ચેન્નાઈઃ મહાનગરની છઠ્ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની થારગઈ આરાધનાએ સમુદ્રને સાફ કરવા માટે 40 બાળકની ટીમ બનાવી છે. તે દરિયાકિનારે અને તળિયેથી કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક દૂર કરે છે. થારગઈ પોતે ભારતની સૌથી નાની વયની સર્ટિફાઈડ સ્કૂબા ડાઈવર છે. તે સમુદ્રમાંથી કચરો દૂર કરવા માટે ડાઇવ કરે છે. તેણે અત્યાર સુધીમાં સમુદ્રના તળિયામાંથી 6 હજાર કિલો પ્લાસ્ટિક કચરો દૂર કર્યો છે. વાત અહીં નથી અટકતી. થારગઇ તેના જેવા બાળકોને તાલીમ આપીને દરિયાઈ જીવોના સુરક્ષા માટે કામ કરવા પ્રેરણા આપી રહી છે.
પ્રદૂષણ સામે થારગઈની ખરી લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે, એક વાર ડાઇવિંગ કરતી વખતે તેણે એક દરિયાઈ ગાય (ડુગોંગ) અને તેના બચ્ચાને જાળમાં ફસાયેલા જોયા. તેણે બચ્ચાને જાળમાંથી બચાવ્યું, પરંતુ ગાય મરી ગઈ હતી. તે ખૂબ જ દુ:ખી થઈ હતી. પછી તેણે સમુદ્રને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાનું પોતાનું જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું
થારગઈ કહે છે કે ‘દરિયાઈ જીવો મારા મિત્રો છે. આપણા લીધે સમુદ્ર પ્રદૂષિત થઈ રહ્યો છે અને દરિયાઈ જીવો જોખમમાં મૂકાઈ રહ્યા છે.’ તેના સ્કુબા ઈન્ટ્રક્ટર પિતા અરવિંદે તેને સમુદ્રનો પરિચય કરાવ્યો હતો. તે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે ડાઇવર બની હતી. તેણે સમુદ્રમાંથી 30 હજાર કિલો પ્લાસ્ટિક કચરો દૂર કર્યો છે. હવે તે આ સપ્તાહે 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં ટેડ ટોક ગેટવે યુથમાં પોતાના અનુભવો શેર કરશે.
સમુદ્રમાં પ્રદૂષણ રોકવા શ્રીલંકાથી ભારત સુધી સ્વિમિંગ
દરિયામાં પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા થારગઈએ શ્રીલંકાના થલમન્નારથી ભારતના ધનુષકોડી તરીને પહોંચી હતી. આવતા વર્ષે તે ભારત-શ્રીલંકાના દરિયાઈ વિસ્તારમાં ડૂબકી લગાવશે અને દરિયાના તળિયામાંથી કચરો દૂર કરશે. ‘સેવ ધ ઓશન’ થીમ હેઠળ, તેણે કોવેલોંગથી નીલંકરી સુધીની 19 કિમીની યાત્રા 6.4 કલાકમાં પૂર્ણ કરી હતી.


