આણંદઃ કૃષિવિજ્ઞાન અને ખેતીના સંશોધનમાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કરાયેલાં સંશોધન કાર્યોની સમીક્ષા ઓનલાઇન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઈ હતી. જેમાં આણંદ સહિત રાજ્યની અન્ય 4 કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં સંશોધન પર ચર્ચા કરાઈ હતી.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીમાં ચાલતાં સંશોધનો થકી ખેડૂતો માટે જુદા-જુદા પાકની 26 નવી જાત ઘણાં વર્ષોનાં સંશોધનો બાદ વિકસાવાઈ છે. જેમાં જુવારની બે, કેળાંની બે, હાઇબ્રીડ ભીંડાની બે, કાકડીની 1 તથા મગ સહિત વિવિધ પાકની જાત વિકસાવવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી. કથીરિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે કેળાંની 2 નવી જાત વિકસાવી છે તે વધુ ફાયદાકારક રહેશે.
રાજ્યમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા 9 જાત વિકસાવાઈ છે. જૂનાગઢ કૃષિ યુનિ.દ્વારા 7 જાત, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ 2 અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ 8 જાત વિકસાવી છે.


