યુએસમાં જન્મેલું દરેક બાળક નાગરિક ગણાશે, માતાપિતા ગેરકાયદે પ્રવેશ્યા હોય તો પણ

ટ્રમ્પને કોર્ટનો વધુ એક ઝાટકો

Saturday 11th July 2026 13:47 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. અદાલતે અમેરિકામાં જન્મજાત નાગરિકતાને સીમિત કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રયાસને બહુમતીથી ફગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની ધરતી પર જન્મ લેનારા લગભગ તમામ બાળકોને બંધારણના 14મા સુધારા હેઠળ જન્મથી જ અમેરિકી નાગરિકતાનો અધિકાર મળતો રહેશે. ગેરકાયદે કે હંગામી ધોરણે પ્રવેશતા લોકોને પણ આ લાભ આપવાનો રહેશે.
ટ્રમ્પ પ્રશાસને આ જોગવાઇ રદ કરવાના નિર્ણયને વાજબી ઠરાવતા દલીલ હતી કે અસીમિત જન્મસિદ્ધ નાગરિકતાને કારણે ગેરકાયદે સ્થળાંતર અને ‘બર્થ ટૂરિઝમ’ (માત્ર નાગરિકતા મેળવવા અમેરિકા આવીને બાળકને જન્મ આપવો)ને પ્રોત્સાહન મળે છે. જોકે, કોર્ટે 1989ના ઐતિહાસિક ‘વોંગ કિમ આર્ક’ કેસનો હવાલો આપીને સરકારની આ દલીલ ફગાવી દીધી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાળની અદાલતોમાં આ ત્રીજી મોટી હાર છે. આ અગાઉ કોર્ટે તેમના વૈશ્વિક ટેરિફ (ટેક્સ) અને ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કુકને હટાવવાના પ્રસ્તાવ પર પણ રોક લગાવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter