તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    દસકાઓ પુરાણા અયોધ્યા વિવાદનો ઉકેલ મંત્રણા - વાટાઘાટો દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. આ સૂચન આવકાર્ય પણ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં તેનું સવિશેષ મહત્ત્વ પણ છે. વિવાદાસ્પદ માળખું તોડી પડાયા બાદ કેન્દ્ર અને રાજ્યમાં પહેલી વખત એક જ પક્ષની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર શાસનધૂરા સંભાળી રહી છે. અયોધ્યા વિવાદ અંગે પાછલા ૬૮ વર્ષથી કોર્ટમાં ખેલાઇ રહેલા કાનૂની જંગે દેશમાં કોમી એખલાસની ભાવનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી. 

    ‘આતંકવાદ લંડનવાસીઓના જીવનનો જાણે એક હિસ્સો બની ગયો છે.’ વેસ્ટ મિન્સ્ટર (પાર્લામેન્ટ) નજીક આતંકી હુમલો થયા બાદ લંડનના મેયર સાદિક ખાને કહેલા આ શબ્દો આતંકવાદનો વધતો પ્રભાવ દર્શાવે છે. સાદિક ખાને ભલે પાર્લામેન્ટ સંકુલ નજીક થયેલા હુમલા સંદર્ભે આમ કહ્યું હોય, પરંતુ તેમનું આ નિવેદન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ એટલું જ સાચું છે. આતંકવાદ હવે વિશ્વ સમસ્તના પ્રજાજનોના જીવનનો મહત્ત્વનો હિસ્સો બન્યો છે. લંડન હુમલાની જવાબદારી સ્વીકારવાની સાથોસાથ કુખ્યાત આતંકી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)એ વધુ આતંકી હુમલાની ધમકી પણ ઉચ્ચારી છે. લંડનમાં ૨૨ માર્ચે થયેલા હુમલાએ ગત વર્ષે ફ્રાન્સના નીસમાં ૮૪ અને જર્મનીના બર્લિનમાં ૧૨ માનવજિંદગીને કચડી નાખનાર હુમલાની યાદ તાજી કરાવી દીધી છે. 

    ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને ત્રણ વર્ષના લાંબા અરસા બાદ પંજાબમાં સારા સમાચાર મળ્યા છે. દેશના એક મહત્વના રાજ્યમાં તેની સરકાર રચાઇ છે. કોંગ્રેસે ૨૦૧૩માં કર્ણાટકમાં સત્તા સંભાળ્યા બાદ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ તો યોજાઇ છે, પણ ક્યાંય તેનો દેખાવ નોંધપાત્ર નહોતો. જોકે હવે તે પંજાબમાં ૧૧૭ સભ્યોના ગૃહમાં ૭૭ બેઠકો જીતીને સારો અને નોંધપાત્ર દેખાવ કર્યાનો સંતોષ લઇ શકે તેમ છે. કોંગ્રેસે ચૂંટણી જંગના પ્રારંભથી જ કેપ્ટન કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, અને કેપ્ટને પણ તેમનામાં મૂકાયેલા ભરોસાને યથાર્થ ઠેરવતા પક્ષને સત્તાના સિંહાસને દોરી ગયા છે. જોકે કોંગ્રેસના વિજયમાં કેપ્ટનની કાબેલિયત ઉપરાંત પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વ હેઠળની અકાલી દળ-ભાજપ યુતિ સરકાર સામેના જનઆક્રોશે પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. 

    ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીતનો જશ બધા ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહને આપી રહ્યા હોય, પરંતુ ચૂંટણીમાં ધોબીપછાડ હારનો સામનો કરનાર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓને ભાજપની આ જીત ગળે ઉતરતી નથી. તેમના મતે ભાજપે વોટિંગ મશીનમાં ‘ગોઠવણ’ કરીને પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કર્યા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ દિલ્હીમાં પક્ષના વડા મથકે કાર્યકરોને સંબોધતા કંઇક આ શબ્દોમાં લાગણી વ્યક્ત કરી હતીઃ એક નૂતન ભારતના નિર્માણનું બીજ રોપાઇ ગયું છે... વડા પ્રધાને ભલે દેશના વિકાસકાર્યો સંદર્ભે આ વાત કરી હોય, પરંતુ રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ તે એટલું જ યથાર્થ છે. ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં ભાજપે પ્રચંડ બહુમત મેળવ્યો છે તો પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરીને વિજયપતાકા લહેરાવ્યા છે.

