લખનઉઃ વારાણસીમાં ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસર સરવેના બીજા દિવસે એએસઆઇને દેવોની મૂર્તિઓ, તૂટેલા ત્રિશૂળનો ભાગ મળી આવ્યો છે. એએસઆઇ દ્વારા મુસ્લિમ પક્ષના 5 સભ્યો અને એક વકીલની હાજરીમાં બે શિફ્ટમાં સાત કલાક સુધી સરવે કરાયો હતો. આ દરમિયાન જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજનું ભોંયરું પણ ખોલવામાં આવ્યું હતું. સરવેમાં હાજર સીતા સાહુએ જણાવ્યું કે, ભોંયરામાં મંદિરના તૂટેલા સ્તંભના અવશેષો, બે ફૂટના ત્રિશૂળ સાથેની 4 ફૂટની મૂર્તિ, વિવિધ આકારના 5 કળશ મળી આવ્યા છે. આ સિવાય પણ ઘણી વસ્તુઓ મળી આવી છે. શનિવારે સવારે મુસ્લિમ પક્ષ ભોંયરાની ચાવી આપતો ન હતો, બાદમાં તેમણે એએસઆઇને ચાવી આપી હતી. મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહેમદનું કહેવું છે કે અમે સરવેથી સંતુષ્ટ છીએ.
નંદીની પ્રતિમાનું મુખ ભોંયરા તરફ
હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન નંદીની પ્રતિમાનું મુખ જ્ઞાનવાપીના જે ભાગ સામે છે તે વ્યાસજીનું ભોંયરું છે. સવારે જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે ઠેરઠેર ગંદકી જોવા મળી હતી. બાદમાં એએસઆઇના કહેવાથી સફાઈ કરવામાં આવી હતી. અહીંથી દેવી-દેવતાઓના અવશેષો મળી આવ્યા છે. બિનસરકારી પુરાતત્ત્વવિદો માને છે કે ભોંયરું જ પ્રાચીન ભગવાન વિશ્વેશ્વર મંદિરનું ગર્ભગૃહ છે. બીએચયુના ભૂતપૂર્વ પ્રો. રાણા પી.બી. સિંહનો દાવો છે કે ભોંયરામાં મંદિર હોવાના હજારો પુરાવા છે, તે શિવમંદિરનું સંપૂર્ણ ગર્ભગૃહ છે.
હવે બૌદ્ધ મઠ હોવાનો દાવો
જ્ઞાનવાપી મામલામાં 3 ઓગસ્ટે એક નવો જ વળાંક આવ્યો, જ્યારે એક બૌદ્ધ ધર્મગુરુ સુમિત રતન ભંતે એ સુપ્રીમ કોર્ટમાં દાવો કરતાં રિટ દાખલ કરી છે કે જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહીં, પરંતુ તેમનો બૌદ્ધ મઠ છે. સુમિત રતન ભંતેના જણાવ્યા પ્રમાણે એવાં અનેક મંદિર છે, જેને બૌદ્ધ મઠને તોડીને બનાવાયાં છે. જ્ઞાનવાપીમાં મળેલાં ત્રિશૂળ અને સ્વસ્તિક બૌદ્ધ ધર્મનાં છે. કેદારનાથ અથવા જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ ગણાવવામાં આવે છે, તે બૌદ્ધ ધર્મના સ્તૂપ છે.
જ્ઞાનવાપી ન મંદિર છે, કે ન તો મસ્જિદ. સુમિત રતન ભંતે કહ્યું કે, તેઓ કેદારનાથ અને બદરીનાથ સહિતનાં અન્ય મંદિરોને લઈને પણ અરજી કરશે. સૌથી જૂનો ધર્મ જ બૌદ્ધ છે, એએસઆઇ જો સરવે કરશે તો તે બૌદ્ધ મઠ જ સાબિત થશે. જો તે બૌદ્ધ સ્તૂપ સાબિત થાય તો જ્ઞાનવાપી અમને સોંપી દેવાય.


