તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    દર વખતે નાટ્યાત્મક વાણી-વર્તનના કારણે અખબારી માધ્યમોમાં ચમકતા રહેતા લાલુ પ્રસાદ યાદવ આ વખતે જુદા જ કારણસર સમાચારમાં છે. ભારતની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ તેમના નિવાસસ્થાન સહિત આઠ સ્થળોએ પાડેલા દરોડા દર્શાવે છે કે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના અધ્યક્ષ બે દસકા બાદ ફરી એક વખત કાનૂની સકંજામાં સપડાતા જોવા મળી રહ્યા છે. 

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન મળેલા આદર-સત્કાર ભાવિ સંભાવનાઓના સંકેત આપવા માટે પૂરતા છે. મોદીના ઇઝરાયલ પ્રવાસને દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ ગણી શકાય. આરંભ એટલા માટે કે સાત-સાત દાયકા વીત્યા બાદ કોઇ ભારતીય વડા પ્રધાન પહેલી વાર ઇઝરાયલ પહોંચ્યા હતા. દિલ્હીથી તેલ અવીવનું ૨૫૦૦ માઇલનું અંતર કાપવામાં જે સમય લાગ્યો છે તે ઘણો વધારે છે. ઇઝરાયલ તો ભારત સામે દોસ્તીનો હાથ લંબાવતું રહ્યું છે, પરંતુ સંકુચિત મનોદશા અને વિવાદાસ્પદ મુત્સદ્દીગીરીના લીધે ભારતે ઉષ્માસભર પ્રતિસાદ આપ્યો જ નહીં. હવે હાથ પકડ્યો જ છે ત્યારે સંબંધોને નવા મુકામ સુધી પણ પહોંચાડવા જ રહ્યા.

    આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહેલો ભારત દેશ પણ પહેલી જુલાઇએ જીએસટીના અમલીકરણ સાથે જ વિશ્વના એવા દેશોની હરોળમાં આવી ગયો છે જ્યાં માત્ર એક જ સેલ્સટેક્સની પ્રથા અમલી છે. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ)નો અર્થ સમજાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને ‘ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ’ તરીકે ઓળખાવે છે તો એક આર્થિક નિષ્ણાતે ટીવી ટોક-શોમાં ટીપ્પણી કરતાં કહ્યું હતુંઃ ‘ગયે સારે ટેક્સ’. 

    દસકાઓના વહેવા સાથે દુનિયામાં ઘણું બદલાયું છે. દિનપ્રતિદિન વધુને વધુ તનાવપૂર્ણ બની રહેલા સીમા વિવાદ વચ્ચે એકબીજાને ધમકી આપીને ન તો ચીનના હાથમાં કંઇ આવવાનું છે અને ન તો ભારતના હાથમાં. પહેલાં તિબેટ પછી અરુણાચલ પ્રદેશના મુદ્દે વિવાદ અને હવે સિક્કિમ સીમા પર ચીનની દખલગીરીએ બન્ને દેશો વચ્ચેનો તણાવ વધાર્યો છે. માહોલ એટલી હદે ખરડાયો છે કે ૧૯૬૨ના યુદ્ધને યાદ કરીને બન્ને દેશના નેતાઓ હાકલાપડકારા કરવા લાગ્યા છે. વિવાદના મૂળમાં છે સિક્કમ સાથે જોડાયેલી સરહદ. ભારત-ચીનને અલગ કરતી અને સિક્કિમ સાથે જોડાયેલી ૨૨૦ કિલોમીટર લાંબી સરહદ. 

    રાજકારણમાં ભલે રમત રમાતી હોય, પરંતુ રમતમાં રાજકારણ ન હોવું જોઇએ. આવી સેળભેળ થઇ જાય છે ત્યારે પ્રતિભાશાળી વ્યક્તિનો ભોગ લેવાઇ જતો હોય છે. ટીમ ઇંડિયાના કોચ અનિલ કુંબલે સાથે પણ આવું જ થયું હોય તેમ જણાય છે. કોચ પદેથી કુંબલેના રાજીનામાના કારણ માટે જેટલા મોઢા એટલી વાતો છે. કોઇ રાજીનામા માટે કુંબલેના કેપ્ટન કોહલી સાથેના મતભેદોને કારણભૂત ગણાવે છે. કોઇ કહે છે કે કોચ કુંબલે તેના હેડ માસ્તર જેવા અભિગમના કારણે ખેલાડીઓમાં અળખામણો બન્યો હતો. કોઇ વળી કોચ-કપ્તાનના વિવાદ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડનું આંતરિક રાજકારણ જવાબદાર ગણાવે છે. કારણ ગમે તે હોય, પણ ટીમ ઇંડિયાના શ્રેણીબદ્ધ વિજયમાં મહત્ત્વનું પ્રદાન આપનાર કોચ કુંબલેની વિદાય જે પ્રકારે થઇ છે તે યોગ્ય તો નથી જ. ખરેખર તો કુંબલેએ વેસ્ટ ઇન્ડિઝ રવાના થયેલી ટીમ સાથે જવાનું હતું, પરંતુ તેણે આઇસીસીની બેઠકનું કારણ આપીને ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ જવાનું ટાળ્યું ને સાંજે કોચ પદેથી રાજીનામું આપી દીધું. 

