એંશી અને એંશીના દસકાના ધૂરંધર બેટ્સમેન અને બેસ્ટ કેપ્ટન ગણાતા ન્યૂ ઝિલેન્ડના ક્રિકેટર માર્ટિન ક્રોવનું ૫૩ વર્ષની વયે કેન્સરથી નિધન થયું છે. તેઓ લાંબા સમયથી આ જીવલેણ બીમારીથી પીડાતા હતા.
રમતગમત
Block: Site: Subtree Block
ગ્લેમરસ ટેનિસ પ્લેયર અને પૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાએ ઓસ્ટ્રેલિયન ઓપન દરમ્યાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. શારાપોવાએ સોમવારે પત્રકાર પરિષદમાં કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન હું બે વખત ડોપ ટેસ્ટમાં ફેઇલ થઈ હતી. આ કબૂલાત બાદ હવે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને શારાપોવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ મુકી દીધો છે. શારાપોવાનું કહેવું હતું કે હં ૨૦૦૬થી મેલડોનિયમ નામની દવાનું સેવન કરતી હતી. પરંતુ અચાનક જ તેને ૨૦૧૬ની પ્રતિબંધિત દવાના લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવી હતી, જેના કારણે મારો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એક આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે રશિયન ટેનિસ સ્ટાર પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકાઈ શકે છે. બીજી તરફ શુઝ કંપની નાઈકીએ શારાપોવા સાથેનો ૭૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના મતે હોમ ગ્રાઉન્ડનો લાભ અને જોરદાર ફોર્મને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. મોર્ગને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે સિરીઝ જીતવા ઉપરાંત એશિયા કપમાં ચેમ્પિયન બનવાને કારણે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન બોક્સર મોહમ્મદ અલીએ પોતાની સૌથી મોટી ઈચ્છા જાહેર કરી છે. તે મરતા પહેલા એક વખત બ્રિટનનાં મહારાણી ક્વિન એલિઝાબેથને મળવા માગે છે. ૭૪ વર્ષીય અલી છેલ્લા ત્રણ દાયકાથી પાર્કિન્સનની બીમારથી પીડાય છે. તેઓ કહે છે કે આ વર્ષે ઉનાળામાં યોજાનારી મારી લંડન ટૂર યુકેનો મારો અંતિમ પ્રવાસ હોય શકે છે. હું ક્વિનની મુલાકાત લઇને તેને યાદગાર બનાવવા માગું છું. મારી તેમની સાથે મુલાકાત કરાવી આપો. આશા છે કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી મને મળવાનો સમય ફાળવશે. અલી આ પહેલા પણ અનેક દેશોના રાષ્ટ્રપતિ સહિત અન્ય મોટી હસ્તીઓને મળી ચૂક્યા છે.
અનુભવી ઓલરાઉન્ડર, કેપ્ટન અને પ્લેયર ઓફ ધ મેચ શાહિદ આફ્રિદીના બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને સુપર-૧૦ રાઉન્ડની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ૧૬ માર્ચે કોલકતામાં રમાયેલી મેચમાં પાકિસ્તાનનો ૫૫ રને શાનદાર વિજય થયો હતો.
વેસ્ટ ઇન્ડીઝે સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલની ધમાકેદાર અણનમ સદીની મદદથી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના ગ્રૂપ-૧માં ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવ્યું હતું. ૧૬ માર્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે છ વિકેટે ૧૮૨ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
પાટનગર નવી દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં બુધવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવી દઇને ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. ટી૨૦ વર્લ્ડ કપમાં સળંગ ચાર વિજય બાદ નિર્ણાયક મેચમાં જ પરાજય થતાં ન્યૂ ઝીલેન્ડનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાયું છે. ઇંગ્લેન્ડને મેચ જીતવા માટેના ૧૫૯ રન ૧૭.૧ ઓવરોમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધા હતા. ન્યૂ ઝીલેન્ડે તેની ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૫૩ રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ હવે ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે ગુરુવારે રમાનારા બીજા સેમિ-ફાઇનલના વિજેતા સાથે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે કોલકતાના ઇડન ગાર્ડનમાં રમાવાની છે.
કોચ વકાર યુનિસે જાહેરમાં માફી માંગ્યાના એક દિવસ બાદ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમના કંગાળ પ્રદર્શન માટે દેશવાસીઓની માફી માંગી છે. આફ્રિદીએ ફેસબુક પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે લોકો મારા વિશે શું કહે છે તેની મને કંઈ પડી નથી, પરંતુ હું પાકિસ્તાની જનતાને જવાબ આપવા બંધાયેલો છું. આજે હું શાહિદ આફ્રિદી પાકિસ્તાનની જનતાની માફી માંગુ છું કે અમે તેમની અપેક્ષાઓ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં.
આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૫૦મો ગોલ ફટકારીને અનોખું સિમાચિહન હાંસલ કર્યું છે. ૨૦૧૮ ‘ફિફા’ વર્લ્ડ કપ ક્વોલિફાયરના મુકાબલામાં બોલિવીયા સામે વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા મેસ્સીએ નિભાવી હતી. આર્જેન્ટિનાના ડિફેન્ડર ગેબ્રિયલ મેકાર્ડોએ ૨૧મી મિનિટમાં પહેલો ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યાર બાદ લાયોનલ મેસ્સીએ ૨૯મી મિનિટમાં પેનલ્ટી દ્વારા ગોલ કર્યો હતો.
ટી૨૦ વર્લ્ડ કપના મહત્ત્વપૂર્ણ સેમિ-ફાઇનલમાં વેસ્ટ ઇંડિઝે ટીમ ઇંડિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે વિરાટ કોહલીના અણનમ ૮૯ રન સાથે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા, જવાબમાં વેસ્ટ ઇંડિઝે ત્રણ વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલી વિરુદ્ધ ક્રિસ ગેઇલનો જંગ ગણાવાતા આ મેચમાં ગેઇલ ઝીરોમાં આઉટ થયો હતો. હવે રવિવારે કોલકતાના ઇડન ગાર્ડન મેદાનમાં રમાનારી ફાઇનલમાં વેસ્ટ ઇંડિઝનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે. બુધવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂ ઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી.
