ચીનની અમેરિકાને ચેતવણીઃ નાટો જેવા સંગઠનની કવાયત યુદ્ધ નોતરશે

Wednesday 07th June 2023 08:19 EDT
 
 

બેઈજિંગઃ અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી લશ્કરી સંગઠન નાટો જેવું જ સૈન્ય સંગઠન એશિયા-પેસિફિકમાં બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તેના આવા પ્રયાસોથી ઘર્ષણનું એવું વમળ સર્જાશે કે આ પ્રદેશ અશાંત બની જશે તેવો ચીને અમેરિકા પર આક્ષેપ કર્યો છે. તાઇવાન અંગે અન્ય દેશોની દખલગીરીથી પણ ચીન છંછેડાયેલું છે.
માર્ચમાં સંરક્ષણ મંત્રીનું પદ સંભાળ્યા પછી પહેલી વખત આંતરરાષ્ટ્રીય સંબોધન કરતાં ચીનના સંરક્ષણ મંત્રી જનરલ લી શાંગફુએ રવિવારે જણાવ્યું હતું કે, શિપિંગની આઝાદીના નામે તાઈવાન જલડમરુ મધ્ય અને દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થતા અમેરિકા સહિતના સૈન્ય જહાજોનું પરિવહન ચીનની ઉશ્કેરણી કરવાસમાન છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા હવે એશિયા-પેસિફિકમાં પણ નાટો જેવું સૈન્ય સંગઠન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આવું સંગઠન પ્રદેશમાં અશાંતિ પેદા કરશે. એટલું જ નહીં પ્રદેશને વિવાદો અને ઘર્ષણના વમળમાં નાખી દેશે. શાંગફુએ ચેતવણી આપી કે ચીન અને અમેરિકા વચ્ચેનું ઘર્ષણ કે ભયાનક યુદ્ધ સમગ્ર દુનિયા માટે અસહ્યનીય આપત્તિ લાવશે.


comments powered by Disqus