એક તરફ લાંબા સંઘર્ષની તૈયારીઓ કર્યા પછી ચીને ગલવાન ઘાટીમાંના પેગોન્ગ ખાતે તૈનાત લશ્કર અને શસ્ત્રસરંજામ પાછો ખેંચવા માડ્યો તેનાથી પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ જણાય છે. પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર શાંતિ જાળવવાની અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી છે. બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ દ્વારા નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્થિતિની સમીક્ષા કર્યાં પછી બંને દેશોએ તમામ સમજૂતીઓનું કડક પાલન કરવાની અને સીઝફાયર જાળવવાની સહમતિ વ્યક્ત કરી છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
બ્રિટિશ રાજઘરાણાની અમેરિકન અભિનેત્રી વહુ મેગન મર્કલ અને પ્રિન્સ હેરીએ રોયલ ફેમિલી છોડવા સહિતની બાબતો પર ખુલ્લા દિલે પોતાની વાતો ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ઈન્ટરવ્યૂમાં કરી છે. હેરી અને મેગનના આ ઈન્ટરવ્યૂ બોમ્બશેલનું તત્કાળ પરિણામ એ આવ્યું છે કે ક્વીને સત્વરે નિવેદન આપી સસેક્સ દંપતીએ આટલા વર્ષોમાં ઘણું સહન કર્યું હોવાનું અને પરિવારને તેનાથી દુઃખ થયાનું સ્વીકાર્યું છે. ક્વીનના ટુંકા નિવેદનમાં સ્પષ્ટ કરાયું છે કે આર્ચી વિશે રંગભેદી ટીપ્પણી સહિતની જે વિગતો અપાઈ છે તે ચિંતાજનક છે અને કેટલીક યાદો ધૂંધળી હોઈ શકે પરંતુ મુદ્દાઓને ગંભીરતાથી લેવા અને પરિવારમાં ખાનગી રાહે તેનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે. જોકે, હેરી અને મેગનની ચિંતાઓ પર વેળાસર ધ્યાન અપાયું હોત કે તેમની સ્વતંત્રતા પર કાપ મૂકવાના પ્રયાસો થયા ન હોત તો ક્વીને આવી અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું ન હોત તે પણ સાચી વાત છે.
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સારાહ એવરાર્ડનાં અપહરણ અને હત્યામાં ખુદ પોલીસ ઓફિસરની સંડોવણી બહાર આવે ત્યારે બ્રિટિશ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનો રોષ બહાર નીકળી આવે તે સ્વાભાવિક છે. સારાહની યાદમાં આયોજિત વિજિલ-જાગરણ દરમિયાન મેટ્રોપોલીટન પોલીસના દુર્વ્યવહારથી ‘રક્ષક જ ભક્ષક બન્યા’ની લાગણી બળવત્તર બની છે. રવિવારે હજારો લોકો પોલીસ કાર્યવાહીના વિરોધમાં લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. અનેક સ્થળોએ પોલીસ મહિલા દેખાવકારોને ઢસડીને લઈ જતી અને તેમની ધરપકડ કરી હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બિનસત્તાવાર સ્ટ્રેટેજિક ગ્રુપ ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ (QUAD)ની પ્રથમ વર્ચ્યુઅલ શિખર પરિષદ ૧૨ માર્ચે યોજાઈ હતી જેમાં, અમેરિકાના પ્રમુખ જોસેફ આર. બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદ સુગા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ શિખર પરિષદમાં કોરોના મહામારીનો સામનો કરવા વેક્સિનના ઉત્પાદનમાં સહકાર સાધવાનો પણ નિર્ણય લેવાયો છે. ભારતની વેક્સિન ઉત્પાદનક્ષમતાને વધારવા અમેરિકા સહિતના સભ્યો સંસાધનો ફાળવશે જેથી ઈન્ડો-પાસિફિક વિસ્તારના દેશોને મદદ થઈ શકે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના આક્રમણને એક વર્ષ વીતી ગયું છે ત્યારે વાસ્તવિકતા એ છે કે આપણે તો વિષચક્રમાંથી બહાર નીકળ્યાં વિના ઠેરના ઠેર આવીને ઉભાં છીએ. આ માહોલમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ત્રાટકશે તેવી ચેતવણી આપી છે તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈશે. દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ તો બ્રાઝિલમાં જોવાં મળી છે જ્યાં માત્ર ૨૪ કલાકમાં ૯૦,૦૦૦થી પણ વધુ કેસ નોંધાયા હતા. યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેરનું જોખમ સર્જાયું છે તેમજ ફ્રાન્સ, પોલેન્ડ, ઈટાલી અને જર્મની સહિતના ઘણા દેશોએ નવેસરથી લોકડાઉનની દિશામાં વિચારવાની શરુઆત કરવી પડી છે. ખાટલે મોટી ખોડ તો છે કે યુરોપીય દેશો હજુ હુંસાતુંસીમાંથી બહાર આવતા નથી અને નાગરિકોને વેક્સિનેશન બાબતે ગંભીરતા દર્શાવતા નથી.
