શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી. આ પ્રસંગે £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ઇલિંગ નોર્થના એમપી સ્ટીફન પાઉન્ડ, ભુજ મંદિરના કોઠારી ભગવદપ્રિયદાસજી સ્વામી, બાર્નેટના મેયર કાઉન્સિલર માર્ક શૂટર, યુકેમાં જન્મેલા શાસ્ત્રી ઘનશ્યામપ્રસાદજી, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ તેમજ અન્ય સંતો અને રાજકારણીઅો ઉપસ્થિત રહ્યા હતા.