નવી દિલ્હીઃ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી 2 વર્ષની સજા અને દોષસિદ્ધિ પર રોક લગાવી દીધી છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે શુક્રવારનો દિવસ શુભ સંકેત લઈને આવ્યો હતો. સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષી ગણાવતાં 2 વર્ષની સજા સંભળાવી હતી. સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આંચલી લેવાયું હતું. સુપ્રીમ કોર્ટે હવે રાહુલને દોષી ઠેરવવાની સાથે સજા પર પણ રોક લગાવી દીધી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણી લડી શકશે અને તેમનું સત્તાવાર નિવાસસ્થાન પણ તેમને પરત મળશે.
સોમવારે 7 ઓગસ્ટે લોકસભા સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી રાહુલની લોકસભા સદસ્યતા પરત આપી દેવામાં આવી છે. રાહુલ ગાંધી 137 દિવસ બાદ સંસદ ભવન પહોંચ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે સવારે જ રાહુલનું સંસદ સભ્યપદ પુનઃ સ્થાપિત કર્યું હતું. સંસદ ભવન પહોંચતાં કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યાં હતાં અને પછી ગૃહમાં ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ થતાં બજેટ સત્ર, સંસદના ઉદઘાટન અને દિલ્હી બિલ લોકસભામાં પસાર થયું ત્યારે સદનમાં હાજર રહી શક્યા નહોતા.


