આપ સૌ આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા છો તે આનંદ મેળાના દિવસો નજીક આવી રહ્યા છે. ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનના મહાસાગરને માણવા, અવનવી ચીજવસ્તુઅોનું શોપીંગ કરવા તેમજ દિલ્હી અોન ધ ગોની ખાણીપીણીની મોજ માણવાની તૈયારીઅો આપ સૌએ મિત્રો અને પરિવારજનો સાથે કરી લીધી હશે. આનંદ મેળો એટલે ખાણી-પીણી, આનંદ પ્રમોદ, મનોરંજન અને મોજમજા કરવાનું સ્થળ. ઘરની અને નોકરી - ધંધાની ચિંતા કોરાણે મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ એટલે આનંદ મેળો. માટે જ તો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા દર વર્ષે થતો આનંદ મેળો બ્રિટનમાં થતાં બધા એશિયન મેળાઅોમાં પહેલા નંબરે આવે છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને પુણ્યતિથિ છે. તેમની નિર્વાણ શતાબ્દી નિમિત્તે હેરોમાં પ્રાર્થના સભા તેમજ તેમના જીવન અને સિદ્ધિઓ વિશે વક્તાઓ દ્વારા પ્રવચનનું આયોજન કરાયું છે.
આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે લેસ્ટરના સીમ્ફની રૂમ્સ ખાતે યોજાયેલા "પિતૃવંદના - ભૂલી બિસરી યાદે" કાર્યક્રમને જોરદાર સફળતા મળી હતી. "ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" તેમજ લેસ્ટરના મ્યુઝીક આર્ટ્સ ગૃપ દ્વારા આયોજીત આ હાઉસફૂલ શોને લેસ્ટર તેમજ આજુબાજુના નગરોમાંથી આવેલા શ્રોતાઅોએ મનભરીને માણ્યો હતો. વિખ્યાત ગાયક કલાકારો માયાબેન દીપક અને રોકીના અવાજનો જાદુ એવો તો ચાલ્યો હતો કે શ્રોતાઅોએ પોતાના મનગમતા ફરમાયશી ગીતોનો મારો ચલાવ્યો હતો. તો સામે પક્ષે કલાકારોએ પણ સમયની પરવા કર્યા વગર મોડે સુધી પોતાના સુમધુર અવાજમાં શ્રોતાઅો સમક્ષ એક પછી એક મનમોહક ગીતો રજૂ કરીને શ્રોતાઅોને ઝૂમતા કરી દીધા હતા.
ગીત-સંગીત-નૃત્ય, ખાણી-પીણી, શોપીંગ, મનોરંજનને માણવા તેમજ આરોગ્ય, પ્રોપર્ટી, રોકાણ, વીમો અને અન્ય બેન્કિંગ સેવાઅોની વિસ્તૃત માહિતી મેળવવા માટે આનંદ મેળાની ચાતક નજરે રાહ જોતા ઇંગ્લેન્ડવાસીઅોની આતુરતાનો અંત તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ આવી રહ્યો છે. જી હા, લાજવાબ હવામાન અને સુરજદાદાની કૃપા વરસતી હશે ત્યારે આપ સૌ માટે, આપની ખાસ પસંદગીને લક્ષમાં લઇને તૈયાર કરાયેલ આનંદ મેળામાં અમે આપ સૌનું સ્વાગત કરવા આતુર છીએ. છેલ્લા છ વર્ષથી આપના માટે જ યોજાઇ રહેલો આનંદ મેળો બ્રિટનમાં થતાં બધા એશિયન મેળાઅોમાં પહેલો ક્રમ ધરાવે છે અને યુકેવાસી એશિયન પરિવારોની પ્રથમ પસંદ છે.
