અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘મમ્મી તું તારી મનપસંદ જગ્યાએ, મનપસંદ વ્યક્તિ જોડે થોડા દિવસ ફરવા માટે જઈ આવ. મને ખૂબ આનંદ થશે. તને તારી જિંદગી આનંદથી જીવવાનો પૂર્ણ હક્ક છે.’ વામાએ એની મમ્મી યુગ્માને આ વાત કહી અને બંનેની આંખોમાં આંસુનો દરિયો છલકાઈ ઊઠ્યો. બંને એકબીજાને ભેટી પડ્યા. યુગ્માને પોતાની યુવાનીના દિવસો અને એ સમયનો આવો જ સંવાદ, જેના મૂળમાં એના મિત્ર સપન સાથેની દોસ્તી હતી એ યાદ આવી ગયો.

    ‘મારી નજર સામે એ ડોક્ટરે ત્રણ દર્દીઓના પૈસા લીધા નથી એટલે તમારી માન્યતાઓ તમે ઈચ્છો તો બદલી પણ શકો.’ અભિષેકે એમના એક મુરબ્બી મિત્રને આ વાત કહી એનું કારણ પામવા આખી ઘટના સુધી જઈએ. 

    ‘શિવમહિમ્ન સ્ત્રોત, શિવ તાંડવ, શિવ પંચાક્ષર જેવા સ્તોત્ર નિયમિત રીતે સાંભળ્યા હોય પરંતુ એની પાછળ રહેલી કથાની જાણકારી તો આજે જ મળી...’ ‘શિવતત્વ અને એની સાથે રહેલા ડમરું, ત્રિશૂળ, નિલકંઠ સ્વરૂપ, સર્પ, ભસ્મ, બિલ્વપત્ર વગેરે સાથે જોડાયેલા સંદર્ભો અને વર્તમાન સમયમાં ભક્તો માટે તેના અર્થો કેટલાં બધાં અર્થપૂર્ણ છે...’ આવા ભક્તિભાવપૂર્ણ વાક્યો, દર્શને આવતા ભક્તજનો સહજપણે બોલ્યા અને સંભળાયા. અરબી સમુદ્રને કાંઠેથી સમુદ્રના મોજાંઓનું નિરીક્ષણ કરીએ તો એ મોજાઓ પર ક્યાંક સ્વયં સોમનાથ ભગવાન નટરાજરૂપે દર્શન આપતા હોય એવું લાગે.

    ‘આજે આપણે સહુએ નિહાળેલું આ દૃશ્ય અદ્ભૂત છે. કદાચ ન ભૂતો ન ભવિષ્યતિ છે...’ સાંધ્યસૌરભ કાર્યક્રમના સંયોજક અને કલા અનુરાગી રીટાબહેન ત્રિવેદીએ આ વાક્ય કહ્યું અને ઉપસ્થિત દર્શકોએ સ્વાભાવિક આનંદ સાથે તાળીઓથી તેને વધાવી લીધું. સામાન્ય રીતે આપણે સહુ ગાયન અને વાદન તથા નૃત્યની કલાઓ પૈકી કોઈ બે કલાના ઉપાસકો દ્વારા થતી જુગલબંદી જોવા, સાંભળવા ટેવાયેલા છીએ, પરંતુ અહીં સિતારવાદન રજૂ થઈ રહ્યું હતું અને સાથે સ્ટેજ પર ગાંધીજીનો રેંટિયો કંતાઈ રહ્યો હતો, એ પણ સંગીતના સૂરોના લય અને તાલને અનુરૂપ થઈને. અવસર હતો અમદાવાદમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમનો, જેમાં જાણીતા સિતારવાદક ભગીરથ ભટ્ટ દ્વારા રજૂ થયેલા સિતારવાદનનું પૂ. મોરારિબાપુએ શ્રવણ તો કર્યું જ, પરંતુ સંગીત રજૂ થયું ત્યાં સુધી રેંટિયો પણ કાંત્યો. આમ સંગીત અને ગાંધીવિચારનું એક અદ્ભૂત મિલન જોવા મળ્યું હતું.

    ‘અમદાવાદને દેશના સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું એમાં અમારા આ મણિભાઈ જેવા અનેક સામાન્ય માણસોનું પણ બહું મોટું યોગદાન છે.’ નીતિનભાઈએ હસતાં હસતાં કહ્યું... વાત એમ હતી કે એક શોપિંગ કોમ્પલેક્સમાં ઘણી બધી દુકાનો હતી. ત્યાં સ્વાભાવિક રીતે રોજેરોજ બહુબધા માણસો પણ આવે... એમની આદત મુજબ તેઓ જ્યાં ને ત્યાં પ્લાસ્ટિક કચરો-કોથળી-બોક્સ-કાગળ ફેંક્યા કરે. મહાનગરપાલિકાએ ભીનો-સૂકો કચરો અલગ મૂકવા ડસ્ટબીન પણ ત્યાં મૂકાવ્યા હતા, પરંતુ મોટા ભાગે માનસિકતા રૂઢીવાદી હોય, સુધારાને ઝીલવાની ઉદારતા ન હોય.