    સોમવારે આખી દુનિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હતી. અને આ સ્વાભાવિક પણ હતું. ‘માથાફરેલા નેતા’ની ઓળખ ધરાવતા ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યા બાદ ભારતીય વડા પ્રધાનનો આ પહેલો અમેરિકા પ્રવાસ હતો. આમ તો મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્મા આવેલી છે. ઓબામાના કાર્યકાળમાં આ સંબંધો સોળે કળાએ ખીલ્યા હતા અને હવે ભારત-અમેરિકી સંબંધોના નિષ્ણાતો ટ્રમ્પ-મોદીની મંત્રણાને સફળ ગણાવી રહ્યા છે. આ નેતાઓની મુલાકાત બાદ ભલે ઊડીને આંખે વળગે તેવી કોઇ જાહેરાત સાંભળવા નથી મળી, પરંતુ બન્ને નેતા વચ્ચે આ બેઠક યોજાઇ તે જ મહત્ત્વનું છે. બન્ને નેતા તેમના આતંકવાદવિરોધી આકરા અભિગમ માટે જાણીતા છે. ટ્રમ્પના નિમંત્રણથી મુલાકાત નક્કી થઇ ત્યારથી ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઇ છે. ચીન અને પાકિસ્તાન બન્ને એક યા બીજા પ્રકારે પડોશી દેશોને કનડતા રહ્યા છે. પાકિસ્તાન તો આતંકવાદીઓનો અડ્ડો બન્યું છે. આ સંજોગોમાં ભારત-અમેરિકા ઘનિષ્ઠતા અન્યોન્ય માટે ઘણી ઉપકારક બની શકે તેમ છે. 

    ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીર ખીણ પ્રદેશમાં છેલ્લા કેટલાય મહિનાઓથી લપકારા મારતી અશાંતિની આગ બૂઝાય તે પહેલાં દાર્જિલિંગના પહાડોમાં રાજકીય અશાંતિએ માથું ઊંચક્યું છે તે દેશ માટે શુભ સંકેત નથી. પશ્ચિમ બંગાળ સરકારના એક વગરવિચાર્યા કહી શકાય તેવા નિર્ણયે પર્યટન માટે સુપ્રસિદ્ધ દાર્જિલિંગને હિંસામાં હોમી દીધું છે. 

    બિહારના ગવર્નર અને દલિત નેતા રામનાથ કોવિંદને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત વિપક્ષને ઊંઘતા ઝડપ્યા છે. અલબત્ત, હંમેશની જેમ જ આ વખતે પણ અપેક્ષા તો એવી જ હતી કે નરેન્દ્ર મોદી કોઇ અણધાર્યું નામ જ લાવશે. પરંતુ આ નામ રામનાથ કોવિંદનું હોય શકે છે એવું તો તેમના પોતાના જ ભાજપમાં પણ કોઇએ વિચાર્યું નહીં હોય. છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પક્ષમાં ભાજપ-વિરોધી મોરચાબંધી માટેના પ્રયાસો વેગીલા બન્યા હતા. વિપક્ષી મોરચાના આ પ્રયાસો વચ્ચે મોદીએ દલિત કાર્ડ ઉતરીને તેમને પણ ૪૪૦ વોટનો ઝાટકો આપ્યો છે.

    ભારતના અનેક નાના-મોટા રાજ પરિવારોની જેમ આ ‘મહારાજા’ પણ આર્થિક કંગાલિયતનો સામનો કરી રહ્યા છે. આઝાદીવેળા આ રાજ પરિવારો અધધધ સંપત્તિમાં આળોટતાં હતાં. આજે તેમને અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બન્યું છે. આવી જ હાલત ‘મહારાજા’ એર ઇંડિયાની છે. બંનેની કંગાળ હાલતનું કારણ એક જ છેઃ અણઘડ આર્થિક આયોજન. તમારે પાસે ગમેતેટલી સંપત્તિ કેમ ન હોય, આયોજન સુચારુ ન હોય તો બધું ફનાફાતિયા થઇ જાય. સરકારી માલિકીની એરલાઇન્સની પણ કંઇક આવી જ હાલત છે. એક સમયે એર ઇંડિયાના ‘મહારાજા’ની આકાશમાં આણ વર્તાતી હતી, આર્થિક સદ્ધરતા હતી, પણ સમય સાથે બધું બદલાયું. ઉદારીકરણનો યુગ તો આવ્યો, પણ સરકારી માનસિકતામાં ‘ઉદારીકરણ’ ન આવ્યું.

    ભારતમાં શાસક - વિપક્ષ માટે બળાંબળના પારખા કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરી દીધી છે. જો શાસક તથા વિપક્ષ વચ્ચે સર્વસંમતિ નહીં સધાય તો ૧૭ જુલાઇએ મતદાન નક્કી છે. પ્રવર્તમાન રાજકીય માહોલ જોતાં તો સર્વસંમત ઉમેદવાર પસંદ થવાની શક્યતા બહુ જૂજ જણાય છે.