સંસદની ચૂંટણી પહેલાં કેર સ્ટાર્મર કેટલા યુ-ટર્ન લેશે...

Wednesday 09th August 2023 06:20 EDT
 

યુકેમાં લેબર પાર્ટીને સત્તાવિમુખ થયે 13 વર્ષના લાંબા વહાણા વહી ચૂક્યાં છે. પોતાની જ ભૂલોના કારણે જનતામાં અળખામણી બનેલી કન્ઝર્વેટિવ પાર્ટીને 2024ની ચૂંટણીમાં પરાસ્ત કરવાના સારા સંકેતો જોતાં લેબર પાર્ટી અને તેના મુખિયા કેર સ્ટાર્મર સંખ્યાબંધ મુદ્દા પર પાર્ટીના વલણથી વિપરિત દિશામાં આગળ વધતાં પણ ખચકાતાં નથી. સંખ્યાબંધ મુદ્દા પર તેઓ યુ-ટર્ન લઇ ચૂક્યાં છે. લેટેસ્ટ યુ ટર્નમાં જસ્ટ સ્ટોપ ઓઇલની સમર્થક રહેલી લેબર પાર્ટી અને સ્ટાર્મરે નોર્થ સીમાં ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન પર રોક લગાવવાના મુદ્દે ગુલાંટ મારી લીધી છે. સ્ટાર્મરે જણાવ્યું છે કે નોર્થ સીમાં એક્સપ્લોરેશન માટેના જૂના લાયસન્સ રદ નહીં કરાય. સ્ટાર્મરે ટ્યુશન ફી નાબૂદ કરવાનું વચન આપ્યું હતું પરંતુ હવે તેઓ દેશની આર્થિક સ્થિતિનો હવાલો આપી રહ્યાં છે. સ્ટાર્મરે ક્લાઇમેટ સંબંધિત પગલાં પાછળ પ્રતિ વર્ષ 28 બિલિયન પાઉન્ડ ફાળવવાનું વચન આપ્યું હતું પરંતુ હવે તેના માટે પીછેહઠ કરી ચૂક્યાં છે. લેબર પાર્ટીએ ગ્રેટ બ્રિટિશ એનર્જીનો પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે પાર્ટી આ નીતિને યોગ્ય ગણી રહી નથી. પાર્ટીએ અમીરો માટે આવકવેરાના ઊંચા દરો લાગુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે સ્ટાર્મર આવકવેરાના દર ઘટાડવાની વાતો કરી રહ્યા છે. માઇગ્રન્ટ્સના મુદ્દે અગાઉ સ્ટાર્મર સરહદો ખુલ્લી મૂકવાના પક્ષમાં નહોતા પરંતુ હવે લેબર પાર્ટી માઇગ્રન્ટન્સના અધિકારોનું રક્ષણ કરવાના સંકેત આપી રહી છે. આવા તો ઘણા મામલામાં કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી યુ – ટર્ન લઇ ચૂકી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં અક્સબ્રિજ બેઠક પર લેબર ઉમેદવારના પરાજય બાદ સ્ટાર્મરે લંડનના મેયર સાદિક ખાનના પ્રસ્તાવિત ઉલેઝ વિરોધી વલણ અપનાવી લીધું છે. ભારત સાથેના સંબંધોના મામલે પણ કેર સ્ટાર્મર હવે સકારાત્મક વાતો કરવા લાગ્યા છે. અગાઉ જમ્મુ-કાશ્મીર સહિતના મુદ્દા પર ભારત વિરોધી વલણ અપનાવનાર સ્ટાર્મર હવે ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો સ્થાપવાની હિમાયત કરી રહ્યાં છે. જો કે આ બદલાવ કૂટનીતિક નથી પરંતુ યુકેમાં વસતા પ્રભાવશાળી ભારતીય સમુદાયના મતો અંકે કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. હજુ સંસદની ચૂંટણી આડે એક વર્ષ જેવો સમય બાકી છે ત્યારે સ્ટાર્મરના રૂખમાં હજુ કેટલા બદલાવ આવે છે તે જોવું રહ્યું.


comments powered by Disqus