બ્રિટનભરમાં માર્ચ મહિના દરમિયાન યોજાયેલા "માતૃ વંદના" કાર્યક્રમોની સફળતા બાદ તા. ૧૭ જૂનના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ગીત સંગીત કાર્યક્રમને શાનદાર સફળતા મળી હતી. ફાધર્સ ડે પ્રસંગે તૈયાર કરાયેલ વિવિધ લેખોથી સમૃધ્ધ પિતૃ વંદના વિશેષાંકનું તા. ૧૮ના રોજ સાંજે આનંદ મેલા ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવાર, બાળકો અને સમાજ માટે આકરી મહેનત કરનાર પિતાની સેવાઅોને ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા આપ સૌના પ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના સહયોગથી શનિવાર તા. ૨૪ના રોજ કાર્ડીફ ખાતે હિન્દુ કાઉન્સિલ વેલ્સ દ્વારા અને રવિવાર તા. ૨૫ના રોજ બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
છેલ્લા એક સપ્તાહથી બ્રિટનવાસીઓ સૂર્યનારાયણની અનહદ મહેરથી અત્યંત ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજારો ભારતીયોએ "ગુજરાત સમાચાર" તથા "Asian Voice” આયોજિત આનંદ મેળામાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓને ઠંડા પીણાં સાથે પરંપરાગત ભાતીગળ મેળાનો આનંદ માણ્યો. ગત શનિ અને રવિવારે (૧૭ અને ૧૮ જૂને) હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ આ મેળામાં લંડનના ખૂણે ખૂણેથી અને કોવેન્ટ્રી, સ્ટીવનેજથી સ્પેશીયલ કોચ લઇને લોકો આવ્યા હતા. હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં ભારતીય પરંપરાગત લગ્નો માટે ડિઝાઇનરો વેડીંગ ડ્રેસ સાથે સાઉથ પ્યોર સિલ્ક, પાર્ટીવેર એમ્બ્રોઇડરી સાડીઓ, ડિઝાઇનર બ્લાઉઝીસ, ગુજરાત-કચ્છની બાંધણીઓ, ચણીયા-ચોલી, પંજાબી શૂટ્સ તેમજ જડતર, મણી-મોતી, જર્કોન ને રત્નજડિત લેટેસ્ટ ડિઝાઇનના અલંકારો તથા ઘર સજાવટની ચીજવસ્તુઓ, મસાલેદાર ચ્હા-નાસ્તા અને ખાખરા-કાતરી ને ખારીસીંગદાણા ઇત્યાદિ વસ્તુઓ સાથેના સ્ટોલ જોવા મળતા હતા.
ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગ અને લંડનના મેયરના સમર્થનથી ભારતીય હાઈ કમિશને બુધવાર, ૨૧ જૂને લંડનના વિખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં યોગમાં રસ ધરાવતા સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. યુકેના ૧૫ જેટલા પ્રતિષ્ઠિત યોગગુરુ અને સંસ્થાઓ દ્વારા લોકોને યોગના વિવિધ આસનો તેમજ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. બપોરથી સાંજ સુધીના કાર્યક્રમ દરમિયાન હવામાન પણ ખૂબ સારુ રહ્યું હતું અને દિવસભર સૂર્યપ્રકાશ રહ્યો હતો. પશ્ચાદભૂમિમાં નેલ્સનની કોલમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશો પ્રસારિત કરાયો હતો. કાર્યક્રમમાં યોગ દિવસને અનુલક્ષીને ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો સંદેશો પણ પ્રસારિત કરાયો હતો. યુકેમાં તમામ લોકો ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે યોગ દિવસની ઉજવણી નિહાળી શકે તે માટે મોટાભાગની ધાર્મિક ચેનલો દ્વારા તેનું જીવંત પ્રસારણ કરાયું હતું.
"ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પ્રયોજીત અને કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના સહયોગથી યોજાયેલ ગુજરાતના વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમ "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે"ને અદ્ભુત સફળતા સાંપડી હતી. માર્ચ અને એપ્રિલ માસમાં માતૃ વંદના કાર્યક્રમને બ્રિટનભરના વિવિધ શહેરોમાં મળેલી જ્વલંત સફળતા પછી જૂન માસ દરમિયાન લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામ ખાતે "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે" કાર્યક્રમનું આયોજન થયું હતું. જેને બ્રિટનની જનતા તરફથી ખૂબ લોકઆવકાર સાંપડ્યો હતો.
લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં રવિવાર, ૯ જુલાઈએ ગુરુ પૂર્ણિમાં ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સાંજની વિશેષ ધર્મસભામાં સાધુઓ દ્વારા ગુરુની મહાનતાના ગુણગાન કરતી ભક્તિમય પ્રાર્થનાઓ ગાવામાં આવી હતી. આ પ્રસંગે ૮૦ વર્ષીય વિલાસબહેન ધાનાણી (MBE), નીતિનભાઇ પલાણ (MBE) તેમજ વિનુભાઇ કોટચા (BEM)નું તાજેતરમાં જ મહારાણી દ્વારા એનાયત થયેલા ઇલ્કાબ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા વડીલો માટે તૈયાર થનારા નવા રહેણાક સંકુલનું ખાતમૂહુર્ત નરનારાયણ દેવ ગાદી અમદાવાદના આચાર્ય પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી તથા સ્વામિનારાયણ મંદિર, ભૂજના પૂ.ધર્મનંદનદાસજીના હસ્તે ગત ૨ જુલાઈને રવિવારે સવારે કરાયું હતું. આ પ્રસંગે મહારાજશ્રી અને મહંત સ્વામી તથા ભૂજથી આવેલા ૧૮ સંતોની પાવન ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષરોની વિધિ યોજાઈ હતી. આ રીજનરેશન પ્રોજેક્ટ ઝડપથી અને સફળતાપૂર્વક બે વર્ષમાં પૂરો થાય તે માટે મહારાજશ્રી અને મહંતસ્વામીએ સંકુલના નિર્માણકાર્યમાં સંકળાયેલા સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
