દિલ્હીઃ મોદી અટક પર વિવાદમાં ફસાયા બાદ સંસદસભ્યનું પદ ખોઈ બેઠા બાદ રાહુલ ગાંધી કર્ણાટકના કોલારથી 5 એપ્રિલથી ‘સત્યમેવ જયતે’ આંદોલન શરૂ કરશે, જે સમગ્ર દેશમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોલારમાં જ રાહુલ ગાંધીએ મોદી અટક પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તો બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને સમર્થકોએ સોશિયલ મીડિયા પર ‘મેરા ઘર આપકા ઘર’ અભિયાન શરૂ કરી દીધું છે.
કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી ‘સત્યમેવ જયતે’ આંદોલનની જાણકારી આપી. આ દરમિયાન કોંગ્રેસ નેતા આનંદ શર્મા પણ હાજર રહ્યા હતા. શિવકુમારે જણાવ્યું કે, રાહુલ ગાંધીની યોગ્યતાનો મુદ્દો કોલારમાં તેમના ભાષણથી શરૂ થયો હતો. હવે 5 એપ્રિલે રાહુલ ગાંધી કોલાર આવીને ‘સત્યમેવ જયતે’ આંદોલન શરૂ કરશે, જે સમગ્ર દેશમાં ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓની હાજરીમાં રાહુલ કોલારની ધરતીથી પરિવર્તનનો સંદેશ આપશે.
રાહુલ ગાંધીને 23 માર્ચે સુરત કોર્ટે માનહાનિના મામલામાં દોષી ઠેરવ્યા હતા. રાહુલે એપ્રિલ 2019માં કોલારમાં એમ કહ્યું હતું કે, તમામ ચોરની અટક મોદી કેમ હોય છે? કોર્ટના નિર્ણય બાદ બીજા જ દિવસે લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં સંસદ સભ્ય રદ કર્યા બાદ તેમના બંગલાને ખાલી કરવાની પણ નોટિસ બજાવવામાં આવી હતી. તેમને 22 એપ્રિલ સુધી બંગલો ખાલી કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે.


