ગાંધીનગરઃ દિલ્હીની મહિલાએ પોતાને ગુજરાતના સિનિયર આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની બીજી પત્ની હોવાનું જણાવીને તાજેતરમાં ફરિયાદ કરી હતી કે, અધિકારીએ છેતરપિંડી કરીને સગર્ભા બનાવીને તેને છોડી દીધી હતી. અગાઉ અધિકારીએ પણ અરજી કરી હતી કે મહિલાએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો છે. પોલીસે કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરી છે.
મહિલાની અરજી દિલ્હીથી ગાંધીનગર પહોંચી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૭માં ગૌરવ દહિયા મેક્સિકોમાં હતા ત્યારે સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા હતા. એ પછી તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડાનો દાવો કર્યો હોવાનું કહી મારી સામે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી હતી અને ૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ અમે લગ્ન કર્યાં હતાં. મહિલાએ જણાવ્યું હતું કે, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તે સમયે તેના બીભત્સ ફોટો અને વીડિયો વાઇયરલ કરવાની ધમકી આપીને લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બાળકીનો જન્મ થયો હતો. જોકે અધિકારી દીકરો ઈચ્છતા હોવાથી મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી. લગ્નજીવનના એક વર્ષ દરમિયાન બાળકીનો જન્મ થયો હતો. ૬-૨-૨૦૧૯ના રોજ યુવતી આશ્રમ રોડની સ્ટારટેલ હોટેલમાં રોકાઈ ત્યારે દહિયા પહેલી પત્ની સાથે તેને મળવા માટે ગયા હતા. તે સમયે વિવાદ થતાં યુવતીએ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જોકે, યુવતીએ દિલ્હી જઈને કાર્યવાહી કરશે તેમ પોલીસને જણાવ્યું હતું.
બીજી બાજુ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાએ પણ ૭ જૂન ૨૦૧૯ના રોજ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે ફેસબુકના માધ્યમથી મહિલાનો પરિચય થયો હતો અને તેણે લગ્ન માટે દબાણ કર્યું હતું. પત્ની પાસેથી છુટાછેડા લેવા માટે પણ કહ્યું હતું. જોકે, તેની પત્ની સગર્ભા હોવાથી છૂટાછેડા લેવાની ના પાડી હતી. પોતાના કૌટુબિક જીવન અંગે સંપૂર્ણ માહિતગાર હોવા છતાં આ મહિલાએ પરસ્પર સહમતિથી સંબંધો બાંધ્યા હતા. અધિકારીએ અરજીમાં જણાવ્યું કે આ મહિલાએ પરિવારને છોડી દેવા દબાણ કર્યું અને પોતાની સાથે રહેવા દબાણ કરી અને સમાજ તેમજ કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપી હતી.
મહિલાએ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું કહી નાણાકીય મદદ માગી અને સારા વિસ્તારમાં ઘર પણ લઈ આપ્યું હતું. આ મામલે સમાધાન માટે જરૂરી લખાણ બાદ પણ તે ખંડણીની માગણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે ખોટા મેસેજ મૂકી રહી છે. બીજી તરફ દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરતી આ ફરિયાદી મહિલાએ કહ્યું છે કે, ડીએનએ રિપોર્ટથી સાબિત કરીશ કે, મારી પુત્રીનો બાપ ગૌરવ દહિયા જ છે.
આ સંપૂર્ણ મામલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપ્યાં છે અને સુનયના તોમરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચાઇ છે.


