રિયો પેરાલિમ્પિકમાં હાઇ જમ્પમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ૨૨ વર્ષનો મરિયપ્પન થાંગાવેલુ રાષ્ટ્રીય અખબારોમાં છવાઇ ગયો છે. ગોલ્ડ મેડલ સુધી પહોંચવા માટે તેણે જે લાંબી મજલ કાપીને અને તેની માતાએ જે સંઘર્ષ કર્યો છે તે સહુ કોઇ માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે. મરિયપ્પને ટી-૪૨ વર્ગમાં આ સિદ્ધિ મેળવી છે, આ કેટેગરીમાં તેવા એથ્લીટનો સમાવેશ થાય છે, જેમના શરીરના નીચેનો ભાગ વિકલાંગ હોય છે. મરિયપ્પને ગયા માર્ચમાં ટયુનિશિયામાં યોજાયેલી ગ્રાં-પ્રિમાં ૧.૭૮ મીટરનો જમ્પ લગાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે રિયો પેરાલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
ઇંગ્લેન્ડના લેન્કેશાયર ડિસ્ટ્રિક્ટના બોલ્ટનમાં રહેતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામના વતની ઇસ્માઇલ ભડના ૧૯ વર્ષીય પુત્ર હબિબે ઇંગ્લેડની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આગામી ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં તે ઇંગ્લેન્ડ તરફથી મેદાનમાં ઉતરશે.
ભારતના દેવેન્દ્ર ઝાઝરિયાએ રિયો પેરાલિમ્પિકમાં જેવલિન થ્રો એફ-૪૬ કેટેગરીમાં પોતાનો જ ઓલિમ્પિક રેકોર્ડ તોડતાં ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતીને ભવ્ય સિદ્ધિ મેળવી છે. મૂળ રાજસ્થાનના વતની એવા દેવેન્દ્રે ૨૦૦૪માં એથેન્સ પેરાલિમ્પિકમાં રેકોર્ડ ૬૨.૧૫ મીટર સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેણે ૬૩.૯૭ મીટર જેવલિન ફેંકીને પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કરીને નવો વિક્રમ સર્જ્યો હતો. વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતો ૩૬ વર્ષનો દેવેન્દ્ર હાલ ગુજરાતમાં ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયા (સાઇ)માં જ્વેલિન થ્રોના કોચ તરીકે ફરજ બજાવે છે. દેવેન્દ્ર બે ઓલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી તો બન્યો જ છે. સાથોસાથ હવે તેને વિશ્વમાં નંબર વન પેરાલિમ્પિક ખેલાડી બનવાની તક મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેવેન્દ્રને અભિનંદન આપતા લખ્યું હતુંઃ દેશને તેની ઐતિહાસિક સિદ્ધિ માટે ગૌરવની લાગણી છે.’
અમદાવાદઃ શહેરના આંગણે આજથી શરૂ થઇ રહેલા કબડ્ડી વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કાંકરિયા વિસ્તારમાં સાકાર થયેલા આધુનિકતમ ટ્રાન્સ સ્ટેડિયામાં યોજાઇ રહેલા આ વર્લ્ડ કપમાં વિશ્વની કુલ ૧૨ ટીમો ભાગ લઈ રહી છે. યજમાન ભારત અને સાઉથ કોરિયા વચ્ચેના પ્રથમ મુકાબલા સાથે કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૭માં વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતીય ટીમ આ વખતે પણ વિજય માટે ફેવરિટ ગણાય છે. વર્લ્ડ કપની પૂર્વસંધ્યાએ તમામ ૧૨ ટીમના કેપ્ટનોએ વિશ્વભરમાં આ રમતને લોકપ્રિય બનાવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ કપમાં ભારત ગ્રૂપ-એમાં છે, જેમાં સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના સામેલ છે. ગ્રૂપ-બીમાં મજબૂત ગણાતી ઈરાન સાથે યુએસએ, કેન્યા, જાપાન, થાઈલેન્ડ અને પોલેન્ડની ટીમ છે. લીગ રાઉન્ડમાં તમામ ટીમો પાંચ-પાંચ મેચ રમશે અને બન્ને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિ-ફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે.
