યુકેમાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓને નોકરીઓ મેળવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. તેના માટે તેમના દ્વારા પસંદ કરાયેલા અભ્યાસક્રમોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે. ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં સ્થાયી થવાની ઘેલછા સાથે યુકેમાં જે હાથ લાગ્યો તે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને હજારો પાઉન્ડ ખર્ચ કરી અભ્યાસ પૂરો કરે છે પરંતુ ત્યારબાદ અભ્યાસને અનુકૂળ નોકરી ન મળવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ રહ્યાં છે. ઘણાને તો વિઝાની મુદત પૂરી થયા સુધી નોકરી ન મળવાના કારણે ભારત પરત ફરવાની પણ ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં ગાડરિયા પ્રવાહની જેમ યુકે અથવા તો અન્ય વિદેશોમાં જતાં પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો તેની પુરતી કાળજી લેવાની જરૂર છે. આજના સ્પર્ધાત્મક વિશ્વમાં ઉચ્ચ કુશળતા આવશ્યક બની ગઇ છે ત્યારે ફક્ત વિદેશ ઘેલછા સાકાર કરવા કારકિર્દીમાં કોઇપણ પ્રકારે મદદરૂપ ન થનારા અભ્યાસક્રમોમાં જોડાવું એ નરી મૂર્ખતા જ છે. બાળક પર શિક્ષણની પસંદગી થોપી બેસાડવી જોઇએ નહીં તેવી ચર્ચા અહીં અસ્થાને છે. જ્યારે મા-બાપ હજારો પાઉન્ડ ખર્ચીને બાળકને વિદેશમાં અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેના ભવિષ્યને આકાર આપે, તેની કારકિર્દીને આગળ ધપાવવામાં મદદરૂપ બને, તેને નોકરી અપાવે તેવા અભ્યાસક્રમની પસંદગી અત્યંત જરૂરી બની ગઇ છે. અમેરિકામાં અભ્યાસ કરવા જતા ઘણા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના કારણે એચ-વનબી વિઝા મળતા નથી જેના કારણે તેમને અમેરિકામાં સ્થાયી થવા માટે એચ-વનબી વિઝાને અનુરૂપ ડિગ્રી મેળવવા વધુ અભ્યાસ જારી રાખવો પડે છે ક્યાં તો જે તે અનાવશ્યક ડિગ્રી સાથે ભારત પરત ફરવું પડે છે. એચ-વનબી વિઝા ન મળવાના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા બાદ કેનેડા તરફ પ્રયાણ કરે છે જેથી ત્યાં પરમેનેન્ટ રેસિડેન્સી પ્રાપ્ત કરીને વિદેશ ઘેલછાને પૂરી કરી શકાય. પોતાના સંતાનોને આવી બધી સમસ્યાઓમાં મૂકતાં પહેલાં વાલીઓએ પહેલેથી જ પુરતો અભ્યાસ અને જાણકારી મેળવ્યા પછી જ સંતાનોને વિદેશમાં અભ્યાસ અને સ્થાયી થવા માટે મોકલવા જોઇએ જેથી તેઓ બિનજરૂરી મુશ્કેલીઓમાં સપડાયા વિના પોતાની કારકિર્દીને સારો ઓપ આપી શકે.


