રાહુલનું સંસદસભ્ય પદ રદ થતાં અમેરિકા અને જર્મનીએ કરી ટિપ્પણી

Thursday 30th March 2023 03:09 EDT
 
 

દિલ્હીઃ સુરત સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવાતાં તેમનું સંસદસભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના પર અમેરિકા દ્વારા પ્રતિક્રિયા બાદ જર્મની સરકાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાહુલ અંગે જર્મનીની પ્રતિક્રિયા
જર્મનીએ કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે રાહુલ પર કાર્યવાહી કરતા સમયે ન્યાયિક સ્વતંત્રતાના માનક અને મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવે. રાહુલ ગાંધીના મામલામાં યુરોપીય દેશો તરફથી આ પ્રથમ પ્રતિક્રિયા છે. આ પહેલાં અમેરિકાએ રાહુલ ગાંધી મામલામાં પ્રતિક્રિયા આપી હતી. જર્મન વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ રેગ્યુલર મીડિયા બ્રીફિંગ દરમિયાન બુધવારે જણાવ્યું કે, અમારી જાણકારી અનુસાર રાહુલ ગાંધી આ નિર્ણયના વિરુદ્ધ હજુ અપીલ કરી શકે છે. આ અપીલ બાદ તે સ્પષ્ટ થશે કે આ નિર્ણય કાયમ રહેશે કે નહીં. અને એ પણ સ્પષ્ટ થઈ જશે કે રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ રદબાતલ કરવા અંગે કોઈ આધાર છે કે નહીં.
અમેરિકાએ શું કહ્યું હતું?
જર્મની પહેલાં અમેરિકાએ પણ રાહુલ ગાંધી મામલામાં પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધી મામલા પર અમેરિકી વિદેશ વિભાગના ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે, કાયદો અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈપણ લોકતંત્રની આધારશિલા છે. ભારતીય કોર્ટમાં ચાલી રહેલા રાહુલ ગાંધીના કેસ અંગે અમારી નજર છે.


comments powered by Disqus