G-20 દેશોના 35 પ્રતિનિધિએ કરી સાસણ ગીરની મુલાકાત

Wednesday 24th May 2023 06:09 EDT
 
 

રાજકોટઃ ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ દીવમાં તા. 18-19 મે 2023 દરમિયાન સાયન્સ-20 મીટિંગનું આયોજન કરાયું હતું. દીવ ખાતે સાયન્સ-20 અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુવાર્ડસ અચિવિંગ અ સસ્ટેનેબલ બ્લૂ ઈકોનોમી બેઠકમાં સહભાગી બનેલા G-20 ના 75 લોકોના ડેલિગેટ્સમાં ટેક્નોક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાસણ ગીર સફારી પાર્કની મુલાકાત લઈ સોરઠ પંથકના સાસણની મહેમાનગતિ માણી હતી. અહીં સિંહ જોઈને વિદેશી પ્રતિનિધિઓ રોમાંચિત થઈ ગયા હતા. આ ઉપરાંત વિદેશી મહેમાનોએ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગનાં દર્શન પણ કર્યાં હતાં.
ભારતે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી એક વર્ષ માટે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે, ત્યારે G-20 વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાનું મંચ બની રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને વનવિભાગે મહેમાનોનું સુતરની આંટી પહેરાવી અને પુષ્પ આપી સ્વાગત કર્યું હતું. G-20 દેશોના 35 પ્રતિનિધિએ સિંહદર્શન કર્યાં હતાં. સાંસણ આવેલા ડેલિગેટ્સે દેવળીયા સફારીપાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતનાં વન્ય પ્રાણીઓને નજીકથી જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત G-20 સમિટના પ્રતિનિધિમંડળ અને દેશ-વિદેશના મહેમાનોએ પ્રભાસતીર્થની મુલાકાત લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વ્યવસ્થાનો ઉત્તમ અનુભવ કરી તમામ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા.


comments powered by Disqus