આ સંશોધનો અને અભ્યાસો પણ વિચિત્ર હોય છે. ન હોય તેમાંથી વિચારો ઉભા કરે છે જેવી રીતે ૨૦ માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ઉજવાયો તેમાં આપણે સુખી કે દુઃખી તેના વિચારો અને ચર્ચા શરુ થઈ ગયા છે. યુએન દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ માટે અભ્યાસ હેઠળના ૧૪૯ દેશોમાં ભારતનો ક્રમ લગભગ તળિયે એટલે કે ૧૩૯મો આવ્યો છે. આ ક્રમથી સુખી થવું કે દુઃખી તે જ નક્કી કરી શકાય તેમ નથી.
ભારતીય સંસ્કૃતિનો મહામંત્ર છે કે મને હજો તે મારા પડોશીને પણ હજો. કોરોના મહામારીકાળના વિશ્વમાં ભારત ‘વૈશ્વિક ફાર્મસી’ સ્વરુપે પ્રસ્થાપિત થઈ ગયું છે અને સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ વેક્સિનેશન અભિયાનની સાથોસાથ ભારત વિશ્વની વેક્સિન જરુરિયાતોને પણ પૂરી પાડે છે. ‘નેબરહુડ ફર્સ્ટ’ પોલિસી અંતર્ગત ભારતે શ્રીલંકા, બાંગલાદેશ, ભૂતાન, નેપાળ અને માલદિવને વેક્સિનનો પુરવઠો મોકલ્યો છે તો અન્ય મિત્ર રાષ્ટ્રોને પણ વેક્સિન પુરવઠો પહોંચાડવામાં આવરી લીધાં છે. વિશ્વના ૭૩ દેશોમાં ભારતમાં ઉત્પાદિત વેક્સિન કોરોના વાઈરસ વિરુદ્ધના જંગમાં અગ્રેસર છે.
બાંગલાદેશની આઝાદીના જંગની શરુઆતને મહામોલા ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની મુલાકાત લઈને મૈત્રીસંબંધને વધુ નક્કરતા બક્ષી છે. ભારત અને બાંગલાદેશ માત્ર પડોશી દેશ નથી. બાંગલાદેશ માટે ભારતનું સ્થાન વિશેષ છે કારણકે બાંગલાદેશના સર્જનમાં ભારતનો અમૂલ્ય ફાળો રહેલો છે. એક સમયના વેસ્ટ અને ઈસ્ટ પાકિસ્તાન વચ્ચે ભારત ભીંસાયેલું હતું. આજે ઈસ્ટ પાકિસ્તાન એ બાંગલાદેશ બન્યું છે.
ડો. ટોની સેવેલના વડપણ હેઠળના રેસ કમિશનના અહેવાલે નવી ચર્ચા અને વિવાદ જગાવ્યા છે. સેવેલના રિપોર્ટમાં ‘નથી નથી, છે છે’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એક તરફ રિપોર્ટ એમ કહે છે કે વંશીય લઘુમતીઓઓ સામે વ્યવસ્થિત રંગ - જાતિભેદ આચરાતો નથી. તો સવાલ એ પૂછી શકાય કે શું પ્રછન્ન અથવા છાનોછપનો રંગભેદ આચરાય છે જે સત્તાવાળાને નજરમાં ના આવતો હોય. રેસ કમિશનનો રિપોર્ટ એમ કહેતો હોય કે સંસ્થાગત અથવા તો માળખાકીય રંગભેદ અસ્તિત્વ ધરાવતો નથી ત્યારે એ ધ્યાન દોરવું જરુરી બને કે બ્રિટિશ પોલીસ દળમાં અધિકારીઓ કે કર્મચારીઓની ભરતીમાં વંશીય લઘુમતી સમુદાય તરફ ભેદભાવની નીતિ સ્પષ્ટપણે જોવાં મળે છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસનું કહેવું છે કે યુકેમાં લેબર માર્કેટ અને વ્યાપક સમાજમાં સંસ્થાકીય અને માળખાકીય રેસિઝમનું અસ્તિત્વ છે એ તો હકીકત છે.
યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી શકાય તેમ નથી. વહીવટ હેઠળ મૂકાયેલી ફાઈનાન્સ કંપની ગ્રીનસિલ કેપિટલના કારણે તેના એડવાઈઝર રહેલા કેમરનની ભૂમિકા સામે પ્રશ્નાર્થ મૂકાયો છે અથવા કહો તો સ્પષ્ટપણે આંગળી ચીંધાઈ છે કે તેમણે કંપનીને લોન અપાવવા પોતાના અગાઉના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
