ઘૂંટણ કે નિતંબના દુઃખાવામાં આરામ નહિ, કસરત વધુ લાભકારી

(હેલ્થ બુલેટિન)

Sunday 25th October 2026 07:16 EDT
 
 

ઘૂંટણ કે નિતંબના દુઃખાવામાં આરામ નહિ, કસરત વધુ લાભકારી

લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ઘૂંટણ અથવા નિતંબમાં દુઃખાવો થતો હોય તો આરામ કરવો હિતાવહ છે. જોકે, આ બાબત સંપૂર્ણપણે સાચી નથી. ઘૂંટણ અથવા નિતંબમાં દુઃખાવાનો સામનો કરવો હોય ત્યારે કસરત વધુ અસરકારક સારવાર બની રહે છે. કસરત આરોગ્ય માટે સારી આદત છે અને ઘૂંટણ અને હિપ્સને સપોર્ટ કરતા સ્નાયુઓને મજબૂત બનાવતી કસરતો નિશ્ચિતપણે મદદરૂપ બને છે. હકીકત એવી છે કે નુકસાનગ્રસ્ત ઘૂંટણ અથવા નિતંબના સાંધાની આસપાસ વીંટળાયેલા સ્નાયુઓ અંગોની કેટલીક જવાબદારીઓ ઉપાડી લે છે. જો તમારા ક્વોડ્રિસેપ્સ, ગ્લુટીઅલ્સ, હેમસ્ટ્રિંગ અને જઠરના સ્નાયુઓ મજબૂત હોય તો તમારા શરીરનું વજન ઉઠાવવામાં હિપ્સને ઓછું જોર લાગશે. ઘૂંટણમાં મેનિસ્કસ અને કાર્ટિલેજની આઘાત સહન કરવાની ભૂમિકા હોય છે તેને પણ મજબૂત ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ્સની મદદ મળે છે. મોટા ભાગના લોકોને ક્યારેક તો ઘૂંટણ અથવા નિતંબમાં દુઃખાવાની સમસ્યા નડે છે કારણકે આ બે અવયવોના સાંધા આપણા શરીરનું સંપૂર્ણ વજન ઉઠાવતા રહે છે તેમજ ચાલવામાં પણ સતત મદદ કરે છે.
આ સાંધાઓમાં ઘસારો, ઈજા તેમજ જિનેટિક વારસાના કારણે ઘૂંટણ અને હિપ્સમાં દુઃખાવા થતા હોય છે. સૌથી મહત્ત્વની બાબત બેલેન્સ એટલે કે સમતુલા જાળવવાની હોય છે. સ્નાયુઓમાં તાકાત કે મજબૂતાઈનું યોગ્ય બેલેન્સ સાંધાને સૌથી વધુ કાર્યરત અને ઓછામાં ઓછી પીડાની પોઝિશનમાં રાખે છે. સ્નાયુઓ જોડીમાં કામ કરે છે. એક સંકોચાય છે તો બીજો સ્નાયુ હળવાશમાં હોય છે. જ્યારે તમે ઘૂંટણને સીધા કે લંબાવો છો ત્યારે તમારા સાથળની આગળ તરફના ક્વોડ્રિસેપ્સ સંકોચાય-ખેંચાય છે પાછળ રહેલા હેમસ્ટ્રિંગ્સ રિલેક્સ થાય છે. જોડીમાં રહેલા સ્નાયુઓની કામગીરીમાં અસમતુલા આવે ત્યારે સાંધાની સમસ્યા સર્જાય છે અને ઈજા થાય છે. જો તમને ઘૂંટણ અથવા નિતંબની સમસ્યા હોય તો કસરતોની પસંદગીમાં સાવચેતી રાખવી જરૂરી છે. સખત સાઈડવોક કે પેવમેન્ટ પર ઝડપથી દોડવું કે ચાલવું સાંધાઓ માટે સરળ નથી. તમે આ કસરત ટ્રેક અથવા ટ્રેડમિલ પર કરી શકો છો. સ્વિમિંગ અથવા સાયકલિંગ પણ તમારા સાંધાઓ માટે સારાં છે. પાણીમાં કસરત કરવાથી પાણી તમારા વજનને સપોર્ટ કરે છે, સાંધા પરનો તણાવ ઘટાડે છે.

•••

આખું ધાન ખોરાકમાં લેવાથી હૃદયની તંદુરસ્તી વધે, વજન ઘટે

યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર દરરોજ 4થી 6 કોળિયા (60થી 100 ગ્રામ) આખું ધાન ખાવામાં આવે તો શરીરનું વજન, કમરનો ઘેરાવો, ટોટલ કોલેસ્ટેરોલ અને ઈન્ફ્લેમેશન માર્કર ઈન્ટરલેયુકિન-6 (IL-6)ને ઘટાડવામાં મદદ મળે છે તેમજ હૃદયની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. સંશોધકોએ 6500થી વધુ પાર્ટિસિપેન્ટ્સ સહિત અગાઉની ટ્રાયલ્સનું એનાલિસિસ કર્યું હતું. તેમને જણાયું હતું કે આખું અનાજ લેવાથી LDL કોલેસ્ટેરોલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ, સિસ્ટોલિક બ્લડ પ્રેશર, ફાસ્ટિંગ પ્લાઝમા સુગરમાં સુધારો થાય છે. ખાસ તો 60થી 100 ગ્રામ આખું અનાજ લેવાથી કાર્ડિયોમેટાબોલિક સુધારો જોવા મળ્યો હતો.
સંશોધકોએ જણાવ્યું હતું કે સેચ્યુરેટેડ ચરબી અને પ્રોસેસ્ડ સુગરનું ઊંચું પ્રમાણ ધરાવતાં રિફાઈન્ડ અથવા પ્રોસેસ્ડ ફૂડ્સ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે હોલ ગ્રેઈનનો ખોરાક નિશ્ચિતપણે લાભકારી રહે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા ફાઈબરથી સમૃદ્ધ આખાં અનાજનાં ઓછામાં ઓછાં ત્રણ કોળિયા ખોરાકમાં લેવાનું પ્રોત્સાહન અપાવા છતાં, યુનાઈટેડ સ્ટેટ્સમાં મોટા ભાગના પુખ્ત લોકો આખું અનાજ ખાતા નથી તે પણ હકીકત છે. જોકે, આ અભ્યાસ માત્ર આઠ સપ્તાહ પૂરતો જ કરાયો હોવાથી આખા અનાજની ભૂમિકા સમજવા તેમજ રિફાઈન્ડ ગ્રેઈન્સના સ્થાને હોલ ગ્રેઈન્સના ખોરાકમાં સમાવેશથી થનારા લાભ વિશે વધુ સંશોધન જરૂરી જણાય છે. ધ હોલ ગ્રેઈન્સ કાઉન્સિલ દ્વારા બ્રાઉન રાઈસ, ક્વિનોઆ, આખા અનાજનો લોટ, હોલ ગ્રેઈનના પાસ્તા, બ્રેડ, આખાં કઠોળ, આખા મમકાઈના લોટમાંથી બનાવાયેલી વાનગીઓ ખોરાકમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter