મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રામનવમીએ હિંસા: તોફાનીઓએ પોલીસની ગાડીઓ સળગાવી

Thursday 30th March 2023 03:18 EDT
 
 

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના કિરાડપુરામાં યુવકોનાં બે જૂથ રામનવમીના અવસર પર સામસામે ટકરાયાં હતાં, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તોફાની ટોળાએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મી સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. હિંસા રાત્રે 11:30 વાગ્યે શરૂ થઈ અને સવારે 3:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

ગુરુવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરાડપુરા વિસ્તારમાં આવેલા રામમંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીં તેમને અન્ય જૂથ સાથે ઝઘડો થયો અને બોલાચાલી વધી ગઈ હતી. બંને જૂથમાં વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા.

થોડીવાર પછી એક જૂથે મંદિર તરફ પથ્થરમારો કર્યો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં ઘૂસ્યા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. લોકોએ પોલીસને જણાવ્યું, પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં તો આગચંપી શરૂ થઈ ચૂકી હતી. તોફાનીઓએ મંદિરની સામે પાર્ક કરેલી પોલીસની ગાડીને આગ ચાંપીને ફૂંકી મારી હતી.

ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક ધર્મગુરુઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભીડ તેમની વાત માનવા માટે તૈયાર ન હતી. ટૂંક સમયમાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, પરંતુ તોફાનીઓએ તેમના પર પણ પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા.

પોલીસે હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઃ સ્થાનિકો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભીડને બેકાબૂ થતા જોઈને પોલીસે હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આઝાદચોકથી સિટીચોક સુધીના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. લોકોએ જણાવ્યું કે મોટા ભાગના નાગરિકોનાં ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
તોફાનીઓને પકડવા માટે ટીમ બનાવાશેઃ પોલીસ કમિશનર
છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે, કિરાડપુરામાં રાત્રે તંગદિલી સર્જવાનો પ્રયાસ કરનારા તોફાનીઓને પકડવા માટે પોલીસની 8થી 10 ટીમ બનાવાશે. રામનવમીને ધ્યાનમાં રાખીને કિરાડપુરામાં રામમંદિરમાં તૈયારીઓમાં લાગેલા યુવકોના જૂથની અન્ય જૂથ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી. જો કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિતિ હવે કાબૂમાં છે.


comments powered by Disqus