રૂપિયાનું અવમૂલ્યન ભારત માટે બેધારી તલવાર પર ચાલવા સમાન

Wednesday 09th August 2023 06:12 EDT
 

વૈશ્વિક નિકાસની સ્પર્ધામાં ટકી રહેવા માટે કરન્સીનું અવમૂલ્યન આવશ્યક બની જાય છે. ચીન અને દક્ષિણ કોરિયા જેવી એશિયન આર્થિક શક્તિઓ વ્યૂહાત્મક રીતે તેમના ચલણોનું ડોલરની સામે અવમૂલ્યન કરતાં રહે છે જેથી તેમના ઉત્પાદનોને વિશ્વમાં બજાર મળી રહે. આ દેશોમાં કરન્સીના અવમૂલ્યનને રાષ્ટ્રીય ગૌરવ સાથે સાંકળવામાં આવતું નથી જ્યારે ભારતમાં રૂપિયાના અવમૂલ્યનને રાષ્ટ્રીય શરમમાં ખપાવી દેવાતું રહ્યું છે. અત્યાર સુધી ભારતની આયાત તેની નિકાસ કરતાં હંમેશા વધુ રહી છે જેથી તેની વેપાર ખાધ સતત વધતી જ જાય છે. દેશના કોર્પોરેટ અને ઉદ્યોગ જગત પણ તેમના સ્વાર્થના કારણે હંમેશા મજબૂત રૂપિયાની વકીલાત કરતાં રહ્યાં છે. એટલું જ નહીં ભારતની સરકારો અને આર્થિક નીતિના ઘડવૈયાઓ પણ રૂપિયાના અવમૂલ્યનને ક્યારેય વ્યૂહાત્મક રીતે વિચારતા જ નથી જેના કારણે ભારતની નિકાસોને હંમેશા ફટકો પડતો રહ્યો છે. પ્રિન્સટન યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ઇકોનોમિક પોલિસીના પ્રોફેસર અશોક મોદી કહે છે કે ફક્ત સસ્તો રૂપિયો જ ભારતની નિકાસોને વેગ આપી શકે છે. હાલ અમેરિકન ડોલર સામે રૂપિયો 82.75ની આસપાસ રહે છે તેના સ્થાને રૂપિયો 100ની આસપાસ હોવો જોઇએ. આમ કરવાથી દેશમાં બનતો માલસામાન વિદેશી આયાતકારો માટે સસ્તો બનવાથી નિકાસ વધશે. નિકાસ વધવાથી દેશમાં ઘરેલુ મૂડીરોકાણમાં વધારો થશે જે મોટી સંખ્યામાં રોજગારનું સર્જન કરી શકે છે. રૂપિયાનું અવમૂલ્યન થવાથી વિદેશોમાંથી આયાત મોંઘી બની શકે જેના કારણે આયાત ઘટતાં દેશની વેપાર ખાધમાં ઘટાડો થઇ શકે. 2014 સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે મેક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો છે જેથી આયાતોમાં ઘટાડો થઇ શકે. જોકે ભારતમાં ખાટલે સૌથી મોટી ખોડ ક્રુડ તેલની આયાત છે. ભારતમાં જરૂરીયાતના પ્રમાણમાં ક્રુડ તેલનું ઉત્પાદન થતું નથી તેથી તેને એનર્જી જરૂરીયાત માટે આયાત પર જ નભવું પડે છે. આવી સ્થિતિમાં રૂપિયાનું અવમૂલ્યન આયાત બિલમાં તોતિંગ વધારો કરી શકે છે. ભારતે હવે ગ્રીન એનર્જીને નોંધપાત્ર પ્રમાણમાં અપનાવવાની શરૂઆત કરી છે જેથી ક્રુડ પરની નિર્ભરતાને ઘટાડી શકાય. આમ રૂપિયાનું અવમૂલ્યન બેધારી તલવાર જેવું છે. ભારત માટે અનિવાર્ય આયાતો મોંઘીદાટ બને તે પણ પોષાય તેમ નથી. આ માટે અત્યંત વ્યૂહાત્મક પગલાં જરૂરી બની રહે છે.


comments powered by Disqus