરેલી ગરીબ અને સામાન્ય વર્ગની હિતકારી હેલ્થ સ્કીમ રદ કરી. પછી મેક્સિકનોની અમેરિકામાં ઘૂસણખોરી રોકવા અમેરિકા-મેક્સિકો વચ્ચે હજારો માઈલ લાંબી દીવાલ બાંધવાની જાહેરાત કરી. ઇરાન, ઇરાક, યમન, સીરિયા, સુદાન, લીબિયા અને સોમાલિયા - આ સાત દેશના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશબંધી લાદી છે. સાથે સાથે જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયાના નાગરિકોની યુએસ પ્રવેશ વેળા કડક ચકાસણીનો આદેશ આપ્યો છે. અમેરિકાભરમાં આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધરણાં-પ્રદર્શન કરી રહેલા વર્ગનું માનવું છે કે સાત મુસ્લિમ દેશોના નાગરિકો માટેનો નિર્ણય ધાર્મિક વિભાજનને ઉત્તેજન આપનારો છે. 

    ભારતના ઉત્તરીય રાજ્યોમાં ઉષ્ણતામાનનો પારો ભલે સડસડાટ ગગડી રહ્યો હોય, પરંતુ આ ક્ષેત્રમાં આવેલા દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તડજોડ વધી રહી છે, કાવાદાવા વેગ પકડી રહ્યા છે. રાજકારણમાં દોસ્તી હોય કે દુશ્મની - ક્યારેય કંઇ કાયમી હોતું નથી, કાયમ તો હોય છે કોઇ પણ ભોગે ચૂંટણી જીતવાની એષણા. આથી જ તો ઉત્તર પ્રદેશમાં રાજકીય જરૂરત અને માગ નજરમાં રાખીને સમીકરણો રચાઇ રહ્યા છે. જો આવું ન હોત તો પિતા-પુત્ર મુલાયમ સિંહ-અખિલેશ વચ્ચે પક્ષ પર વર્ચસ જમાવવા ખુલ્લેઆમ ખેંચતાણ ચાલી ન હોત, અને સમાજવાદી પાર્ટી (સપા) તથા કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડવા જોડાણ ન કર્યું હોત. આ એ જ કોંગ્રેસ છે જે ગયા પખવાડિયા સુધી અખિલેશ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહ્યાનો ઢોલ પીટતી હતી. પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ફરીને લોકોને વિશ્વાસ અપાવવા મથતા હતા કે તેમનો પક્ષ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડીને આપબળે ઊભો પણ થશે. હવે તેમણે રાજકીય ક્ષેત્રે તેમનાથી જૂનિયર અખિલેશ યાદવની સપા સાથે હાથ મિલાવ્યા છે. એટલું જ નહીં, જોડાણમાં બીજા ક્રમનું સ્થાન પણ સ્વીકાર્યું છે.