ગાયક અદનાન સામીએ તાજતેરમાં લતા મંગેશકર, આશા ભોસલે અને નૂરજહાંનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને અદનાને કેપ્શનમાં લખ્યું હતું કે, કેટલો આઇકોનિક અને હિસ્ટોરિક ફોટો છે આ. ત્યારબાદ એક યુઝરે ફોટો પર કમેન્ટ કરીને લતા મંગેશકરને ઓવરરેટેડ સિંગર ગણાવ્યા. આ કમેન્ટ પછી અદનાન સામી ક્રોધે ભરાયા અને યુઝરને ખૂબ ઠપકાર્યો.
અદનાને શેર કરેલા ફોટો પર યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું કે, ભારતીયોનાં બ્રેઈનવોશ કરવામાં આવ્યા છે, એવું વિચારવા માટે કે લતા મંગેશકરનો અવાજ ઘણો સારો છે. યુઝરની આ કમેન્ટના જવાબમાં અદનાને લખ્યું, બંદર ક્યા જાને અદરક કા સ્વાદ. મૂર્ખ દેખાવા કરતાં સારું છે કે જો તમને કોઈ ડાઉટ છે તો કઈ બોલો નહીં, પણ ચૂપ રહો.
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ મદદે
અદનાન ઉપરાંત ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્રોલરને જવાબ દેતાં ઘણી બધી પોસ્ટ કરી હતી. વિવેકે લખ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે લતા મંગેશકરના હેટર્સ આવતા જન્મમાં આપણી જેમ માણસ બની શકે. વિવેકે બીજી પોસ્ટમાં લખ્યું કે, હું સરસ્વતી અને પરમાત્મા પર ભરોસો કરું છું તેનું એકમાત્ર કારણ લતા મંગેશકર છે અને રાક્ષસ પર ભરોસો કરવાનું એકમાત્ર કારણ છે તેમના હેટર્સ.
ચાહકોનો સપોર્ટ
અદનાન - વિવેક ઉપરાંત લતા મંગેશકરના ચાહકોએ પણ ટ્રોલર્સ પર ખૂબ ગુસ્સો કર્યો. એક યુઝરે વળતો જવાબ આપ્યો કે, દુનિયામાં લતા મંગેશકરથી સારું કોઈ સિંગર નથી. બીજા યુઝરે કહ્યું, લતા મંગેશકર ભારત માટે ગોડ ગિફ્ટેડ છે. એક અન્ય યુઝરે લખ્યું, અમુક લોકો રાજકારણના નગ્ન ડાન્સમાં એટલા અંધ થઇ ગયા છે કે તે લોકો ભારતના સ્વરકોકિલાને પણ નીચા દેખાડવામાં શરમ નથી કરતા. કલંક છે આવા મૂર્ખા પર. આટલા ઝેર સાથે આ લોકો કઈ રીતે જીવી લે છે. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર 'લતા જી' ટ્રેન્ડ રહ્યું હતું.