ગાંધીનગરઃ લોકતંત્રના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા ગૃહનું કામકાજ ૨૭મીથી ૨૮મીની વહેલી પરોઢ સુધી ચાલુ રહ્યું હતું. ૧૪મી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસે ૨૭મીએ સવારે ૧૦ કલાકથી સરકારે ૯ કાયદાઓમાં સુધારા માટે વિધેયકો રજૂ કર્યાં હતાં. તેના પર ચર્ચા અને મંજૂરીની કાર્યવાહી શનિવારે વહેલી પરોઢ ૩-૪૦ કલાક સુધી ચાલતા ૨૬ વર્ષ પહેલા ૧૨.૦૬ કલાકની ચર્ચાનો રેકોર્ડ તૂટીને ૧૭ કલાકથી વધારે સમયનો નવો ઐતિહાસિક વિક્રમ પ્રસ્થાપિત થયો છે.
વિધાનસભા અધ્યક્ષે રાજેન્દ્ર ત્રિવેદીએ આ ક્ષણોને ઐતિહાસિક લેખાવતા ગુજરાતની બેજોડ અને તંદુરસ્ત સંસદીય પ્રાણાલિકામાં શુક્રવારે રાત્રે ૧૨-૦૮ મિનિટે નવો ઈતિહાસ અંકિત થયાની જાહેરાત કરી હતી. છેલ્લે ૬ જાન્યુ. ૧૯૯૩ના રોજ વિધાનસભાની કાર્યવાહી બપોરે ૧૨ કલાકે શરૂ થઈને રાત્રિના ૧૨.૦૮ કલાક સુધી ચાલી હતી. પ્રજાહિતમાં સંવાદ, સર્જન દ્વારા થતી ચર્ચાઓથી ૨૬ વર્ષ જૂનો રેકોર્ડ તુટયાની ઘટનાનું તેમણે દસ્તાવેજીકરણ કરાવ્યું હતું. વિધાનસભાના પોતાના ઈતિહાસના રેકર્ડ ઉપર ઉલ્લેખ કરીને તેમણે ગૃહમાં ઉપસ્થિત સૌને બિરદાવ્યા હતા. ૨૬ વર્ષ પહેલા ૬ જાન્યુઆરી ૧૯૯૩ની મધ્યરાત્રિની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી રહેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, શનિવારની વહેલી પરોઢે ગુજરાતના નાગરિકોના હિતમાં થયેલી ચર્ચાઓ ઐતિહાસિક પુરવાર થશે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સતત ૧૭.૦૫ કલાક ગૃહને માર્ગદર્શન આપવા અને વિપક્ષને ખામીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસમાંથી વિરજી ઠુમર પણ ૨૬ વર્ષ પહેલાં અને શનિવારની પરોઢ એમ બબ્બે વખતની તવારીખના સાક્ષી રહ્યા હતા.


