ઈસુના નવા વર્ષ ૨૦૧૯નું આગમન થઈ ગયું છે. દર નવા વર્ષે સંકલ્પો કરવાની એક પ્રથા બની છે. તેનું પાલન કે અમલ થતો નથી તે અલગ બાબત છે. આપણે આ નૂતન વર્ષે કેટલાક વિશેષ સંકલ્પ કરીએ અને તેનું પાલન કરવાના પ્રયાસ પણ અવશ્ય કરીએ. આ સંકલ્પ આપણે વ્યક્તિગત અને સમાજની દષ્ટિએ કરવાના છે. આપણા માટે યુકે કર્મભૂમિ છે તો ભારત જન્મભૂમિ છે. બંને આપણાં વતન છે. આપણે બંને દેશ તેમજ સમગ્ર વિશ્વના નાગરિકો પ્રત્યે સદ્ભાવ અને સોહાર્દની ભાવના કેળવીએ અને દેશના કાયદાઓનું પાલન કરીએ.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને ત્રણ મહત્ત્વના રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો મોટો ઝાટકો વાગ્યો છે. ભાજપના રણનીતિકારો હારના કારણો શોધી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને પક્ષના કેટલાક નેતાઓ આ હાર માટે ખેડૂતોની નારાજગીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તામાં આવતાની સાથે જ વચન મુજબ ખેડૂતોની દેવાંમાફી શરૂ કરી દીધી છે. હવે આ ગાડરિયો પ્રવાહ આગામી લોકસભા ચૂંટણીમાં વેગ પકડશે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરનાં ખેડૂતોના દેવાંમાફ નહિ થાય ત્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિથીં ઊંઘવા નહીં દેવાનો પડકાર ફેંકતાં વચન આપ્યું છે કે આગામી ચૂંટણીમાં જો તેમનો પક્ષ સત્તા પર આવ્યો તો તમામ કૃષિલોન માફ કરી દેવાશે. ખરાબ ઋતુચક્ર, પાક પાછળ વધુ ખર્ચ અને કૃષિપેદાશના મળતા ઓછાં ભાવ, બેન્કો અને શાહુકારોના કરજનું મોટું ભારણ જેવાં કારણોના કમરતોડ ફટકા ખાઇ રહેલા ખેડૂતો હવે સંવેદનશીલ મતબેન્ક બન્યા હોવાનું જણાય છે.
બહુ જાણીતી કહેવત છે કે ‘જેનો અંત સારો તેનું બધું સારું’. ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રફાલ ફાઈટર જેટ સોદાના વિવાદ મુદ્દે આટલું તો આશ્વાસન લઈ શકે તેમ છે કારણ કે સુપ્રીમ કોર્ટે ફ્રાન્સ સરકાર સાથે રફાલ સોદામાં થયેલી કથિત અનિયમિતતા મામલે સીબીઆઇ તપાસ કરવા સહિતની અપીલો એકમતે ફગાવી છે. એટલું જ નહિ, સરકારને ક્લીન ચિટ પણ આપી દેતાં સ્પષ્ટ કર્યું છે કે સોદામાં કોઈ કૌભાંડ થયું નથી. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ સહિતના વિપક્ષે રફાલ સોદામાં કથિત ગેરરીતિના મુદ્દાને ચગાવ્યો હતું. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી મોદી સરકારને ભારે રાહત મળી છે.
ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તો મે- ૨૦૧૯માં યોજાવાની છે પરંતુ, તે અગાઉ કેન્દ્રની એનડીએ સરકાર માટે લિટમસ ટેસ્ટ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓએ આગામી લોકસભા પરિણામો કેવાં હોઈ શકે તેની એક ઝલક દર્શાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર હતી, જેમાંથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ ૧૫ વર્ષથી શાસન પર હતો. રાજસ્થાનમાં તો દર પાંચ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની લગભગ ફેરબદલીનો ટ્રેન્ડ રહ્યો છે તે આ વર્ષે પણ જોવા મળ્યો છે. વર્તમાન ચૂંટણીના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવશે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને દક્ષિણના રાજ્ય તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની બહુમત સરકારો રચાશે તે પણ નિશ્ચિત થયું છે. આમ, ભાજપએ ત્રણ રાજ્યમાં અને કોંગ્રેસે એક રાજ્યમાં સત્તા ગુમાવી છે. સામા પક્ષે તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવના પક્ષ (TRS)ની સત્તા જળવાઈ રહી છે.