    અમેરિકાના આખાબોલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અત્યાર સુધીનું પહેલું સહિષ્ણુ કહી શકાય તેવું પ્રવચન આપ્યું છે. પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાથી માંડીને પ્રમુખપદે ચૂંટાઇ ગયા પછી પણ - જ્યારે જ્યારે તેમણે બોલવા માટે મોં ખોલ્યું છે ત્યારે ત્યારે વિવાદનો વંટોળ ઉડાડ્યો છે. જોકે પહેલી માર્ચે તેમનું નવું જ સ્વરૂપ જોવા મળ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે પ્રવર્તમાન ઇમિગ્રેશન નીતિના સ્થાને કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ મેરિટ આધારિત ઇમિગ્રેશન પદ્ધતિ દેશમાં લાગુ કરવાનો વિચાર રજૂ કર્યો છે. તેમના નિવેદને ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રન્ટ્સમાં રાહતની લાગણી ફેલાવી છે. આની સાથોસાથ ટ્રમ્પે કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાની નિંદા પણ કરી છે. હા, એ વાત અલગ છે કે તેમની વાત ધિક્કાર અને દ્વેષપૂર્ણ માનસિક્તા ધરાવતા લોકોએ કાને ધરી નથી, અને ભારતીયો પર હુમલાની વધુ ઘટના પોલીસ ચોપડે ચડી રહી છે. આ ઘટનાના બે જ દિવસ બાદ સાઉથ કેરોલિનાના લેન્કેસ્ટરમાં વડોદરાના વતની હરનીશ જાનીની ગોળીને હત્યા કરાઇ છે. આ પછી શીખ યુવાન પર ગોળીબાર થયો.

    પાપને તમે ગમેતેટલું છુપાવો, પણ એકને એક દિવસ, આજે નહીં તો કાલે તે છાપરે ચઢીને પોકારતું જ હોય છે. પાકિસ્તાન સાથે પણ આવું જ બન્યું છે. અત્યાર સુધી તે મુંબઇના ૨૬/૧૧ના આતંકી હુમલામાં પોતાની સંડોવણી નકારતું રહ્યું છે, પરંતુ હવે તેના જ ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) મહમૂદ અલી દુર્રાનીએ આ હકીકત સ્વીકારી છે. આતંકવાદ વિષય પર યોજાયેલા ૧૯મા એશિયાઇ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા દુર્રાનીએ શબ્દો ચોર્યા વગર કબૂલ્યું છે કે મુંબઇમાં અજમલ કસાબ અને તેના સાગરિતોએ કરેલો હુમલો પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠને જ કર્યો હતો. તેમણે આ હુમલાને ‘સરહદપારના આતંકવાદનું ક્લાસિક’ ઉદાહરણ ગણાવ્યું છે.

    ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સલાહસૂચનથી જ જો રાજકીય પક્ષો કે નેતાઓની નીતિરીતિ, વાણીવર્તન સુધરી જતાં હોત તો અત્યાર સુધીમાં દેશમાં રામરાજ આવી ગયું હોત તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ચૂંટણી પ્રચાર હોય કે ન હોય, નેતાઓ એક યા બીજા પ્રકારે ઉશ્કેરણીજનક નિવેદનો, ભાષણબાજી કરીને દેશમાં અશાંતિ ફેલાવતા જ રહે છે. 

    યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વાણીવિલાસ ને વર્તનથી હાસ્યાસ્પદ બન્યા છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સંદર્ભે તેમની ટીપ્પણીએ વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે વડા પ્રધાન મોદી અંગે કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરું છું અને તેઓ વારંવાર અફઘાનિસ્તાનમાં તેમણે લાઈબ્રેરીનું નિર્માણ કર્યાનું કહે છે. ઠીક છે પરંતુ અમે આટલો ખર્ચ તો પાંચ કલાકમાં કરીએ છીએ ને ત્યાં લાઈબ્રેરી  વાપરશે કોણ?’ વિશ્વના શક્તિશાળી દેશના પ્રમુખે મહત્ત્વના વેપારી ભાગીદાર અને અફઘાનિસ્તાનમાં ગાઢ સાથી ભારત વિશે કરેલી આવી ટીપ્પણીથી રાજદ્વારી નીરિક્ષકો પણ સ્તબ્ધ બની ગયા છે. લાગે છે ટ્રમ્પને ઈતિહાસનું વાંચન વધારવાની જરૂર છે. 

    ૧૯મી સદીના મધ્ય એશિયામાં બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે મહાસત્તા બનવાની હોડ લાગી હતી, જેને બ્રિટિશ કવિ અને લેખક રુડયાર્ડ કિપ્લિંગે ‘ધ ગ્રેટ ગેમ’ તરીકે ઓળખાવી હતી. હવે સમય અને સ્પર્ધકો બદલાયા છે, પણ શતરંજની મહારમત તો એ જ રહી છે. અગાઉની મહારમતમાં યુરોપીય સામ્રાજ્યો હતા અને હવે એશિયાના બે મહાન દેશ - ભારત અને ચીન વચ્ચે મહારમત ગોઠવાઈ છે, જેમાં ચીન પોતાના હિતો સર કરવા ભારતને ભરડામાં લેવાના પ્યાદા ચલાવી રહ્યું છે અને ભારત પોતાની રીતે સાવચેત બની રહ્યું છે.