ઈસુનું વર્ષ બદલાઈ રહ્યું છે અને વિશ્વમાં રાજકીય પ્રવાહોનો સમય પણ બદલાઈ રહ્યો છે. એક સમયે ‘મદારી, નાગાપૂંગા લોકો અને ફકીરોના દેશ’ ગણાયેલા ભારતની વિશ્વમાં કોઈ ગણના જ થતી ન હતી. અમેરિકા, રશિયા હોય કે ચીન, બ્રિટન હોય કે ફ્રાન્સ, બધા દેશો પોતાની જરુરિયાત પૂરી થાય એટલે ભારતને ડફણાં મારતા જરા પણ અચકાતા ન હતા. આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. ભારત કોઈ પણ દેશ સામે પોતાનો મજબૂત અને નિર્ણાયક મત જાહેર કરતા અચકાતું નથી કારણકે તે કોઈનું ખંડિયુ રાજ્ય નથી, સાર્વભૌમ રાષ્ટ્ર છે. ચીન સરહદી વિવાદ આગળ ધરીને ભારતને ડારો દેવા લડાખ સીમાએ સૈન્યનો જમાવડો કરી રહ્યું છે તો સામે ભારતે પણ લશ્કર અને સામરિક સામગ્રી ખડકી દીધી છે. ભારતની ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ની નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ૧૯૬૨નું મજબૂર કે ગભરું ભારત નહિ પરંતુ,વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ભારત છે, જે આંખ કાઢનારની આંખોના ડોળા પણ ખેંચી લઈ શકે છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ગુજરાતનું કચ્છ એક સમયે માત્ર તેના રણપ્રદેશના કારણે જ ઓળખ ધરાવતું હતું હતું પરંતુ, હવે રણની સાથોસાથ ટેકનોલોજી અને વિકાસના નકશામાં પણ કચ્છનું નામ આલેખાયું છે. દેશ અને ગુજરાતના ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રોમાં તેણે સ્થાન મેળવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નવી ઓળખ આપી ‘કચ્છડો બારે માસ’ને ચરિતાર્થ કર્યું છે. કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ખાવડા નજીક દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ અનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરાયું છે. આ પાર્ક કાર્યરત થશે ત્યારે માત્ર ગુજરાત નહિ, ભારતને પણ પોતાના ઊર્જા લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા મેળવવા રાખેલા લક્ષ્યાંકને પાર પાડવામાં આ પાર્કનો ફાળો મહત્ત્વપૂર્ણ ફાળો બની રહેશે. એ પણ ઉલ્લેખનીય છે કે ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી કચ્છને ફરી બેઠું કરી વિકાસમાર્ગે દોડાવવામાં તત્કાલીન મુખ્યપ્રધાન મોદીની જહેમત અને દિશાસૂચનો કદી ભૂલી શકાય તેમ નથી.
ભારતના પડોશી અને સદીઓ જૂના સાંસ્કૃતિક, પ્રજાકીય અને ઐતિહાસિક સંબંધો ધરાવતા દેશ નેપાળનું રાજકારણ હાલ ગરમાયેલું છે. વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાનો નિર્ણય લેતા બંધારણીય કટોકટી સર્જાઈ છે.
ગત પાંચ વર્ષથી બ્રેક્ઝિટના મુદ્દે સમગ્ર યુરોપના રાજકારણમાં હલચલ ચાલી રહી હતી ત્યારે આખરે બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક બ્રેક્ઝિટ વેપાર સમજૂતી શક્ય બનતા મડાગાંઠનો ઉકેલ આવ્યો છે. ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરિયડ પૂરો થયો અને નવા વર્ષની શરુઆત થવા સાથે બ્રિટન અને ઈયુના સંબંધોમાં ભારે પરિવર્તન આવી જશે. ઈયુ અને યુકે સાથે રહેવાં છતાં સાથે ન હોય તેવી પરિસ્થિતિમાંથી પસાર થશે. કોઈ પણ સંધિ કે સમજૂતી ‘ગીવ એન્ડ ટેક’ના સિદ્ધાંત પર રચાય છે. ઈયુ અને બ્રિટને પણ માગણીઓ કે આગ્રહોમાં નાનીમોટી બાંધછોડ કરવી પડી છે પરંતુ, ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ એમ અવશ્ય કહી શકાય.
આખરે કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટ એટલે કે નવા સ્ટ્રેને ઈંગ્લેન્ડમાં તરખાટ મચાવતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કઠોર લોકડાઉન લાદવાની ફરજ પડી છે. આ લોકડાઉનની વિષમ અસર મંદીની માંદગીમાંથી માંડ બેઠાં થયેલાં અર્થતંત્ર પર પડશે તેમાં કોઈ શંકા નથી. સ્ટે-એટ-હોમ લોકડાઉન ઓછામાં ઓછું ફેબ્રુઆરી સુધી તે અમલમાં રહેશે અને તે પછી પણ લંબાવાય તેવી દહેશત છે.
ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ મજબૂત અવશ્ય બનાવી છે પરંતુ, ક્યાંક તાણાવાણાની કચાશ નજરે પડે જ છે. ઈન્ડો પાસિફિક વિસ્તારમાં ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે ભારતના હિતમાં નથી અને આ કારણે જ અમેરિકા સાથે ભારતના સંબંધો ‘વૈદ-ગાંધીનું સહિયારું’ પ્રકારના છે. અમેરિકાને પણ ચીનનો વધતો આર્થિક અને રાજકીય પ્રભાવ ખાળવા ભારતની જરુર છે. આ પ્રયાસમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ થવાના પરિણામે ‘AIJA’નો ઉદ્ભવ થયો છે.
વિશ્વના જમાદાર ગણાતા અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકશાહીને જ શરમમાં રાખી દે તેવું રાષ્ટ્રવિરોધી ગણાવી શકાય તેવા કૃત્યથી પોતાની સત્તાલાલસા છતી કરી છે. મતદાનના ૬૪ દિવસ પછી ૬ જાન્યુઆરીએ રિપબ્લિકન પાર્ટીના જો બાઈડન અને કમલા હેરિસના વિજયને બહાલી આપવામાં વ્યસ્ત અમેરિકી સંસદની બેઠક વેળાએ ટ્રમ્પના સમર્થકોએ હિંસાનું જે કલંકિત તાંડવ ખેલ્યું તેનાથી લોકશાહી સમર્થકો અને ખુદ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના મસ્તક શરમથી ઝૂકી ગયા છે. ટ્રમ્પના સમર્થકો આપમેળે આવ્યા ન હતા. ટ્રમ્પે તેમની ઉશ્કેરણી કરી હતી જેનાથી તેમણે રીતસર અમેરિકી સંસદની ઈમારત ‘કેપિટોલ હિલ’ પર આક્રમણ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારમાં એક મહિલા સહિત ચાર નાગરિકો અને એક પોલીસ અધિકારીના મોત થયા. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી કલંકિત દિવસ બની રહ્યો.
ભારતની સુપ્રીમ કોર્ટે આખરે અસાધારણ કદમ ઉઠાવીને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદા અમલી બનાવવા સામે રોક લગાવી છે. દેશભરના અને ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ કૃષિ કાયદાઓ તદ્દન રદ કરવાની કરેલી જોરદાર માગણી પર હાલ તો ઠંડુ પાણી રેડાઈ ગયું છે તેમ કહી શકાય કારણકે સુપ્રીમ કોર્ટે આ વિવાદનું નિરાકરણ લાવવા કાયદાઓના લાભ અને નુકસાનની સમીક્ષા કરવા ચાર સભ્યોની સમિતિની જાહેરાત પણ કરી દીધી છે. આમ છતાં, સુપ્રીમ કોર્ટે યોગ્ય સ્પષ્ટતા પણ કરી છે કે કૃષિ કાયદાને સસ્પેન્ડ કરાયા છે પરંતુ, અનિશ્ચિતકાળ સુધી નહિ.
પ્રત્યેક ભારતીયના દિલની લાગણીનો પડઘો સંસ્કૃત શ્લોક ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, માં જોવા મળે છે. આપણા મહાન ભારત દેશનો ૭૨મો પ્રજાસત્તાક દિન આપણે ૨૬ જાન્યુઆરીએ ઉજવીશું ત્યારે ઘણી યાદો તાજી થાય તે નિર્વિવાદ છે. ભારતને આઝાદી ભલે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં પ્રાપ્ત થઈ પરંતુ, ભારતનું આગવું બંધારણ ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવ્યું હતું. આમ આ દિવસે જ આપણે વાસ્તવિક અર્થમાં સ્વતંત્ર થયા. ભારતની આ વિકાસગાથામાં અનેક નામી-અનામી નાગરિકોનું યોગદાન રહેલું છે.
કોરોના વાઈરસ મહામારીએ વેપારધંધા અને હોસ્પિટાલિટી અને પ્રવાસન ઉદ્યોગને ભારે ફટકો માર્યો છે. આ પરિસ્થિતિ એવી રહી કે વેપારીઓ અને ગ્રાહકો બંનેને અસર પહોંચી છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીનો સમયગાળો ભારત માટે બિનનિવાસી ભારતીયો (NRI)ની સીઝન ગણાય છે.