ભારત અને વિશેષતઃ ગુજરાત માટે આનંદના સમાચાર ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ દ્વારા આપવામાં આવ્યા છે કે આગામી બે દસકા એટલે કે ૨૦૧૯થી ૨૦૩૫ના ગાળામાં ભારે પ્રગતિ અને વિકાસ સાધનારા વિશ્વનાં શહેરોમાં ટેક્સ્ટાઈલ સિટી સુરત અને ઈજનેરી સિટી રાજકોટનો સમાવેશ થાય છે. દર વર્ષે વધી રહેલી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ (GDP)ના આધાર સાથેનો રિપોર્ટ એમ કહે છે કે વિશ્વના સૌથી ઝડપે વિકસતાં ૨૦ શહેરોમાંથી ભારતના ૧૭ શહેર છે. પ્રથમ ૧૦ની યાદીમાં પણ ભારતીય શહેરો છે અને તેમાં પણ સુરતનો પ્રથમ ક્રમ છે. અહેવાલ આનંદ સાથે ગૌરવ અપાવે તેવા છે. જોકે, વિશ્વના મહાનગરોના વિકાસની સરખામણીએ ભારતીય શહેરોનો વિકાસ ઓછો જ ગણાશે, પરંતુ ન્યૂ યોર્ક, લંડન કે પેરિસ જેવાં મહાનગરોનો વિકાસ લગભગ સ્થગિત થઈ રહ્યો છે ત્યારે ભારતીય શહેરોનો ઝડપી વિકાસ આંખે ઉડીને વળગે તે સ્વાભાવિક છે.
પાકિસ્તાનસ્થિત શીખ ધાર્મિક સ્થળ કરતારપુરની મુલાકાત લઈ શકાય તે માટેના ખાસ કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના હસ્તે કરવામાં આવ્યો છે. પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત, ભારત સરકારના બે પ્રધાન હરસિમરતકોર બાદલ અને હરદીપસિંહ પૂરીએ આ કાર્યક્રમાં હાજરી આપી હતી. ભારત તરફથી પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય સીમામાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કોરિડોર આગામી વર્ષમાં તૈયાર થઈ જશે તેમ મનાય છે. ભારત અને પાકિસ્તાનની પ્રજાઓ વચ્ચે સંપર્ક સર્જાય તે માટે આ સારું પગલું છે પરંતુ, તેનો વિવાદ ઉભો કરવો તે સારું નથી.
વિશ્વના સૌથી મોટા આર્થિક સંમેલન જી-૨૦ની શિખર પરિષદ આર્જેન્ટિનામાં યોજાઈ, જેમાં ભારતને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને જાપાન અને બીજી તરફ, રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને રાજદ્વારી મુત્સદી દર્શાવવા સાથે ભારતના વિશ્વસ્તરે વધી રહેલા મહત્ત્વને નક્કરતા બક્ષી છે.
રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત જમીનના ટાઈટલ મુદ્દે સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯માં લઈ જવાનો નિર્ણય લેવાયો તેના કારણે થયું હોવાનો એક મત છે. સુપ્રીમ કોર્ટમાં ટાઈટલ મુદ્દે સુનાવણી ૨૯ ઓક્ટોબરથી શરૂ થવાની હતી, પરંતુ તેમ થયું નથી. રામમંદિરના નિર્માણ એટલે વિવાદિત જમીન માલિકીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સરકાર કે રામમંદિર સાથે જોડાયેલો કોઇ પણ પક્ષ રામ મંદિર ક્યારે બનશે એ કહી શકે એમ નથી.
તાજેતરમાં જ પંજાબના અમૃતસર જિલ્લાના નિરંકાર સત્સંગ ભવન પર ગ્રેનેડના હુમલાએ ભારે વમળો સર્જ્યાં છે. ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા જ નરેન્દ્ર મોદી સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે પાકિસ્તાનની આર્મી, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ જેવાં અલગતાવાદીઓ સહિત ભારતવિરોધી પરિબળો સક્રિય બની ગયા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતાં ભારતના રાજ્ય પંજાબમાં બહારથી પરિસ્થિતિ ભલે થાળે પડેલી જણાતી હોય, પરંતુ આતંકવાદી હલચલના અંગારા જલતા જ રહે છે. તેના પૂરાવા આ ગ્રેનેડ હુમલામાંથી મળી રહે છે.
વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા ૧૪ અને ૧૫ નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લીધી હતી. પ્રાદેશિક શાંતિ, સલામતી અને સમૃદ્ધિના ધ્યેયોને આગળ વધારવાના સંકલ્પ સાથે ઈસ્ટ એશિયા સમિટનો આરંભ ૨૦૦૫માં થયા પછી ભારતે સતત ૧૩ વર્ષ અને વડા પ્રધાન મોદીએ પાંચમી વખત આ શિખર પરિષદમાં ભાગ લીધો છે.
