તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ભલે રમતના મેદાનમાં દેખાવથી માંડીને કમાણી કરવાના મુદ્દે વૈશ્વિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતું હોય, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેને કદ પ્રમાણે વેતરી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે. આઇસીસીએ તાજેતરમાં જાહેર કરેલા નવા આર્થિક માળખામાં ભારતને થતી નાણાકીય ફાળવણીમાં તોતિંગ કાપ મૂકાયો છે.  નવા નાણાકીય સેટઅપ મુજબ ભારતને આવતા આઠ વર્ષ સુધી એટલે કે ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે ૨૯૩ મિલિયન ડોલર મળશે. અગાઉ બીસીસીઆઇને દર વર્ષે ૫૭૦ મિલિયન ડોલર મળતા હતા. મતલબ કે ૨૭૭ મિલિયન ડોલરના આ કાપને રૂપિયામાં મૂલવીએ તો આ નુકસાન પ્રતિવર્ષ ૩૪૦૦ કરોડ રૂપિયાનું છે. આ નાણાંકીય માળખાનો પ્રારંભથી જ વિરોધ કરી રહેલા ભારતે ક્રિકેટ-મિત્ર દેશોની મદદથી આ પ્રસ્તાવને ઉડાવી દેવાની યોજના તો બનાવી હતી, પણ આઇસીસીએ એવી ચાણક્યનીતિ અપનાવી કે મતદાન વેળા શ્રીલંકા સિવાય કોઇએ ભારતને સાથ આપ્યો નહીં. અને આઇસીસીના નવા આર્થિક માળખાને માન્યતાને મળી ગઇ છે. 

    આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને છેવટે દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના ઓછાયે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. કાયમ પ્રતિસ્પર્ધી પક્ષોના અઢારેય અંગ વાંકા નિહાળતા રહેલા કેજરીવાલે કબૂલ્યું છે કે તેમનાથી ભૂલો થઇ છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે આમ આદમી પાર્ટી (‘આપ’) હવે આત્મનીરિક્ષણ કરશે અને આ ભૂલો પણ સુધારશે. ‘આપ’ જ નહીં, દરેક પક્ષ ભૂલ કરતો હોય છે. ફરક બસ એટલો જ હોય છે કે કોઇ ભૂલ કર્યા બાદ પણ તેમાંથી ધડો લેવાના બદલે પોતાનું જ વાજું વગાડ્યા કરે છે તો સમજદાર નેતૃત્વ તેમાંથી બોધપાઠ લઇને નવેસરથી મેદાનમાં ઝૂકાવતા હોય છે. કેજરીવાલ પણ હવે પહેલો મારગ છોડીને બીજો મારગ અપનાવવા તૈયાર થયા છે. 

    અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જનરલ એ. આર. મેકમાસ્ટર તાજેતરમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો પવનવેગી પ્રવાસ કરી ગયા. વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રતિનિધિ આતંકવાદગ્રસ્ત દેશોના પ્રવાસે હોવાથી સ્વાભાવિક જ એશિયાભરના સુરક્ષા નિષ્ણાતોની તેમના પર નજર હતી. સવિશેષ તો ભારતને આશા હતી કે અમેરિકી એનએસએ આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને આકરો સંદેશ આપશે, પરંતુ અફસોસ આ આશા-અપેક્ષા ઠગારી નીવડી છે. ટ્રમ્પ સરકારે ભલે હજુ આ ક્ષેત્ર માટેનો પોતાનો દષ્ટિકોણ સ્પષ્ટ કર્યો ન હોય, પરંતુ મેકમાસ્ટરના પ્રવાસનો નિષ્કર્ષ સ્પષ્ટ કરે છે કે ભારતમાં આતંકવાદ ફેલાવતા સંગઠનોને નાથવાની પાકિસ્તાનને ફરજ પાડવાનો મુદ્દો હજુ અમેરિકાના પ્રાયોરિટી લિસ્ટમાં નથી. તેને તો બસ અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં અને અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને ખતમ કરવામાં જ રસ છે. 

    રામજન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારતની સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ રજૂ કરેલી અરજી સ્વીકારતાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત અન્યો સામે માળખું તોડી પાડવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચવાનો કેસ ચાલશે. ભારતીય રાજકારણ પર દૂરોગામી અસર પાડે તેવા ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે કેસમાં પહેલાંથી જ વિલંબ થઈ ચૂક્યો છે. આથી કેસની સુનાવણી દરરોજ કરીને બે વર્ષમાં નિવેડો લાવવાનો રહેશે. કેસને રાયબરેલીથી લખનઉની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરતાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઇ જજની બદલી ન કરવી કે કોઇ નક્કર કારણ વગર સુનાવણી મુલત્વી રાખવી નહીં. સુપ્રીમ કોર્ટનો અભિગમ વિલંબના મુદ્દે તેની ગંભીરતા દર્શાવે છે.

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દસકાઓ જૂના સંબંધોમાં વડા પ્રધાન શેખ હસીનાના તાજેતરના ભારત પ્રવાસે સોનેરી પ્રકરણ ઉમેર્યું છે એમ કહી શકાય. બન્ને દેશો વચ્ચે અનેકવિધ ક્ષેત્રે અરસપરસ સહયોગ માટે ૨૨ સમજૂતી કરાર થયા છે. આ કરારોથી સંરક્ષણ, બિનલશ્કરી પરમાણુ સહયોગ અને વેપાર-વણજથી માંડીને આર્થિક સહયોગ મજબૂત થશે. ભારતે બાંગ્લાદેશને ૪.૫ બિલિયન ડોલરનું ધિરાણ નજીવા વ્યાજદરે આપવાની જાહેરાત કરી છે. તો સૈન્યસામગ્રીની જરૂરત સંતોષવા વધારાનું ૫૦ કરોડ ડોલરનું ઋણ પણ આપશે. આ ઉપરાંત કોલકાતા-ખુલના રેલ સેવાનો આરંભ થયો. અને પાટનગર નવી દિલ્હીમાં એક માર્ગને શેખ હસીના વાજેદના પિતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબ-ઉર-રહેમાનનું નામકરણ થયું.

