રાહુલ બોઝ તાજેતરમાં ચંદીગઢમાં તેની આગામી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. તે શૂટિંગ માટે શહેરની એક શાનદાર હોટેલમાં રોકાયો હતો. જોકે, આ હોટેલના એક બિલથી તે ચોંકી ગયો હતો. રાહુલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, એક લક્ઝુરિયસ હોટેલમાં બે કેળાની કિંમત રૂ. ૪૪૨.૫૦ હોય છે.
રાહુલે આ વીડિયોને શેર કરતી વખતે લખ્યું હતું કે, કોણ કહે છે કે, ફ્રૂટસથી તમને કોઈ નુકસાન નથી. વીડિયોમાં રાહુલ બોલતો જોવા મળ્યો હતો કે, હું ચંદીગઢમાં શૂટિંગ કરી રહ્યો છું અને હું આ બ્યુટિફુલ હોટેલ સ્વીટમાં રોકાયો છું. હું જિમમાં હતો અને મેં બે કેળા ઓર્ડર કર્યાં હતાં. મને કેળા મળ્યા અને હવે એનું બિલ જરા જુઓ. બિલમાં કેળાની કિંમત રૂ. ૪૪૨.૫૦ લખવામાં આવી છે.
રાહુલે આ રીતે કેળાના આ બિલ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની આ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે, આને તો ઉલ્લુ બનાના કહેવાય. બીજા એક યુઝરે સવાલ કર્યો હતો કે, કેળા ગોલ્ડ પ્લેટેડ હતા? અન્ય એક યુઝરે લખ્યું હતું કે, અમે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન ખરીદીએ છીએ ત્યારે પણ અમે એમ જ ફીલ કરીએ છીએ.