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓફ-સ્પીનર રવિચંદ્રન અશ્વિન આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. ૯૦૦ પોઈન્ટ સાથે તેણે આ સ્થાન મેળવ્યું છે. ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં પ્રશંસનીય દેખાવ કરવા સાથે તેણે આ સિદ્ધિ મેળવી છે. આઈસીસી રેન્કિંગમાં ૯૦૦ પોઈન્ટ મેળવનાર તે પહેલો ભારત ખેલાડી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની સિરીઝમાં કુલ ૬૦ વિકેટો પડી હતી, જેમાંથી ૪૫ ટકા એટલે કે ૨૭ વિકેટ તેણે ઝડપી છે. અશ્વિને ઈન્દોર ટેસ્ટમાં તો ૧૪૦ રન આપી ૧૩ વિકેટ ઝડપી હતી. આમ તે મેન ઓફ ધ મેચ સાથે સાથે મેન ઓફ ધ સિરીઝ પણ જાહેર થયો હતો. અશ્વિને સાતમી વખત મેન ઓફ ધ સિરીઝ સન્માન મેળવ્યું છે. ઈન્દોર ટેસ્ટ પૂરી થતાં જ તે રેન્કિંગ પોઈન્ટમાં ૪૧ ક્રમના ઉછાળા સાથે ૯૦૦ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ૯૦૦ પોઈન્ટ મેળવનાર અશ્વિન પહેલો ભારતીય ખેલાડી છે.
અમદાવાદ શહેરમાં યોજાયેલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઇરાનને ૩૮-૨૯થી પરાજય આપીને ટાઇટલની હેટ્રિક કરી છે. ભારત અને ઇરાન આ પહેલાં ૨૦૦૪ અને ૨૦૦૭માં વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાયા હતા અને બન્ને વખતે ભારતે વિજય સાથે ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ભારતનો સ્ટાર ખેલાડી અજય ઠાકુર રહ્યો હતો, જેણે ૧૨ રેઇડ પોઇન્ટ મેળવ્યા હતા.
પાકિસ્તાની ક્રિકેટ રસિયાઓ અને ચાહકોને આગામી વર્ષે શાહિદ આફ્રિદીની રમત જોવા નહીં મળે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ખેલાડીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયા છે અને કેટલાક ખેલાડીઓ સાથે નવેસરથી કરાર કરાયા છે. જોકે પાકિસ્તાન બોર્ડે શાહિદ આફ્રિદી અને સઈદ અજમલ સાથે કોઇ કોન્ટ્રાક્ટ કર્યો નથી. પાકિસ્તાન ક્રિકટે બોર્ડનો આ નિર્ણય સૂચવે છે કે, ૨૦૧૬-૧૭ માટે કરાયેલા કરારોમાંથી આફ્રિદી અને અજમલને બહાર રાખીને તેમને શાનમાં સમજાવી દેવાયું છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રવિવારે જાહેર કરાયેલા વન-ડે રેન્કિંગમાં ભારતીય બોલરોએ મોટી છલાંગ લગાવી છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સૌથી મોટો ફાયદો થયો છે અને તે ૨૯ સ્થાનના કુદકા સાથે ૫૭મા સ્થાને પહોંચ્યો છે. ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે સિરિઝમાં ૧૫ વિકેટ ઝડપનાર અમિત મિશ્રાએ પણ ૨૫ સ્થાનનો ફાયદો થયો છે અને તે ટોપ-૨૦માં પહોંચ્યો છે. જ્યારે ગુજરાતના અક્ષર પટેલે પાંચ સ્થાનના ફાયદા સાથે પ્રથમ વખત ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે.
ઈરાનમાં મહિલાઓ માટે હિઝાબ પહેરવાનો નિયમ ફરજીયાત બનતા ભારતીય શૂટર હિના સિદ્ધુએ આગામી ડિસેમ્બરમાં ઇરાનના તહેરાનમાં યોજાનાર એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. હિનાએ કહ્યું હતું કે, ટૂરિસ્ટ અથવા વિદેશી મહેમાનોને હિઝાબ પહેરવા માટે મજબૂર કરવા તે રમત ભાવનાથી વિરુદ્ધ છે. મને આ મંજૂર ન હોવાથી મેં ચેમ્પિયનશિપમાંથી મારું નામ પરત ખેંચી લીધું છે.
મહેંદી હસન મિરાઝની ઘાતક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડને માત્ર ૧૬૪ રનમાં ઓલઆઉટ કરી બાંગ્લાદેશે બીજી ટેસ્ટ મેચ ૧૦૮ રને જીતી છે. આ વિજય સાથે બાંગ્લાદેશે બે મેચની સિરીઝ ૧-૧થી ડ્રો પણ કરી છે. બાંગ્લાદેશની ઇંગ્લેન્ડ સામે આ દસમી ટેસ્ટ મેચ હતી, જેમાં આ તેનો પ્રથમ વિજય છે.