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં આઠ રાજ્યોમાં ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણી પરિણામોથી ન તો કોઇ રાજ્યમાં સરકારનું પતન થયું હોય કે ન તો કોઇ રાજ્યમાં નવી સરકારની રચના થઇ હોય, પરંતુ પરિણામો દર્શાવે છે કે કેન્દ્રમાં સત્તાધારી ભાજપનો દબદબો હજી યથાવત્ છે. રાજકીય પક્ષોને પોતાના નબળાં-સબળાં પાસાનું ભાન કરાવી દેતા આ પરિણામોમાં ભાજપે ૧૦માંથી પાંચ બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે. 

    અમેરિકાએ સાતમી એપ્રિલે સીરિયાના ઇદલિબ એરબેઝ પર ૬૦ ટોમહોક ક્રૂઝ મિસાઇલ ઝીંક્યા તેની જગતભરમાં ચર્ચા ચાલી. કેટલાકે તો આ પગલાંને ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં પહેલું પગલું પણ ગણાવ્યું છે. જોકે સૌથી અફસોસજનક બાબત તો એ છે કે મિસાઇલ હુમલાના આ સમાચારોના દેકારામાં રાસાયણિક હુમલાનો ભોગ બનેલા ઇદલિબના નિર્દોષ નાગરિકોની દર્દભરી ચીસ દબાઇ ગઇ છે. સીરિયામાં બળવાખોર જૂથોના અંકુશ હેઠળના ઇદલિબ પ્રાંતમાં ચોથી એપ્રિલે રાસાયણિક બોમ્બ વડે હુમલો કરાયો. આમાં ૧૦૦ જણા અબાલવૃદ્ધ માર્યા ગયાના અહેવાલ છે. 

    મહાસત્તા અમેરિકાએ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પ્રવર્તતો તણાવ ઘટાડવા બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયારી દર્શાવી છે. અને ભારતે વિવેકપૂર્ણ પરંતુ મક્કમતા સાથે અમેરિકાની આ ઓફરને નકારી દીધી છે. ઓબામા સરકારની વિદાય, અને ટ્રમ્પ સરકારના આગમન સાથે અમેરિકી વલણમાં આવેલું આ પરિવર્તન નોંધનીય છે. અમેરિકાના આ ‘ઉત્સાહ’નું સાચું કારણ તો તે જ જણાવી શકે, પરંતુ એક કારણ એવું માની શકાય કે આંતરિક પડકારો, ચિંતાઓથી ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કંઇક એવું કરવા માગે છે કે જેથી દુનિયામાં તેની છબિ ઉજળી બનીને ઉભરે. 

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે તાજેતરમાં સૂચક નિવેદન કર્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિજયરથ અટકાવવો હશે તો વિરોધ પક્ષોએ મહાગઠબંધન રચવું પડશે. આમ જૂઓ તો ઐયરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના શબ્દોનું જ પુનરાવર્તન કર્યું છે. પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરની ચૂંટણીમાં ભાજપના જ્વલંત દેખાવ બાદ અબ્દુલ્લાએ આવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. અબ્દુલ્લાએ તો વધુ આકરા શબ્દોમાં કહ્યું હતું કે (વિપક્ષે) ૨૦૧૯ની ચૂંટણી ભૂલી જઇને અત્યારથી જ ૨૦૨૪ની તૈયારીમાં લાગી જવું જોઇએ. 

    જમ્મુ અને કાશ્મીરમાં ખીણ પ્રદેશમાં વધુ એક વખત અશાંતિનો માહોલ સર્જાયો છે, અને આવા માહોલ દરમિયાન - છેલ્લા કેટલાક સમયથી બનતું રહ્યું છે તેમ - ફરી એક વખત સુરક્ષા દળોની પેલેટ ગન સમાચારોમાં ચમકી છે. અલબત્ત, આ વખતે સુપ્રીમ કોર્ટના એક સૂચનના કારણે પેલેટ ગન ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે સૂચવ્યું છે કે કાશ્મીર ખીણમાં તોફાની પ્રદર્શનકારીઓને અંકુશમાં રાખવા માટે સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતી પેલેટ ગનનો વિકલ્પ શોધવો જોઇએ, જેથી કોઇને ગંભીર શારીરિક નુકસાન ન પહોંચે. માનવીય દૃષ્ટિકોણથી વિચારતાં સર્વોચ્ચ અદાલતનું આ સૂચન ચોક્કસ આવકાર્ય છે, પરંતુ આ કિસ્સામાં આંધળે બહેરું કુટાઇ રહ્યું હોય તેવી છાપ ઉપસે છે. વિરોધ પ્રદર્શનકારી કંઇ સામાન્ય દેખાવકારો નથી. તેઓ તેમની નાની-મોટી માગણી મંજૂર કરાવવા રસ્તા પર ઉતરી પડ્યા છે તેવુંય નથી. કાશ્મીર ખીણમાં પેલેટ ગનનો ઉપયોગ એવા લોકો સામે થઇ રહ્યો છે, જેઓ સુરક્ષા દળો પર પથ્થરમારો કરી તેમની કામગીરી અવરોધી રહ્યા છે. પથ્થરમારો કરી અશાંતિ ઉભી કરવાનું એક અને એકમાત્ર કારણ એ હોય છે કે આતંકવાદીઓને ભાગવાનો મોકો મળી રહે.