ભાદરણનાં બાહોશ સ્વાતંત્ર્યસેનાની શાંતાબહેને સુભાષચંદ્ર બોઝને પણ ટોક્યા હતા

Wednesday 09th August 2023 07:03 EDT
 
 

- બાદલ લખલાણી
અમદાવાદઃ અનેક કારણોથી પ્રખ્યાત ભાદરણ ગામનાં એક એવાં યોધ્ધાં પણ છે, જેમણે આઝાદ હિન્દ ફોજના પ્રખર લડવૈયા સુભાષચંદ્ર બોઝના કદમ સાથે કદમ મિલાવ્યાં હતાં. હાલમાં 104 વર્ષનાં વીરાંગના શાંતાબહેન પટેલે 1942માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઈને ધરપકડ વહોરી હતી અને યેરવડાનો જેલવાસ પણ ભોગવ્યો હતો.
પોતાની ઓળખ અને અભિયાનમાં શાંતાબહેન પટેલ ખૂબ ચોક્કસ છે. ત્યાં સુધી કે શાંતાબેન પટેલે એક વખત હરિપુરા ખાતે આયોજિત અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ગાડી પર ભારતીય તિરંગો ન હોવાના કાફલાને અટકાવી દીધો હતો, કારણ કે તેમના કાફલા અને તેમની કાર પર તિરંગો નહોતો. શાંતાબહેન પટેલે આ સમયે સુભાષચંદ્ર બોઝની ગાડી પર તિરંગો લગાવ્યા બાદ જ તેમને આગળ જવાની અનુમતી આપી હતી. તેમના આ આગ્રહને સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ સરાહવામાં આવ્યો હતો. કાફલાની સાથે અને કાર પર એક તિરંગો પણ ન હોવા અંગે શાંતાબહેન પટેલ દ્વારા સુભાષચંદ્ર બોઝને ટોકવામાં આવ્યા હતા. શાંતાબહેન દ્વારા કાફલાને રોકી લીધા બાદ અધિવેશનમાં મોડા પહોંચતાં મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને મોડા થવાનું કારણ પૂછતાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને શાંતાબહેન પટેલ અંગેની વાત કરી હતી. આ સાંભળી મહાત્મા ગાંધીએ પણ તિરંગાનું સન્માન જાળવવા બદલ શાંતાબહેનના આ કાર્યની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ‘આવી વીરાંગનાઓથી જ દેશ ઊજળો છે.’ શાંતાબહેને ગાંધીજી સાથે જેલવાસ પણ ભોગવ્યો છે અને પોતાના દાગીના વેચીને ગાંધીજીના અહિંસક આંદોલનમાં તેમણે મદદ પણ કરી છે.
આજે પણ ગામના લોકો માટે પૂજનીય શાંતાબહેન પટેલ પૂરા જોમ અને જુસ્સાથી આઝાદીની લડતના કિસ્સાઓ લોકોને સંભળાવી દેશભક્તિની મિસાલ પૂરી પાડી રહ્યાં છે. શાંતાબહેન પટેલ યુવાનોને તેમના 1936ના આઝાદી ચળવળનાં સંભારણાં યાદ કરાવે છે અને યુવાનોને પ્રોત્સાહિત કરે છે.
રાજકીય તહેવારો દરમિયાન નેતાઓ શાંતાબહેનની મુલાકાત લે છે અને તેમની સાથે વાર્તાલાપ કરે છે. આ સાથે શાંતાબહેન રાજ્ય સરકારના આ આગેવાનોને જરૂરી કામો પણ સૂચવે છે. શાંતાબહેન જણાવે છે કે, ભાદરણ ગામનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ આઝાદીની ચળવળ માટે ભાદરણની મુલાકાત લઈ ચૂક્યા છે.


comments powered by Disqus