    ‘લાલ ગોપાલ ગુલાલ મારી, આંખિન મેં જિન ડારો જૂ....’ મંચ પરથી શહેરના જાણીતા ગાયકના સ્વરમાં ગીત પ્રસ્તુત થઈ રહ્યું હતું. બરાબર એ જ સમયે આરતી અને અસીમ પ્રથમ હરોળના એક છેડે પહોંચ્યા. ‘હમણાં ઊભા રહીએ, ગીત પૂરું થાય પછી બેસવા જઈએ.’ આરતીએ આસીમને કહ્યું. બંને ઊભા રહ્યા, ગીતને માણતા રહ્યા.

    ‘અરે તને ખબર છે, તું ક્યાં જાય છે? કોને સમજાવવા જાય છે?...’ ‘અરે, આમની જોડે ક્યાં મગજમારી કરવાની તું?...’ ‘એક જ દિવસ છે ને જવા દે ને બહેન...’ આવા વાક્યો આડોશી-પાડોશીઓએ કાશ્મીરાને કહ્યા. હમણાં ફેસબુક ફ્રેન્ડ્ઝનું એક અવલોકન વાંચ્યું. વાત જાણ એમ હતી કે કાશ્મીરાની દીકરી બોર્ડની પરીક્ષા આપી રહી હતી. સ્વાભાવિક છે કે બધાની જેમ એને પણ ચિંતા હોય કે દીકરી શાંતિથી-સ્વસ્થતાથી ભણે અને એકાગ્ર થઈને વાંચે. આખું ય વર્ષ બધાની જેમ એમણે પણ ઘરમાં બાળકને આ માટે યોગ્ય વાતાવરણ આપ્યું હતું. હવે અભિમન્યના કોઠા ભેદવા જેવી અઘરામાં અઘરી પરીક્ષાઓ ચાલી રહી હતી. અડધા પેપર પુરા થયા હતા અને અડધા બાકી હતા. દીકરી પોતાની રીતે ખુબ મહેનતુ-હોંશિયાર એટલે એ પણ વાંચવામાં ધ્યાન આપતી હતી.

    સાહેબ, ડીનરમાં ભલે થોડું મોડું થાય, અમારા સહુની ઇચ્છા છે કે આપ હજી પંદરેક મિનિટ વાતો કરો, અમારે આપને વધુ સાંભળવા છે.’ આ વાતને શ્રોતાઓએ પણ વધાવી અને વક્તાએ વધુ પંદર મિનિટ મૂળ વિષયની વાત કરી... વક્તા હતા ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી - લેખક અને વક્તા વી. એસ. ગઢવી. અમદાવાદ–ગાંધીનગરના સૂર-શબ્દ પ્રેમીઓ સમક્ષ તેઓ ‘ઝવેરચંદ મેઘાણીની સરવાણી’ વિષય પર વાતો કરી રહ્યા હતા.

    ‘મહારાજ, કાંઈ સમજણ પડતી નથી. વારેવારે મારી સાથે કેમ આવું થાય છે?’ અનિકેતે એમના મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણ જયદેવભાઈને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘અરે, તમારા જેવા અનુભવી માણસે તો એમ વિચારવું જોઈએ કે કરેલા સારા કર્મોએ તમને ઉગાર્યા. પરિણામે શારીરિક-આર્થિક નુકસાની થાય છે પણ સાવ ઓછી, અને તમે તુરંત ફરી બેઠા થઈ જાવ છો. છતાં, એક કામ કરો... જ્યારે જ્યારે મનમાં આવા પ્રશ્નો ઉદભવે ત્યારે ત્યારે તમે જેનો નિયમિત પાઠ કરો છો, એ પુસ્તકમાંથી એક પ્રસંગનું ફરી ફરી વાંચન કરીને સારગ્રહણ કરજો..’ 

    ‘અમે અત્યાર સુધી તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હજી પણ કરીશું...’ ‘અમારે યુવાનોને કહેવું છે કે બીજા બધા કામ પડતા મૂકજો પણ મતદાન તો કરજો જ...’ ‘લોકતંત્રને મજબૂત કરવું હશે તો મતદાન કરવું જ પડશે...’ આ અને આવા વાક્યો જુસ્સાભેર બોલનારા મતદારોની ઊંમર એકસો વર્ષથી વધુની છે. ભાનુબહેન સોમગીરી, નટવરલાલ પાઠક, મશરૂકફન અન્સારી, કુંવરબેન મકવાણા, લીલાબહેન પટેલ, જશોદાબહેન ત્રિવેદી, રામદાસ જઠાર જેવા શતાયુ મતદારો એક જ સ્થળે એકત્રિત થયા હતા. અવસર હતો અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના ઉપક્રમે યોજાયેલા શતાયુ મતદાર સન્માન સમારોહનો.